Mar 10, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૬૧

પ્રાણીમાત્રની ઉત્પત્તિ-સ્થિતિ-અને લય –એ ત્રણે અવસ્થા નું કારણ “માયા” છે.
જેને “પ્રકૃતિ” પણ કહેવામાં આવે છે.અને તેના બે મૂળભૂત પ્રકાર છે -પરા-અપરા 
કલ્પના અંતે સર્વ જીવો પરમાત્માના પ્રકૃતિરૂપ (અવ્યક્ત) સ્વરૂપમાં લય પામે છે. (પ્રલય=લયનો સમય) 
અને બીજા કલ્પ ના આરંભમાં.
ફરીથી જીવોને ઉત્પન્ન પણ પરમાત્મા –પ્રકૃતિના આધારે કરે છે.(૭)

--જેવી રીતે-પૃથ્વીમાંથી ઘાસ ઉગે છે-અને પૃથ્વીમાં જ સુકાઈ જાય છે,
--જેવી રીતે પાણીમાંથી તરંગ ઉત્પન્ન થાય છે અને પાણીમાં જ સમાઈ જાય છે.
--જેવી રીતે સ્વપ્નો,મનમાંથી ઉત્પન્ન થઇ ને-વ્યક્તિ જયારે જાગે-ત્યારે મનમાં જ લય પામે છે,
તેવી જ રીતે-પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા જીવો–પ્રલય સમયે,પ્રકૃતિમાં જ લય પામે છે.

જેમ,જયારે એમ કહેવામાં આવે કે-“ફલાણું શહેર ફલાણા રાજાએ વસાવ્યું”
પરંતુ વાસ્તવિક રીતે જોવા જતાં રાજાના હાથને તો કંઇ મહેનત કરવી પડતી નથી,અને રાજાની 
આજ્ઞામાં રહેલી શહેરની પ્રજા પોતપોતાના સ્વાર્થ માટે પોતપોતાના વ્યવહાર ચલાવ્યે જાય છે, 
પણ ત્યાં –રાજાને કોઈ વ્યવહાર કરવા જવું પડતું નથી-
તેમ,જીવ-સૃષ્ટિના નિર્માણમાં કે પાલનમાં પરમાત્માને કોઈ શ્રમ પડતો નથી.

જેમ,લોખંડ જડ હોવા છતાં પણ જો લોહચુંબક નજીક હોય તો તે હાલે છે, 
પણ આ લોખંડની નજીક રહેવામાં લોહચુંબકને કોઈ પરિશ્રમ પડતો નથી,
તેમ, પરમાત્મા (બ્રહ્મ) જયારે પ્રકૃતિનો આશ્રય (અંગીકાર) કરે છે,એટલે આપોઆપ જ
જીવ-સૃષ્ટિનો વિસ્તાર થવા માંડે છે. સર્વ જીવ-સૃષ્ટિ પ્રકૃતિ (માયા)ને આધીન છે.
આમ આવી જીવ-સૃષ્ટિ ફરી ફરી ઉત્પન્ન અને નાશ થયે જાય છે.(૮)

જે પ્રમાણે ઘરમાં રાખેલો દીપક (દીવો) –કોઈને અમુક કાર્ય કરવાની કે નહિ કરવાની આજ્ઞા ફરમાવતો નથી, વળી-કોણ શું કાર્ય કરે છે-તે પણ જાણતો નથી,તે તો માત્ર સાક્ષીભાવે (નિર્લેપ-ઉદાસીન-ભાવે)
ઘરનાં કામ કરવામાં મદદરૂપ થાય છે-
તે પ્રમાણે-પરમાત્મા (બ્રહ્મ) –એ પ્રકૃતિના કાર્ય (ઉત્પત્તિ-સ્થિતિ-લય) નું એક કારણ થઇ,
અને આ કર્મ (કાર્ય) કરે છે,પરંતુ તે આ કર્મો પ્રત્યે ઉદાસીન (નિર્લેપ) છે.
“સાક્ષી” ભાવથી આસક્તિ વિનાના આ કર્મો –પરમાત્માને બંધન કરતાં નથી..(૯)

આ રીતે પરમાત્મા (બ્રહ્મ)ની અધ્યક્ષતાથી (આધારથી) માયા (પ્રકૃતિ) આ ચરાચર (જગત)ને
ઉત્પન્ન કરે છે,અને જગતમાં પરિવર્તન પણ તે માયાને લીધે જ થાય છે.(૧૦)

આ પરમાત્માનું મુખ્ય “તત્વ” છે, વેદાંત-સિદ્ધાંતનું “રહસ્ય” છે. (અદ્વૈત)
અને આ “રહસ્ય” જ્યાં સુધી બરોબર રીતે હસ્તગત ન થાય ત્યાં સુધી-પરમાત્માનું “તત્વ” સમજાતું નથી.

આ વેદાંત-તત્વ (અદ્વૈત) ને જાણ્યા વિના –અનુભવ્યા વિના 
–પરમાત્માનું “સત્ય-નિરાકાર” સ્વરૂપ-કોઈના પણ જાણ્યામાં આવી શકતું નથી.
બાકી માત્ર “અનુમાન”(કલ્પના) ના જોર પર 
–જો મનુષ્યને ખરું જ્ઞાન પ્રાપ્ત થયું હોય તેવું તેને લાગે-તો તે વ્યર્થ જ છે.
જેમ મૃગજળ ની ભીનાશથી પૃથ્વી કદી પણ ભીંજાય નહિ.
તેમ “સત્ય” ના અનુભવ સિવાયનું –સર્વ જ્ઞાન- એ માત્ર ભ્રમણા છે.

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત