Mar 7, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૫૯

પરમાત્મા (બ્રહ્મ)નો જે “અવ્યક્ત” ભાવ છે(નિરાકાર-નિર્ગુણ) તેને અક્ષર(નાશ ન પામનાર) કહે છે.અને તેને જ “પરમ ગતિ” કહેવામાં આવે છે. પરમાત્માનું એ પરમધામ છે.
કે જ્યાં જ્ઞાનીઓ પહોંચ્યા પછી ફરીથી ત્યાંથી પાછા આવતા નથી.પરમાત્માના આ પરમધામમાં સર્વ જીવોનો સમાવેશ થઇ જાય છે.જેનાથી (જે પરમાત્માથી) 
આ જગત વ્યાપ્ત છે-તે –“પરમ પુરુષ”  અનન્ય ભક્તિથી જ પ્રાપ્ત થાય છે.(૨૧-૨૨)

આ વાત જ્ઞાનેશ્વર ઉદાહરણ આપીને સમજાવે છે-કે –જે પ્રમાણે-
(૧) શેરડીમાંથી એક વખત ખાંડ બનાવ્યા પછી તે ખાંડને કોઈ પણ ચતુરાઈથી પાછી શેરડી બનાવી શકાતી નથી.
(૨) પારસમણીના સ્પર્શથી એક વખત લોખંડનું સોનું થઇ જાય પછી તે સોનાને બીજો કોઈ પણ પદાર્થ
     અડકાડવાથી -તે સોનું પાછું લોખંડ બની શકતું નથી.
(૩)  એકવાર ઘી બની જાય પછી તેનું ફરી દૂધમાં રૂપાંતર કરી શકાતું નથી.
તે પ્રમાણે-જેમાં (પરમાત્મામાં-પરમાત્માના પરમધામમાં- (અવ્યક્તમાં) મળી જવાથી પુનર્જન્મ નથી

મૃત્યુ વખતનો સમય (કાળ) પણ જીવની ગતિ (મુક્તિ –કે-પુનર્જન્મ) માટે મહત્વનો હોય છે.
હવે પછીના શ્લોક-૨૩ થી શ્લોક ૨૫ સુધી કયા કાળમાં કઈ ગતિ મળે છે-તેનું વર્ણન છે.

અને શ્લોક -૨૬માં મૃત્યુ પછી ના બે માર્ગોનું વર્ણન છે.
એક માર્ગે-મોક્ષ છે-જયારે બીજા માર્ગે પુનર્જન્મ છે.
આગળ વધેલા સાધક માટે વિચારણીય અને પસંદગીની આ વાત આપણા જેવા સામાન્ય માનવીને
સમજવી અઘરી છે. કારણકે સામાન્ય માનવીને તો દેહના અવસાન સમયે (કાળે)-
પ્રારબ્ધ અનુસાર-જે પણ માર્ગ પ્રાપ્ત થાય તે જ સાચો છે.
માત્ર યોગ માર્ગમાં ખૂબ આગળ વધેલા મહાત્માઓ જ પોતાની પસંદગી મુજબ શરીરને ત્યાગી શકે છે-

જ્ઞાનેશ્વર કહે છે-કે-
સામાન્ય માનવીને અકસ્માત કઈ વેળા શું (મોક્ષ કે પુનર્જન્મ) પ્રાપ્ત થશે –એનો કોઈ નિયમ હોતો નથી.
એટલે એ વાત રહેવા દઈશું –અને દેહના અંત સમયે-“બ્રહ્મ” ની પ્રાપ્તિ (મોક્ષ) કરી લેવા કયો માર્ગ છે?
તે સંબંધી જ આપણે વિચાર કરીશું.
જ્ઞાનીઓ તો –એમ જ સમજે છે-કે –આ દેહ રહે કે દેહનું મૃત્યુ થાય-“અમે તો કેવળ બ્રહ્મ જ છીએ”

જે જ્ઞાની દેહમાં રહી, દેહની સાથે જ “બ્રહ્મ” બની જાય છે- તેને દેહનું બીજું નામ (ઉપનામ) યાદ જ
રહેતું નથી. (આત્મા અને પરમાત્મા એક થઇ જાય એટલે દેહ વિસરાઈ જાય છે)
--તો પછી આવા વખતે-કોનો નાશ થાય છે ?
--દેશ(સ્થળ),કાળ (સમય) –પણ જયારે તે જ્ઞાની-પોતે જ બની ગયો હોય તો-તેને ત્યાર પછી-
   બ્રહ્મ-પ્રાપ્તિના માર્ગની શોધ શા માટે કરવી પડે ?
--જે વખતે ઘડો ફૂટે છે-તે વખતે –તે ઘડામાં રહેલું આકાશ (ઘડાકાશ) –ને કોઈ બરોબર કે સારો રસ્તો
  ખોળવા જવું પડતું નથી. તે તો તરત જ મહાકાશ માં મળી જ જાય છે.

આવા  જ્ઞાન ( “હું બ્રહ્મ છું”) થી પરિપૂર્ણ –અનુભવ યુક્ત –યોગીને માટે-–કોઈ સારો કે આડો માર્ગ નથી.
માટે જ શ્રીકૃષ્ણ અર્જુન ને કહે છે-કે-હે અર્જુન, તું સદા યોગયુક્ત થા.(૨૭)

વેદોનું અધ્યયન,યજ્ઞ,તપ અને દાન કરવાથી જે પુણ્યની પ્રાપ્તિ થાય છે,
અને તે પુણ્યથી જે લોક (સ્વર્ગલોક વગેરે)ની પ્રાપ્તિ થાય છે-
તેવા લોકો (સ્વર્ગલોક વગેરે)થી પણ ઉત્તમ લોકમાં (પરમાત્માના ધામમાં) “યોગી જનો “ જાય છે.

બ્રહ્મ,અધ્યાત્મ,કર્મ,અધિભૂત,અધિદૈવ,અધિયજ્ઞ અને મરણ સમયે ભગવદચિંતન –
આ સર્વ જેને પૂર્ણતાથી જાણવામાં આવી જાય તે –યોગી-આપોઆપ બ્રહ્મ-સ્વ-રૂપ બને છે.
આવો યોગી અક્ષર-બ્રહ્મ  (બ્રહ્મ-અવ્યક્ત-નિરાકાર -નિર્ગુણ) ને સાચી રીતે જાણે છે-
અને સર્વ પુણ્ય કર્મના ફળોને –બાજુમાં રાખીને સીધો જ –
આદ્ય-ઉત્કૃષ્ટ-પરમાત્માના સ્થાનને જ જઈ મળે છે.જ્યાંથી પાછા આવવાનું રહેતું નથી .(૨૮)

અધ્યાય-૮-અક્ષરબ્રહ્મયોગ-સમાપ્ત