Apr 7, 2020

ભાગવત રહસ્ય -૨૩૮

શ્રુંગવેરપુરમાં ગંગાજીને રામચંદ્રજી પ્રણામ કરે છે.ગુહકરાજને ખબર પડી-કે સીતારામ પધાર્યા છે.તે ત્યાં આવ્યો છે.ગુહકે કહ્યું-કે-મારું રાજ્ય તમને અર્પણ કરું છું,રાજ્ય તમારું છે,મારે ત્યાં રહો,ગામમાં પધારો.
રામજી કહે છે-કે મારે કોઈ ગામમાં ચૌદ વર્ષ સુધી પ્રવેશ કરવો નથી.
ગંગાકિનારે સીસમના ઝાડ નીચે-મુકામ કર્યો છે.

રામચંદ્રજી મંત્રીને કહે છે-કે હવે આપ અયોધ્યા પધારો.વિપત્તિના સમયે મહાપુરુષો ધૈર્ય છોડતા નથી.
મંત્રીજી,મારા પિતાને પ્રણામ કહેજો.
મંત્રી સુમંત કહે છે-કે-સીતાજીને મોકલો,સીતાજી આવશે તો દશરથજીને કંઈક અવલંબન મળશે.
સીતાજી કહે છે-કે-‘મારા પતિ જ્યાં હોય ત્યાં મારે રહેવાનું છે.’ સુમંત ત્યાંથી વિદાય થાય છે.

રાત્રિનો સમય થયો છે.રામ-સીતા દર્ભની પથારીમાં સૂતાં છે.લક્ષ્મણ ચોકી કરે છે.
લક્ષ્મણજીએ નિશ્ચય કર્યો છે-કે-ચૌદ વર્ષ મારે નિંદ્રા કરવી નથી.
દર્ભની પથારીમાં રામસીતાને જોઈને ગુહક ને દુઃખ થાય છે.ગુહક કૈકેયીનો તિરસ્કાર કરે છે.
તે વખતે લક્ષ્મણ ગુહક રાજા ને ઉપદેશ કરે છે-તેને “લક્ષ્મણ-ગીતા” કહે છે.

મનુષ્યને સુખ દુઃખ આપનાર તેનું કર્મ છે.કર્મના આધારે આ સૃષ્ટિ છે.
તેથી જ્ઞાની-મહાત્માઓ કોઈને દોષ આપતા નથી.રામ સ્વ-ઇચ્છાથી વનમાં આવ્યા છે.
સુખ-દુઃખનું કારણ અંદર શોધે તે સંત.જ્ઞાની પુરુષો સુખ-દુઃખ નું કારણ બહાર શોધતા નથી.
મનુષ્યને જગતમાં સુખ-દુઃખ આપનાર જગતમાં કોઈ જ નથી.સુખ-દુઃખ એ મનની કલ્પના છે.
સદા-સર્વદા મનને સમજાવો-કે તને જે સુખ-દુઃખ થાય છે-તે તારા કર્મનું ફળ છે.

રામજીને સુખ નથી કે દુઃખ પણ નથી. રામ તો પરમાનંદ-સ્વ-રૂપ છે.
રામજીનું તો જે સ્મરણ કરે તેને પણ દુઃખ થાય નહિ,ઉલટું સ્મરણથી સુખ થાય છે.
કૈકેયીના પ્રત્યે રામજીને ક્રોધ આવ્યો નથી,રામજીને કર્મનું બંધન નથી.તેઓ કર્મથી પર છે.
રામજી પોતાની ઈચ્છાથી પ્રગટ થયા છે.ત્યારે જીવને જે અવતાર મળે છે-તે તેના કર્મથી મળે છે.
પરમાત્મા જયારે લીલા કરવા આવે છે-ત્યારે કર્મની મર્યાદા માં રહે છે,જગતને તે આદર્શ બતાવે છે-
કે “હું ઈશ્વર છું છતાં કર્મની મર્યાદા પાળું છું”

રામકથા અનેક ગ્રંથોમાં વર્ણવવામાં આવી છે....

કૈકેયીએ રામને વનવાસ આપ્યો,કૌશલ્યાને અતિદુખ થયું ત્યારે રામજી –કૌશલ્યાને કહે છે-
“આ મારા કર્મનું ફળ છે,પૂર્વજન્મમાં મેં જે કૈકેયીને દુઃખ આપ્યું હતું,તેનું આ ફળ છે.
પરશુરામ અવતારમાં જે કર્યું હતું તે રામાવતારમાં ભોગવવાનો સમય આવ્યો છે.”
પૂર્વજન્મમાં કૈકેયી રેણુકા હતી,જમદગ્નિ ઋષિની પત્ની અને પરશુરામની મા.
એક વખત ચિત્રસેન ગંધર્વ-અનેક અપ્સરાઓ સાથે વિહાર કરતો હતો,રેણુકાએ આ દૃશ્ય જોયું.
તેના મનમાં થોડો વિકાર આવ્યો,કે- આ ગંધર્વ કન્યાઓના જેવું સુખ મને મળ્યું નહિ.

રેણુકાને ઘેર આવતા વિલંબ થયો એટલે જમદગ્નિ જાણી ગયા કે –રેણુકાએ મનથી વ્યભિચાર કર્યો છે-
તેથી તેમણે પોતાના દીકરા –પરશુરામને કહ્યું- કે તારી મા પાપી છે-તેને મારી નાખ.
અને પરશુરામે તરત પિતાની આજ્ઞાનો અમલ કર્યો –અને રેણુકાનું માથું કાપી નાખ્યું.

રામજી કૌશલ્યાને સમજાવે છે કે-
પૂર્વ જન્મમાં મેં માને દુઃખ આપ્યું,તેથી આ જન્મમાં કૈકેયી માએ મને દુઃખ આપ્યું”
મહાત્માઓ કહે છે-કે-રામાવતારમાં વાલીને માર્યો-તે જ-વાલી કૃષ્ણાવતારમાં પારધી થઇ આવ્યો,અને
ભગવાનને બાણ મારેલું. કરેલા કર્મનું ફળ ભોગવવું જ પડે છે.
આખી રાત લક્ષ્મણજી અને ગુહક સાથે વાતો થઇ છે.

સવારે બ્રાહ્મમુહૂર્તમાં રામજી સ્નાન કરી શિવ પૂજન કરે છે.
રઘુનાથજી આદર્શ બતાવે છે-કે-હું ઈશ્વર છું છતાં શિવપૂજન કરું છું.
ગુહકને ઘેર જવા કહ્યું-પણ ગુહક ના પાડે છે.રામજી કહે –સારું હું ચિત્રકૂટમાં નિવાસ કરું પછી જજો.
રઘુનાથજી એ વડના દૂધ થી વાળની જટા બનાવી છે. હવે તપસ્વી રૂપ થયા છે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE