More Labels

Mar 25, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૭૪

અર્જુન કહે છે-કે-હે દેવ,પૂર્વે કદી પણ ના જોયેલા એવા આ આપના વિશ્વરૂપને જોઈને મને હર્ષ થયો છે,અને સાથે સાથે તે સ્વરૂપની વિકરાળતા જોઈ ને મારું મન ભયથી અતિ વ્યાકુળ પણ થયું છે.એટલા માટે હે દેવ, આપ પ્રસન્ન થાઓ અને મને આપનું પ્રથમનું ચતુર્ભુજ સ્વરૂપ પાછું દેખાડો.આપને મુકુટ-ધારક અને હાથમાં ગદા,ચક્ર –ધારણ કરેલા જોવા,એવી હવે મારી ઈચ્છા છે.(૪૫-૪૬)

ત્યારે શ્રીકૃષ્ણે કહ્યું-કે-હે અર્જુન,મારા આ દિવ્ય વિશ્વરૂપ ને આ તારા સિવાય,પૂર્વે (પહેલાં) કોઈએ જોયું નથી,
એવું મારું તેજોમય (દિવ્ય) –સર્વવ્યાપક—અપાર—સર્વના મૂળરૂપ—ઉત્કૃષ્ટ રૂપ –
મેં અતિ પ્રેમથી –પ્રસન્ન  થઇને મારાં યોગસામર્થ્યથી તને બતાડ્યું છે.(૪૭)

તારા સિવાય આ પૃથ્વી પર –બીજા કોઈને પણ –આ પ્રકારનું મારું વિશ્વરૂપ દેખાવું શક્ય નથી.
વેદના અધ્યયનથી, યજ્ઞોના આચરણથી,કર્મના આચરણથી,દાનથી કે ઉગ્ર તપશ્ચર્યા કરવાથી
પણ આ પ્રકારનું દર્શન અશક્ય છે. (૪૮)

મારા આ વિશ્વરૂપના દર્શનથી તુ ધન્ય થયો છે.મારા આ રૂપથી તુ ભય પામીશ નહિ,
કારણ કે આનાથી વધુ ઉત્તમ વસ્તુ કોઈ જ નથી.
જેમ,અમૃતથી ભરેલો દરિયો મળ્યા પછી, “તેમાં હું ડૂબી જઈશ” એમ કહીને તેનો ત્યાગ કરવો-તે
ડહાપણ ભર્યું નથી.તેમ,હવે ભય ને છોડી ને સંતુષ્ટ મન થી તુ મારું આ રૂપ ફરીથી વારંવાર જોઈ લે,
પછી તારી ઈચ્છા મુજબ હું મારું ચતુર્ભુજ સ્વરૂપ પાછું ધારણ કરું છું. (૪૯-૫૦)

જેમ,સોનાની લગડીનો મનગમતો દાગીનો બનાવવામાં આવે અને દાગીનો બનાવ્યા પછી,
મનને પસંદ ના પડે તો ફરીથી તેને સોનાની લગડી બનાવી દેવા માં આવે –
તેમ,અર્જુન પ્રત્યેના અતિશય પ્રેમ ને કારણે,શ્રીકૃષ્ણે વિશ્વરૂપ ધારણ કર્યું, પરંતુ તે અર્જુન ના મનને
રુચ્યું  (ગમ્યું) નહિ એટલે પાછા કૃષ્ણરૂપે (ચતુર્ભુજ સ્વરૂપે) –ઉપસ્થિત થયા.

અર્જુન નું મન હવે પૂર્વવત સ્વસ્થ થયું.
દેવોને પણ દુર્લભ,કોઈ પણ ઉપચાર  (દાન,તપ,યજ્ઞ,વેદાધ્યયન) વડે જોવા માટે અશક્ય એવા,
વિશ્વરૂપ ને માત્ર એક જ ઉપાય વડે જોવા નું શક્ય છે-
કે જો મનુષ્યનું હૃદય ભક્તિથી તરબોળ બની જાય –(૫૧-૫૪)

--જેને પરમાત્મા સિવાય આ જગતમાં કશું એ પ્રિય નથી,
--જે પોતાનાં બધાં કર્મો –માત્ર-પરમાત્માને પ્રાપ્તિના ઉદ્દેશથી જ કરે છે,
--જે એમ જ માને છે-કે-જગતમાં એક પરમ તત્વ-પરમ સત્ય પરમાત્મા સિવાય બીજું કશું નથી.
--જે માયા (ઉપાધિ) વગરનો (અનાસક્ત) થઇ –સર્વ જીવો પ્રત્યે વેરભાવ છોડી-
  સર્વ ને સમભાવથી જુએ છે.તેવો ભક્ત –પરમાત્માને જ પામે છે. (૫૫)

શ્રીકૃષ્ણે અત્યાર સુધીમાં પરમાત્માને પામવાના બે રસ્તાનું વર્ણન કર્યું –
અને તે બે માર્ગ (રસ્તા) છે- જ્ઞાનમાર્ગ અને કર્મમાર્ગ.
આ રસ્તાઓ બતાવ્યા છતાં પણ “શ્રીકૃષ્ણ એ ભગવાન  (પરમાત્મા) નથી”
એવા શંશય રાખનાર અર્જુન ને તે પોતાનું વિશ્વરૂપ (વિરાટ) સ્વરૂપ બતાવી –
પોતે જ (સર્વ) વ્યાપક પરમાત્મા છે-તેવી-ખાતરી કરાવે છે.

જે (વ્યાપક) સ્વરૂપને જીરવવું-માણવું-સમજવું-ઓળખવું -એ કઠિન વસ્તુ છે.

એટલે હવે શ્રીકૃષ્ણ જ્ઞાનમાર્ગ-કર્મમાર્ગ-ના રસ્તા (માર્ગ) બતાવ્યા બાદ-
એક ત્રીજો રસ્તો (માર્ગ) બતાવે છે-
જેનું નામ છે –ભક્તિ માર્ગ –કે ભક્તિ યોગ.(જેમાં પરમાત્મા નું એક-દેશીય,સાકાર રૂપ છે)

ગીતામાં આ ત્રણ માર્ગનું જ મુખ્યત્વે વર્ણન કરવામાં આવ્યું છે.
મહાત્માઓ કહે છે-કે-સામાન્ય માનવી માટે જ્ઞાનમાર્ગ કે કર્મમાર્ગ –કરતાં ભક્તિમાર્ગ સુલભ છે.
(ત્રણેનો સમન્વય થાય તો તે અતિ ઉત્તમ છે.)

ગમે તે હોય-પણ શરૂઆત ક્યાંક થી પણ કરવાની છે,
મનને અનુકૂળ -કોઈ પણ એક સાધન (જ્ઞાન-કર્મ-ભક્તિમાંથી) થી શરૂઆત થાય તો-
ધીરે ધીરે –આપોઆપ-આગળનું બધું સુઝે છે-અનુભવાય છે-
અને સાધ્ય (પરમાત્મા) સુધી પહોંચાય છે.

અધ્યાય-૧૧- વિશ્વરૂપદર્શન યોગ-સમાપ્ત

ટૂંકસાર રૂપે -અધ્યાય-૧૧- વિશ્વરૂપદર્શન યોગ વાંચવા અહીં ક્લિક કરો.

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  
            PREVIOUS PAGE
         NEXT PAGE 
          INDEX PAGE