Apr 8, 2020

ભાગવત રહસ્ય -૨૩૯

રામ,સીતા અને લક્ષ્મણ ગંગા-કિનારે આવ્યા છે. ગંગાજીને સામે કિનારે જવાનું હતું.
ગંગાજીમાં હોડીમાં કેવટ ઉભો હતો.લક્ષ્મણજી તેને દુરથી જ પૂછે કે-“અમને સામે પાર લઇ જઈશ ?” કેવટ મર્મ માં હસે છે-અને નાવડી માંથી જ જવાબ આપે છે-“હું તમારો મર્મ જાણું છું” લક્ષ્મણ પૂછે છે-ભાઈ તું શું મર્મ જાણે છે ? 

કેવટ કહે છે-રામજી ના ચરણરજમાં એવી શક્તિ છે-કે-“પથ્થર”-ઋષિ-પત્ની (સ્ત્રી) બની જાય છે-ત્યારે મારી નાવ તો “લાકડાની” છે. રામજીની ચરણરજથી મારી નાવ જો ઋષિ-પત્ની (સ્ત્રી) બની જાય-તો પછી મારી રોજી-રોટીનું શું થાય ? પછી મારા કુટુંબ નું ભરણ પોષણ કેવી રીતે કરી શકું ?
તમને નાવડીમાં બેસવાની જરૂર હોય તો –(નાવડીમાં બેસવું હોય તો) –રામચંદ્રજી પોતે મને –ચરણ પખાળવાની- આજ્ઞા કરે કે -હું પોતે તેમનાં બંને ચરણ ધોઈ –તેમના પગની બધી ચરણરજ જતી રહી છે-એ નક્કી કરી અને તમને નાવમાં બેસવા દઈશ.

કેવટના પ્રેમભર્યા વચનો સાંભળી –રઘુનાથજી પ્રસન્ન થયા છે. કેવટને બોલાવ્યો છે.
રામજી મનોમન વિચારે છે-બે ચરણોના માલિક (સીતા અને લક્ષ્મણ)-બે ચરણોની સેવા કરનાર અહીં ઉભા છે-પણ આ તો ત્રીજો જાગ્યો-અને વળી પાછો વધુમાં તો-તે બંને ચરણની સેવા કરવા માગે છે.
કેવટનો ભાવ જોઈ સીતાજીએ કહ્યું-કે-એની ઈચ્છા છે-એનો પ્રેમ છે-એને શંકા છે- તો સેવા કરવા દો.
માલિકની ચરણ સેવા -માલિક જેના પર કૃપા કરે તેને જ કરવા દે છે.રામજી એ મંજૂરી આપી છે.

કેવટ લાકડાની કથરોટ લઇ આવ્યો છે.ચૌદ વર્ષમાં રામજી એ ધાતુના પાત્ર ને સ્પર્શ કર્યો નથી-કે-
ચૌદ વર્ષ અનાજ ખાધું નથી. પૂરેપુરો તપસ્વી-સાધુનો ધર્મ –સન્યાસીનો ધર્મ પાળ્યો છે.
કેવટ માલિકના પગ લાકડાની કથરોટમાં મૂકી -ગંગાજળથી ધીરે ધીરે ચરણ પખાળે છે.
કેવટ આજે મહા ભાગ્યશાળી છે-કે-તેને આજે પરમાત્માના ચરણોની સેવા કરવાનો મોકો મળ્યો છે.
કેવટ તન્મય થયો છે-“આજે મારી જન્મો જન્મની ઈચ્છા પુરી થઇ.”

આ કેવટ પૂર્વજન્મમાં ક્ષીર-સમુદ્રમાં કાચબો હતો.તેને નારાયણની ચરણ સેવા કરવી હતી,પણ લક્ષ્મીજી 
અને શેષજી ના પાડે છે.પોતાની ઈચ્છા પોતાના મન માં જ રહી ગયેલી.
આજે લક્ષ્મીજી સીતા થયા છે અને શેષજી લક્ષ્મણ.આજે પણ બંને પગની સેવા તેમને માથે જ છે.
સામાન્ય સંજોગોમાં તો કેવટને ચરણસેવા કોઈ પણ સંજોગોમાં મળી શકે તેમ નહોતી.
પણ આજે એવા સંજોગ ઉભા થયા છે-એવો ઘાટ થયો છે-કે-કેવટને માલિક સામે ચડીને ચરણ સેવા 
કરવા દે છે. કેવટ મનમાં મલકાય છે-તે વખતે તમે બંને મને ચરણ સેવા કરવા દેતા નહોતા-
આજે તમે બંને ઉભાં છો અને હું ચરણ સેવા કરું છું. કેવટનું હૃદય ભરાણું છે.આંખમાં અશ્રુ આવ્યા છે.

ગંગાજીને સામે-કિનારે રામજીને ઉતારી –કેવટે રામજીને સાષ્ટાંગ પ્રણામ કર્યા છે.
સામાન્ય રીતે હોડીના નાવિકને ઉતરાઈ (ભાડું) આપવી પડે છે. રામજી જોડે આજે કશું નથી કે –જે-
કેવટને ઉતરાઈ તરીકે આપી શકે.કેવટને ખાલી હાથે વિદાય કરતાં રામજીને ખુબ સંકોચ થયો છે.


આખી દુનિયાના માલિક પાસે –આજે હાથમાં કશું ય નથી કે જે કેવટને આપી શકે.
કેવટની સામે તે જોઈ શક્યા નથી, માલિક ની નજર આજે ધરતી ઉપર છે !!!!!!
“મારી બહુ સેવા કરી-મારી બહુ ઈચ્છા છે-કે કેવટને કંઈક આપું,પણ પાસે કંઈ નથી”
માલિકને સંકોચ થયો છે. કેવટની સામે નજર મિલાવી શકતા નથી.!!!!

સીતાજી સમજી ગયાં,માતાજીએ હાથમાંથી અંગુઠી ઉતારી રામજી ને આપી છે. રામજી કેવટને અંગુઠી 
આપવા જાય છે-“કેવટ,આ અંગુઠી તું લે”
કેવટે અંગુઠી લેવાનો ઇનકાર કરતાં જવાબ આપ્યો છે-કે-મારા પિતાજીએ મને કહ્યું છે-કે-કોઈ ગરીબ,બ્રાહ્મણ,સાધુ તપસ્વી આવે તો તેની ઉતરાઈ લેવી નહિ.આજે આપ રાજાધિરાજ થઈને આવ્યા નથી,પણ તપસ્વી થઈને આવ્યા છો,તમારી ઉતરાઈ લેવાય નહિ.

પ્રભુ કહે છે-કે-હું તને આ મજુરી આપતો નથી,પણ પ્રસાદ આપું છું,પ્રસાદ તરીકે લે.
કેવટ હાથ જોડીને કહે છે-કે-પ્રસાદ લેવાનો આજે દિવસ નથી,મારા માલિક આજે વનમાં જાય છે,કંદમૂળખાય છે,ઉઘાડા પગે ફરે છે. ચૌદ વર્ષનો વનવાસ પુરો થાય અને આપ સિંહાસન પર વિરાજો ત્યારે આ સેવકને જે પ્રસાદી આપવી હોય તે આપજો.
વળી આમ જોવા જાઓ તો જાત-ભાઈ ની(એક જાતિનાની) ઉતરાઈ ન લેવાય.ભલે તમે ક્ષત્રિય અને હું ભીલ –પણ આપણા બંનેનું કામ એક જ છે-ગંગાજીનો કેવટ હું અને સંસાર સાગરના કેવટ આપ!!! આપ કૃપા કરો તો જીવ સંસારસાગરની પાર ઉતરે છે, નાથ સમય આવે આ જીવને સંસાર સાગરની પાર ઉતારજો.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE