Mar 29, 2020

ભાગવત રહસ્ય -૨૨૯

રામ-લક્ષ્મણ,વિશ્વામિત્ર ની સાથે જનકપુરીમાં આવ્યા છે. ગામની બહાર આંબાવાડી માં મુકામ કર્યો છે.જનકપુરીના રાજા જનકને ખબર પડી કે ઋષિ વિશ્વામિત્ર આવ્યા છે-એટલે તેમનું સ્વાગત કરવા તે –આવ્યા છે.ઋષિની સાથે કુમારોને જોઈને જનક વિચારે છે-કે-આ ઋષિકુમારો છે-કે રાજકુમારો ?
જનક નિશ્ચય કરી શક્યા નહિ. તેમણે વિશ્વામિત્ર ને પૂછ્યું-આ બાળકો કોણ છે ?
વિશ્વામિત્રે કહ્યું કે તમે તો જ્ઞાની છો- તમે જ નિર્ણય કરો કે આ કોણ છે ?

જનકરાજા મહાજ્ઞાની છે. શુકદેવજી જેવા પણ રાજાને ત્યાં સત્સંગ કરવા આવે છે.
જનકનુ બીજું નામ પડ્યું છે –વિદેહી.
દેહમાં હોવાં છતાં દેહનો ધર્મો જેને સ્પર્શી શકતા નથી-તે વિદેહી. તે જીવતે જીવ મુક્ત છે.
શરીર અને ઇન્દ્રિયોની હયાતીમાં જે મુક્તિનો આનંદ અનુભવી શકે તે વિદેહ મુક્તિ છે.

ધર્મરાજાએ જ્ઞાનીની વ્યાખ્યા આપેલી છે-કે- બ્રહ્માનુભવમાં જેને વિષયરસનુ ભાન ન રહે તે જ્ઞાની.
આસક્તિ અને અભિમાન –એ બંને જીવને બંધન કરનાર છે-જ્ઞાની આ બંને ને ત્યજે છે.
ગીતાજી માં કહ્યું છે-સઘળી ઇન્દ્રિયો પોતપોતાના અર્થોમાં વર્તી રહી છે,એમ માનીને જ્ઞાનીઓ કોઈ વિષયમાં આસક્ત થતા નથી. તેઓ આ દુનિયામાં સઘળું કાર્ય કરવા છતાં –પોતે કંઈ કરતા નથી-
એમ ભાવના રાખી સર્વ કાર્ય કરે છે.

જનકરાજાએ ત્રાટક કર્યું,ક્ષણમાં તો રામજી ને ઓળખી લીધા છે.બોલ્યા છે-કે-
આ ઋષિકુમાર પણ નથી અને રાજકુમાર પણ નથી,રામ કોઈ માનવ નથી,રામ કોઈ દેવ નથી,પણ-
વેદો-નેતિ નેતિ- કહી જે “બ્રહ્મ” નુ વર્ણન કરે છે-અને શંકરજી જેનું સદાસર્વદા ચિંતન કરે છે-તે-
આ સાક્ષાત પરબ્રહ્મ –પરમાત્મા છે.

વિશ્વામિત્ર પૂછે છે-કે તમને આ કોણે કહ્યું ?કેવી રીતે તમે આમ કહી શકો છો ?
જનક રાજા કહે છે-કે- મને કોઈએ કહ્યું નથી,મારું મન સતત બ્રહ્મનુ ચિંતન કરે છે,સંસારનો કોઈ વિષયમારા મનને ખેંચી શકે જ નહિ,આ રામ મારા મનને ખેંચે છે-તેથી લાગે છે-કે તે ઈશ્વર હોવા જોઈએ.
રામ ઈશ્વર ન હોય તો તે મારા મનનુ આકર્ષણ કરી શકે જ નહિ.
પોતાના પર કેવો વિશ્વાસ ?!! પોતાના મન પર કેવો વિશ્વાસ !!!

દુષ્યંત –શકુંતલાનુ પ્રથમ મિલન થાય છે-ત્યારે દુષ્યંત શકુંતલાને પૂછે છે-કે તમે કોણ છો ?
શકુંતલા જવાબ આપે છે-કે-હું ઋષિ-કન્યા છું. દુષ્યંત ત્યારે કહે છે-કે- બ્રાહ્મણની કન્યા મારી મા છે,
મારું મન પવિત્ર છે- પણ તને જોયા પછી મારું મન ચંચળ થાય છે,તેથી તું મારી જાતની કન્યા છે.
તું જો મારી જાતની કન્યા ન હોય તો મારું મન ચંચળ થાય જ નહિ. મારું પવિત્ર મન જ પ્રમાણ છે.
મેં મનથી કદી પાપ કર્યું નથી!!! (મન પર કેવો વિશ્વાસ ?!!!)
શકુંતલા કહે છે-તમે મહાન પવિત્ર લાગો છો, તમારી વાત સાચી છે.મારા સાચા પિતા ક્ષત્રિય છે.
ઋષિ મારા પાલક પિતા છે. એટલે હું સાચે-ઋષિ કન્યા નહિ પણ ક્ષત્રિય કન્યા છું.

જનકરાજા વિશ્વામિત્ર ને કહે છે-કે-આજ સુધી હું નિરાકાર બ્રહ્મનુ ચિંતન કરતો હતો.મને હવે થાય છે-કે-
નિરાકાર નહિ પણ નરાકાર(નર-આકાર) રામનું ધ્યાન કરું.રામજીને જોયાં પછી મારું મન રામજીનુ ચિંતન કરે છે-એટલે જ કહું છું કે રામજી ઈશ્વર છે.નિરાકાર બ્રહ્મ જ આજ સાકાર રામ થયા છે.
વિશ્વામિત્ર કહે છે-રાજા આ તમારી દૃષ્ટિનો ગુણ છે.જ્ઞાનીઓ અભેદ ભાવથી ચિંતન કરે છે.
તમારી દૃષ્ટિ –બ્રહ્મમય છે.તેથી તમને એવું લાગે છે, બાકી આ તો દશરથ ના કુમારો છે.
મારા યજ્ઞનુ રક્ષણ કરવા તેઓ આવ્યા છે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE