Jun 18, 2020

ભાગવત રહસ્ય -૩૦૮

સનાતન ગોસ્વામી ટાટની લંગોટી પહેરીને ફરતા.અગાઉ તે રાજાના દીવાન હતા,પણ કૃષ્ણપ્રેમમાં એવા પાગલ થયા-કે દુનિયાની દોલત તેમને તુચ્છ લાગે છે.
સનાતન ગોસ્વામીના જીવનમાં એક પ્રસંગ આવે છે.એક બ્રાહ્મણ બહુ ગરીબ હતો,
દરિદ્રતાનું દુઃખ દૂર કરવા તે પ્રભુને પ્રાર્થના કરે છે.તેને સ્વપ્ન માં આદેશ થયો કે-તું સનાતન ગોસ્વામી પાસે જા,તેઓ તને રત્ન આપશે.બ્રાહ્મણ સનાતન ગોસ્વામી પાસે આવ્યો અને રત્નની વાત કહી.ત્યારે સનાતન સ્વામીએ કહ્યું-કે-જા પેલી નદીની જગ્યાએ આ સ્થળે રત્ન દાટેલું છે,ત્યાંથી કાઢી લે.

બ્રાહ્મણ ગયો અને નદીની રેતમાંથી રત્ન કાઢી લઇ ને ચાલવા લાગ્યો.રસ્તામાં તેને વિચાર આવ્યો કે-
આ મહાત્મા પાસે રત્ન કરતાં પણ એવી શું કિંમતી વસ્તુ હશે ?કે જે રત્ન ને માટી જેવું ગણે છે!! તે પાછો આવ્યો ને સનાતન ગોસ્વામીને પૂછ્યું-કે –તમારી પાસે એવી શું વસ્તુ છે-કે રત્નને તમે તુચ્છ ગણો છો ?
ત્યારે સ્વામીએ જવાબ આપ્યો કે-તારે એ જાણવું છે?તો ફેંક તે રત્ન જમુનાજીમાં.
તે રત્ન ને ફેંકી દઈશ તો જ તને રહસ્ય સમજાશે.
“પ્રભુના નામ-રૂપી રત્ન જેને મળે છે-તેણે બીજાં રત્નો ગમતાં નથી.” “પાયોજી મૈને રામ રતન ધન પાયો”

જીવ ગોસ્વામી બંગાળના મોટા જમીનદાર હતા,ઘરમાં ખૂબ સંપત્તિ હતી.
એક દિવસ એક પવિત્ર બ્રાહ્મણના મુખેથી દશમ સ્કંધની કથા સાંભળી,અને કૃષ્ણ-પ્રેમમાં પાગલ થયા.
સઘળી સંપત્તિ લુટાવી દીધી,સર્વસ્વનું દાન કરી દીધું,અને તાડપત્રીની લંગોટી બાંધી,રાધે-નિકુંજમાં
રાધે-કૃષ્ણ,રાધે –કૃષ્ણ કરતા ફરતા હતા.

પૂતના એ વાસના છે,અને વાસના આંખમાંથી અંદર આવે છે.સંસારના સુંદર વિષયો જોઈ આંખ તેની પાછળ દોડે છે.જાણે છે-કે આ મારું નથી,મને મળવાનું નથી,છતાં પાપ કરે છે. 
વાસના અંદર ના આવે તેવી ઈચ્છા હોય તો આંખ બંધ કરી ઉપાસના કરવી જોઈએ.
વાસનાનો નાશ ઉપાસનાથી થાય છે.
જગતને બોધ આપવા લાલજીએ આંખો બંધ કરી છે.પ્રભુ આપણને બોધ આપે છે-કે-
“આંખો ને બંધ કરી તેને સાચવો,આંખો સાચવશો તો મન પવિત્ર રહેશે.”

સ્તનપાન કરતાં કરતાં કનૈયો પૂતનાના પ્રાણ ચૂસવા લાગ્યો, તે વખતે પૂતના અતિ વ્યાકુળ થઇ.
તેણે રાક્ષસી રૂપ ધારણ કર્યું,અને આકાશમાર્ગે કૃષ્ણને લઈ જવા લાગી.વ્રજવાસીઓ તેની પાછળ દોડે છે.
થોડીવારમાં તો ભગવાને પૂતનાને જમીન પર પછાડી.મોટો ધડાકો થયો છે.
રાક્ષસીના વક્ષસ્થળ પર શ્રીકૃષ્ણ વિરાજ્યા છે.પુરુષોને પૂતનાની બીક લાગે છે પણ ગોપીઓએ દોડતા આવી ને લાલાજીને ઉઠાવી લીધા છે,અને યશોદાને ઠપકો આપે છે.

“મા અમે અનેક બાધાઓ રાખી ત્યારે તમારે ત્યાં દીકરો થયો અને તમને તેની કદર નથી. આવા રત્ન જેવા દીકરાની તમે સંભાળ રાખતાં નથી.” યશોદાજીએ ઠપકો માથે ચડાવ્યો છે.“મારું આ પહેલું બાળક છે,તેનું લાલનપાલન કેવી રીતે કરવું તેની મને બહુ ખબર નથી,હવે તમે જેમ બતાવશો તેમ કરીશ.”

ગોપીઓ કહે છે-કે નાનકડો લાલો તો આ રાક્ષસીને ક્યાંથી મારી શકે ?રાક્ષસી તેના પાપથી મરી.
અને અમારો કનૈયો નારાયણની કૃપાથી બચી ગયો.
મા,લાલાને રાક્ષસીનો સ્પર્શ થયો છે,તેથી તેની નજર ઉતારવી જોઈએ.
યશોદાજી કહે છે-કે-મને નજર ઉતારવાનું બરોબર આવડતું નથી.એક ગોપી કહે છે-કે હું નજર ઉતારીશ. અને ગોપીઓ લાલાની નજર ઉતારવા-લાલાને ગૌશાળા માં લઇ ગઈ છે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE