Mar 27, 2020

ભાગવત રહસ્ય -૨૨૭

અગ્નયે સ્વાહા,પ્રજાપતયે સ્વાહા-વિશ્વામિત્ર અગ્નિમાં આહુતિ આપે છે,
પણ નિહાળે છે-રામ-લક્ષ્મણ ને.બ્રાહ્મણ યજ્ઞ કરે ત્યારે તેની નજર અગ્નિ પર હોવી જોઈએ.બ્રાહ્મણ પરમાત્માના મુખ માં આહુતિ આપે છે.
શ્રુતિ વર્ણન કરે છે-કે-અગ્નિ એ પરમાત્માનું મુખ છે.અગ્નિરૂપી મુખથી પરમાત્મા આરોગે છે.અગ્નિની જ્વાળા એ પરમાત્માની જીભ છે.પણ અહીં વિશ્વામિત્ર આહુતિ યજ્ઞકુંડમાં અગ્નિને આપે છે-પણ નજર રામ પર સ્થિર કરી છે.

આ આપણને બોધ આપે છે-કે-કોઈ પણ સત્કર્મ કરો-ત્યારે પરમાત્માનાં દર્શન કરતાં કરતાં કરો.
નહિ તો સત્કર્મમાં ભગવાન ભુલાય છે-અને સત્કર્મ સફળ થતું નથી.
ઘણા ભિખારીને ખવડાવે-છે ત્યારે વિચારે છે-કે “આને બિચારાને કોણ ખવડાવે ?એને ”હું” ખવડાવું છું”
સત્કર્મ માં “હું” આવે તો તે સત્કર્મ નથી.આપણે શું ખવડાવી શકવાના હતા ?
આપણને અને તેને તથા સર્વને ખવડાવનાર કોઈ જુદો જ છે...........
મનનો મેલ દૂર કરવા –મનને શુદ્ધ કરવા -માટે સત્કર્મ (યજ્ઞ-સ્વાધ્યાય-તપ-ધ્યાન વગેરે) છે.
સર્વ સત્કર્મનુ ફળ છે-પરમાત્માનાં દર્શન.

વિશ્વામિત્ર વિચારે છે-કે-યજ્ઞનું ફળ તો મારા દ્વારે છે,પરમાત્મા દ્વારે ઉભા છે,અને હું અહીં ધુમાડો ખાઉં છું.
વિશ્વામિત્રે યજ્ઞનો પ્રારંભ કર્યો છે.મારીચ,સુબાહુ –વગેરે રાક્ષસો ને ખબર પડી,એટલે તે વિઘ્ન કરવા
આવ્યા છે. રામજીના દર્શન માત્રથી તે મારીચનો સ્વભાવ બદલાય છે-મારીચ વિચારે છે-કે-
સમાજ સુખી થાય તે માટે ઋષિઓ યજ્ઞ કરે છે- હું અહીં વિઘ્ન કરું તે યોગ્ય નથી.
મારીચ ને આશ્ચર્ય થાય છે-કે આજે મારા મનમાં દયા કેમ આવે છે ?આ બાળકો ને જોઈને મારી બુદ્ધિ બદલાય છે.આજે મારું મન હાથમાં રહેતું નથી,બાળકોને મારવાની નહિ પણ મળવાની ઈચ્છા થાય છે.

મારીચ રાક્ષસ હતો પણ રામના દર્શન કરવાથી તેની બુદ્ધિ સુધરે છે,પણ આજકાલ લોકો રામના દર્શન કરે છે-પણ તેઓની બુદ્ધિ સુધરતી નથી. રામનાં દર્શન કર્યા પછી –જો બુદ્ધિ ન સુધરે,સ્વભાવ ન સુધરે તો –
માનવું કે તે રાક્ષસ કરતાં પણ અધમ છે.લોકો રામાયણ વાંચે,રોજ મંદિરમાં દેવ-દર્શને જાય તેમ છતાં જો –જીવનમાં સદાચાર,સંયમ,સરળતા ન આવે તો-તે રાક્ષસ કરતાં પણ અધમ છે.
રામજીને જોવાથી તો શું,રામજીનુ ચિંતન કરવાથી પણ બુદ્ધિ સુધરે છે.

એકનાથ મહારાજે ભાવ-રામાયણમાં લખ્યું છે-કે-રામ-રાવણનુ યુદ્ધ થતું હતું-ત્યારે કુંભકર્ણ સૂતેલો હતો.મદદ માટે જયારે રાવણે તેને જગાડ્યો,ત્યારે તેણે પૂછ્યું કે-મને કેમ જગાડ્યો ?
રાવણ : સીતા માટે યુદ્ધ થાય છે-એટલે તારી મદદ માટે તને જગાડ્યો છે.
કુંભકર્ણ : તું સીતાજીને કેમ લઇ આવ્યો?....રાવણ : તે બહુ સુંદર છે-તેથી લઇ આવ્યો છું.
કુંભકર્ણ : તારી ઈચ્છા પૂરી થઇ ? રાવણ : તે પતિવ્રતા છે,મારી સામે નજર ઉંચી કરીને જોતી પણ નથી.
કુંભકર્ણ : તું માયાવી રામનું રૂપ-ધરી તેમની પાસે જા,તે છેતરાઈ જશે,અને તને વશ થશે.

રાવણ : મેં તે પ્રયત્ન કર્યો હતો,પણ રામમાં કાંઇ જાદુ હોય તેમ લાગે છે,હું રામનું સ્વ-રૂપ ધરવા –જ્યાં તેમના સ્વરૂપનુ ચિંતન કરું છું-ત્યારે મારું મન બદલાઈ જાય છે.મારાં મન બુદ્ધિ શુદ્ધ થાય છે.સીતા મને માતા રૂપે દેખાય છે.(રાક્ષસોએ જે માયાવી સ્વરૂપ ધારણ કરવું હોય-તે સ્વરૂપનુ ચિંતન સહુ પ્રથમ કરવું પડે છે.
અને ત્યારે જ તે – જે-તે સ્વરૂપ ધારણ કરી શકે છે.)
રામજીના સ્મરણ-ચિંતન માત્રથી રાવણ નિષ્કામ થતો હતો –
તો પછી અહીં મારીચને તો રામજીનાં પ્રત્યક્ષ દર્શન થયા હતાં.તેથી તેનો સ્વભાવ સુધરે તેમાં શું આશ્ચર્ય ?
કુંભકર્ણ કહે છે-જેનું માત્ર ચિંતન કરવાથી કામનો નાશ થાય તે ઈશ્વર. રામ રાજા નથી પણ ઈશ્વર છે.
ઈશ્વર સાથે વેર કરનાર તું મૂર્ખ છે-હું તને મદદ નહિ કરું,વિભીષણની જેમ હું પણ રામનો આશ્રય લઈશ.

ત્યારે રાવણે કહ્યું-કે-રામ સાથે મારી “વિરોધ-ભક્તિ” છે.મેં વિચાર કર્યો કે-એકલો હું રામની ભક્તિ કરું તો મારા એકલાનું જ કલ્યાણ થશે,આ રાક્ષસો તામસી છે,તે કોઈ દિવસ રામજીનુ નામ લેવાના નથી,રામજી સાથે યુદ્ધ થશે –તો તેઓને પણ રામજીના દર્શન થશે-અને સર્વ નો ઉદ્ધાર થશે, તેમને સદગતિ મળશે. આપણા વંશનુ કલ્યાણ કરવા-મેં રામ સાથે વેર કર્યું છે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE