Apr 9, 2020

ભાગવત રહસ્ય -૨૪૦

કેવટ અભણ છે,પણ તે જે વાત કરે છે-તે એક ભણેલાને પણ પાછા પાડી દે તેવી છે.રામજીને એ જોતાની સાથે ઓળખી ગયો છે,રામજીને એણે ભરપૂર પ્રેમ કર્યો છે.કેવટ રામના રાજ્યાભિષેક વખતે તેના ઉપકારનો બદલો લેવા ગયો નથી.
પરંતુ રામજીએ યાદ રાખી ગુહકના મારફતે પ્રસાદ મોકલાવ્યો છે.અતિસંપત્તિમાં પણ રામજી –કેવટના પ્રેમને,કેવટના ઉપકારને ભૂલ્યા નથી.ગુહકને કહ્યું છે-કે-
“હું તમારે ગામ આવેલો ત્યારે કેવટ મને ગંગાપાર લઇ ગયો હતો,તેને આ વસ્ત્રો-આભૂષણો આપજો,તેણે મારી બહુ સેવા કરી છે.” 

વસ્ત્ર-આભુષણ આપી-યાદ રાખી- રામજીએ કેવટનું સન્માન કર્યું છે.
દુઃખમાં કોઈએ પ્યાલો ભરીને પાણી આપ્યું હોય તો પણ તેણે ભૂલવું ન જોઈએ. ભગવાન જયારે 
સુખનો દહાડો આપે ત્યારે તેને યાદ રાખવું –અને બને તો તેમનું સન્માન કરવું જોઈએ.
ગંગાજી પાર કરીને આગળ ચાલ્યા છે.આગળ રામ,વચ્ચે સીતા અને પાછળ લક્ષ્મણ.લક્ષ્મણજી 
સીતા-રામના ચરણોમાં દૃષ્ટિ રાખીને ચાલે છે.
રામ-લક્ષ્મણની વચ્ચે સીતાજી કેવાં શોભે છે ?જાણે કે બ્રહ્મ અને જીવની વચ્ચે માયા.

લક્ષ્મણજી રામ-સીતાના ચરણ (ચરણની પડેલી છાપ)ને બચાવી ને ચાલે છે.પગદંડી પર બહુ જગ્યા 
રહેતી નથી એટલે લક્ષ્મણ પગદંડીની બહાર કાંટા પર ચાલે છે.
રામજીથી આ જોવાતું નથી.એટલે ક્રમ ફેરવ્યો છે.પહેલાં લક્ષ્મણ પછી સીતા અને પાછળ રામ.
રસ્તામાં મુકામ કર્યો છે.ગામના લોકો રામ-સીતાના દર્શન કરવા આવે છે.
ગામની સ્ત્રીઓ સીતાજી ને પૂછે છે-આ બે છે-એમાં “તમારા” કોણ છે ?
સીતાજીએ કહ્યું-કે ગોરા છે તે મારા દિયર છે,રામજીનો પરિચય આપ્યો નથી માત્ર આંખથી ઈશારો કરે છે.
શ્રુતિ પણ પરમાત્માનું વિધિથી નહિ પણ નિષેધપૂર્વક વર્ણન કરે છે-“ન ઇતિ ન ઇતિ” (નેતિ-નેતિ)

ભગવાન ધીરે ધીરે પ્રયાણ કરે છે.પ્રયાગરાજમાં પધાર્યા છે.ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું.
પ્રયાગ રાજના મહાન સંત ભરદ્વાજમુનિનો ત્યાં આશ્રમ છે.પ્રભુ આશ્રમમાં પધાર્યા છે.
ભરદ્વાજ મુનિને અતિ આનંદ થયો છે-કહે છે-કે-આજ સુધી જે સાધન કર્યું તેનું ફળ આજે મળી ગયું.
આપનાં દર્શનથી મારી તપશ્ચર્યા સફળ થઇ છે.”
સર્વ સાધન નું ફળ છે ભગવાન ના દર્શન.ભગવદ-દર્શન વગર શાંતિ મળતી નથી કે જીવન સફળ થતું નથી.

એક રાત્રિ પ્રભુએ ત્યાં મુકામ કર્યો –બીજે દિવસે સવારે રામચંદ્રજીએ ભરદ્વાજમુનિને કહ્યું-તમારા શિષ્યોઅમને વાલ્મીકિઋષિનો આશ્રમ નો રસ્તો બતાવવા સાથે આવે તેવો પ્રબંધ થઇ શકે તો કરો.
ચાર ઋષિકુમારો સાથે આવે છે અને રામજી વાલ્મીકિ ઋષિના આશ્રમમાં પધાર્યા છે.

વાલ્મીકિએ રામકથા સમાધિ-ભાષામાં લખેલી છે.રામજીના પ્રાગટ્ય (જન્મ) પહેલાં રામાયણ લખ્યું છે.
વાલ્મીકિ આદિ કવિ છે.કહે છે-કે વાલ્મીકિના મુખમાંથી પહેલો શ્લોક નીકળેલો.
વાલ્મીકિને અતિશય આનંદ થયો છે,કહે છે-કે-તમારા નામનો આશ્રય કર્યો,તેથી આપે કૃપા કરી.અને 
આજે મારે ત્યાં પધાર્યા છો.રામજી કહે છે-કે-આપ તો ત્રિકાળદર્શી છો.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE