Apr 14, 2020

ભાગવત રહસ્ય -૨૪૫

પ્રાતઃકાળમાં આંગણામાં ભીડ થઇ છે.બધાને આશા છે કે રામ-સીતા અયોધ્યામાં પાછા આવશે.ભરતજીએ હુકમ કર્યો કે જેને આવવાની ઈચ્છા હોય તે ભલે આવે,
બધાના ઘરનું રક્ષણ રાજ્ય કરશે.વશિષ્ઠ ઋષિ પણ પત્ની અરુંધતી સાથે આવ્યા છે અને રથમાં વિરાજ્યા છે.આજે કૈકેયીનો કળિ ઉતરી ગયો છે અને તે પણ રામના દર્શન કરવા તૈયાર થયાં છે.ભરતજી માટે સુવર્ણનો રથ તૈયાર કર્યો છે,પણ તે રથમાં બેસવાની ના પડે છે. લોકો કહે છે કે –તમે રથમાં નહિ બેસો તો અમે પણ ચાલીશું. 

ત્યારે કૌશલ્યા મા ભરત પાસે આવીને કહે છે-કે-“બેટા તું રથમાં નહિ બેસે તો અયોધ્યાની પ્રજા પણ રથમાં નહિ બેસે,રામવિયોગમાં કેટલાંક તો અન્ન લેતા નથી,માત્ર ફળાહાર કરે છે, રામવિયોગમાં સર્વ દુઃખી છે,સર્વને કષ્ટ થશે.”કૌશલ્યાની આજ્ઞાથી ભરત રથમાં બેઠા છે. ભરતે પણ આભૂષણો ઉતારી વલ્કલ વસ્ત્રો પહેર્યા છે.
પહેલે દિવસે ભરતજી શ્રુંગવેરપુર પાસે આવ્યા છે.

રાજા ગુહક બેઠા હતા. સેવકોએ કહ્યું કે –રાજા ભરત આવે છે,સાથે મોટી સેના હોય તેવું લાગે છે.
ગુહકે વિચાર્યું-કે ભરત, રામ-લક્ષ્મણ સાથે યુદ્ધ કરવા જાય છે,નહિતર સેનાની શું જરૂર ?
તે કૈકેયીનો પુત્ર છે,તે શું ન કરે ? પોતાનું રાજ્ય નિષ્કંટક કરવા માટે તે યુદ્ધની ઈચ્છાથી જાય છે.
ગુહકના મનમાં આવો કુભાવ આવ્યો,ભીલોને તૈયાર થવાની આજ્ઞા આપી છે,કહ્યું કે-

“સામે પાર થી કોઈ આ પાર ના આવે,અમે જીવીએ છીએ ત્યાં સુધી ભરતને અમે ગંગા પાર નહિ ઉતારવા દઈએ” ત્યાં ગુહકનો વૃદ્ધ મંત્રી આવ્યો અને કહ્યું કે-ભરતજી સાથે યુદ્ધ નહિ પણ મૈત્રી થાય તેવું મને લાગે છે, તમે યુદ્ધ ન કરો પણ તેની પરીક્ષા કરો-કે –તે પ્રેમથી રામજીને મળવા જાય છે-કે યુદ્ધ કરવા જાય છે.
ગુહક રાજાએ હવે વિચાર કર્યો કે –મંત્રીની વાત સાચી હોય તેવું લાગે છે,એકદમ અવિવેક કરી યુદ્ધ કરવું બરાબર નથી. ભરતના “ભાવ” ની પરીક્ષા કરવા ત્રણ પ્રકારની સામગ્રી તેણે સાથે લીધી.
કંદમૂળ-સાત્વિક,મેવા-મીઠાઈઓ-રાજસિક, અને માંસ-મદિરા-તામસિક.

ગુહકે વિચાર્યું-કે જેના પર ભરતની પહેલી નજર પડશે તેના પરથી તેના પરથી તેનો “ભાવ” કેવો છે તે ખબર પડી જશે.મંત્રી સાથે ગુહક સામગ્રી લઇ ને આવ્યો છે.વશિષ્ઠને ગુહકે સાષ્ટાંગ પ્રણામ કર્યા છે.
વશિષ્ઠે પાછળ ભરતની સામે જોઈ કહ્યું –કે-ભરત,-રામજીનો ખાસ સેવક તમને મળવા આવ્યો છે.
મેં સાંભળ્યું છે કે મારા રામજીની તેણે બહુ સેવા કરી છે.
“રામજીનો સેવક” એ શબ્દ કાને પડતાં જ ભરતજી રથમાંથી કુદી પડ્યા છે,ગુહકને ભેટી પડ્યા છે.

ગુહકની સાથે સામગ્રી છે-પણ કોઈની સામે ભરતે નજર કરી જ નહિ.ભરતજીની નજર માત્ર રામમાં જ છે,
ભરતજી નિર્ગુણ સ્થિતિમાં છે.રામજીના સ્મરણમાં તે તન્મય છે.તેમના મુખમાંથી રામ-રામ શબ્દ નીકળતો હતો. ગુહકને ખાતરી થઇ કે –ભરતજી લડવા નહિ પણ રામજીને મનાવવા જાય છે.
ગુહકે સર્વ ભીલોને આજ્ઞા કરી કે-અયોધ્યાની પ્રજા નું સ્વાગત કરો. ભીલ લોકો ફળ-ફળાદિ લઇ આવ્યા.

બીજા દિવસે ભરતજી ગંગાના તીરે આવ્યા છે,ગંગાજીને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને કહ્યું-કે-
મા આજે માગવા આવ્યો છું,મારી ભાવના છે,મને વરદાન આપો,મને રામ-ચરણ પ્રેમનું દાન કરો.
મારો પ્રેમ દિવસે દિવસે વધે.
તે વખતે ગંગાજીમાંથી ધ્વનિ થયો-ચિંતા ન કરો,સર્વનું કલ્યાણ થશે. ગંગાજીએ આશીર્વાદ આપ્યા છે.

સીસમના જે ઝાડ નીચે રામજીએ મુકામ કરેલો -તે ગુહક બતાવે છે,ભરત રામ-પ્રેમમાં પાગલ છે,
તે વૃક્ષને ભેટી પડ્યા છે. “મારા રામ આ ઝાડની છાયામાં વિરાજતા હતા”
દર્ભની પથારી જોતાં ભરતનું હૃદય ભરાયું છે. “જેના પતિ શ્રીરામ છે,એ સીતાજી મારે લીધે દુઃખ સહન કરે છે, હે, રામ.એ બધાં દુઃખનું મૂળ હું છું”
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE