Apr 19, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૯૩

આમ આત્મા જયારે દેહને ત્યાગી જાય છે-ત્યારે તે પોતાની સાથે–પાંચ જ્ઞાનેન્દ્રિયો અને છઠ્ઠા મન ને,(ફૂલની સુગંધની જેમ) લઇ જાય છે.અને પછી –તે જીવની ગતિ પ્રમાણે-મનુષ્યલોક કે સ્વર્ગલોકમાં-જે જે સ્થળે –જીવ (આત્મા) દેહ ધારણ કરે છે-તે તે સ્થળે તે મન –વગેરે છ ઇન્દ્રિયોનો ફરીથી વિસ્તાર કરે છે.(જેમ)
દીવો ઓલવાઈ જતાં-જે પ્રમાણે –પોતાના તેજ સહિત –તે દીવાનો લોપ (નાશ) થાય છે-
પરંતુ તેને પાછો સળગાવતાં-તે પોતાના સહિત પ્રકાશવા માંડે છે.

માત્ર-અજ્ઞાનીઓને જ એમ લાગે છે-કે-આત્મા જ દેહમાં આવે છે,તે જ વિષયોનો ઉપભોગ લે છે,
અને તે જ દેહ છોડી જાય છે, તે ખરેખર સાચું નથી.
જન્મવું ,મરવું ,કર્મો કરવા (ક્રિયા કરવી) અને વિષયોને ભોગવવા –એ તો પ્રકૃતિના (માયાના) ધર્મો છે.

આ શરીરમાં તો આત્મા આત્મ સ્વ-રૂપમાં જ સ્થિત હોય છે.
કર્તૃત્વ-અને ભોક્તૃત્વ (કર્મો કરવા અને વિષયો ભોગવવા) એ ધર્મો દેહના છે.(જે પ્રકૃતિથી બનેલો છે)
આત્મા તો કેવળ સાક્ષીભૂત છે.

આત્મા તો નથી વૃદ્ધિ પામતો કે નથી ક્ષીણ થતો,અને તે ચેષ્ટાઓ કરતો નથી કે કરાવતો નથી.
અને -આમ જે સમજે છે-તેને જ સાચું આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે.

બાકી મનુષ્ય બીજું ગમે તેટલું જ્ઞાન પ્રાપ્ત કરે કે ભલે- તેની બુદ્ધિથી,પરમાણુની પણ જડતી લઇ નાખે-
કે પછી- સકળ શાસ્ત્ર માં તે ભલે નિપુણ હોય-પણ તેનામાં જો,આત્મ-જ્ઞાન(વૈરાગ્ય)નો અંશ ના હોય તો-
પરમાત્મા સાથેનું તેનું તાદામ્ય કે પરમાત્મા સાથે તેનો મેળાપ શક્ય નથી.  (૯-૧૦-૧૧)

શ્રીકૃષ્ણ કહે છે-કે-
જે સૂર્યના તેજથી સર્વ વિશ્વરચના દેખાય છે-તે તેજ સહિત –સૂર્ય –મારો (પરમાત્માનો) બનાવેલો છે.
અગ્નિ અને ચંદ્રમાં રહેલું  તેજ પણ મારું (પરમાત્માનું) છે.(૧૨)

હું (ઈશ્વર) પૃથ્વીમાં પ્રવેશીને તેને આધારભૂત થયેલો છું,અને તેથી જ તે પૃથ્વી કે જે –
અનેક રજકણોનો બનેલો પિંડ છે-તે સમુદ્રના અપાર પાણીમાં પીગળી જતી નથી અને પોતાના ઉપર
અસંખ્ય જીવોને ધારણ કરે છે.તે જીવોમાં પણ હું જ  (ઈશ્વર જ) છું.
પૃથ્વી ઉપર થતી અસખ્ય વનસ્પતિનું વરસાદથી પોષણ હું (ઈશ્વર) કરું છું,અને તે સર્વ ધાન્યોથી
પ્રાણીમાત્રનું પોષણ અને રક્ષણ પણ હું (ઈશ્વર) જ કરું છું.(૧૩)

હું (ઈશ્વર) વૈશ્વાનર (જઠરાગ્નિ) થઈને પ્રાણીઓના શરીરમાં રહું છું,ને પ્રાણ તેમજ અપાન યુક્ત બનીને-
ચાર પ્રકારનું અન્ન (ભક્ષ્ય,ભોજ્ય,લેહ્ય,ચોષ્ય) પચાવું છું.(૧૪)

અહીં જે જ્ઞાનેશ્વર કહે છે-કે-તે ખરેખર રસમય છે. ઊંડું વિચારનાર ને ઘણું બધું સમજાઈ શકે તેમ છે.

પ્રાણીમાત્રના શરીરમાં “નાભિકંદ” પર સગડી સળગાવીને-જઠરમાં ઈશ્વર પ્રદીપ્ત થયેલો છે.(વૈશ્વાનર)
પ્રાણ તથા અપાન-એ વાયુની બેવડી ધમણ દ્વારા –રાત-દિવસ તે જઠરાગ્નિને સળગાવી રાખી-
જઠરમાંના સઘળાં અન્ન (ચાર પ્રકારનાં અન્ન-કોરું,ચીકણું,સીઝેલું,કાચું) પચાવે છે.ને
પ્રાણીમાત્રનું પોષણ કરી તેમને ટકાવી રાખે છે.

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  
            PREVIOUS PAGE
         NEXT PAGE 
          INDEX PAGE