Jun 19, 2020

ભાગવત રહસ્ય -૩૦૯

લાલાને ગાયો બહુ વહાલી છે.તેમાં પણ ગંગી ગાય તો અધિક વહાલી છે.ગંગી ગાયનો પણ લાલા પર એવો જ પ્રેમ છે. લાલાની ઝાંખી ન થાય ત્યાં સુધી તે પાણી પણ પીતી નથી.ગોવાળો કંટાળી જાય એટલે યશોદાજી પાસે આવીને કહે છે-કે મા લાલાને ગૌશાળામાં લઇ આવો.લાલા ને ગૌશાળામાં લઇ જાય એટલે લાલાની ઝાંખી કરી,ગંગી ગાય ઘાસ (ખડ) ખાય છે.

મનુષ્યે પણ કોઈ નિયમ રાખવો જોઈએ.શાસ્ત્રમાં એવું વર્ણન છે-કે- જેના જીવનમાં –પ્રભુ પ્રત્યેનો કોઈ 
નિયમ નથી,તે પશુ સમાન છે.પ્રભુ ભજન વગરનું ભોજન એ પાપ છે.
પેટની પૂજા પહેલી નહિ પણ પ્રભુની પૂજા પહેલી,કે જેણે આ પેટ આપ્યું છે.ઘણા વૈષ્ણવોનો નિયમ હોય છે-કે-રોજ મંગળાના દર્શન કરવાં.પણ તેમાં ઘણા તો,પેટમાં ભર્યા પછી.ડોલતા ડોલતા ,દર્શન કરવા જાય છે. તે બરોબર છે ?? પેટમાં કંઈ ના હોય તો જ સાત્વિક ભાવ જાગે છે.ઉપવાસ કરવાથી શરીર હલકું થાય છે,પાપ બળે છે.મોટા મોટા ઋષિઓ એ અનેક વર્ષ તપશ્ચર્યા કરી પણ મનમાંથી અભિમાન ના ગયું-કામ ના ગયો- એટલે ગોકુલ માં તે ગાયો થઇ ને આવ્યા છે.”નિષ્કામ કૃષ્ણ ને અમારો કામ અર્પણ કરી અમે પણ નિષ્કામ થઈશું.”

ગંગી ગાયને લાલાના દર્શન કરતા આનંદ થયો છે.તે શાંત -ચિત્રવત ઉભી છે.ગોપીઓ એ ગાયનું પૂંછડું હાથમાં લીધું અને ત્રણ વખત લાલાના ચરણથી મુખારવિંદ સુધી ફેરવ્યું.“મારા લાલાને કોઈની નજર લાગી હોય, બહારની કોઈ અલાઈ-બલાઈ વળગી હોય તો તે સર્વ ગંગી ગાય ના પૂંછડા માં જાય” 
આ પ્રેમ મૂર્તિ ગોપીઓની કથા છે,નજર ઉતર્યા પછી ગોપીઓ એ કહ્યું કે મા, હવે લાલાને નવડાવો.
ગોપીઓએ ગાયનું છાણ અને ગૌમૂત્રથી લાલાને સ્નાન કરાવ્યું. ચોખ્ખું લખ્યું છે-કે-“ગૌમુત્રેણ સનાપયિત્વા”
બજારમાંથી સાબુ લાવ્યા નથી, પણ ગૌમૂત્રથી સ્નાન કરાવ્યું છે.અને પછી ગરમ જળથી બાલકૃષ્ણલાલને નવડાવે છે.

ઋષિરૂપા ગોપીઓ લાલાને ઘેરીને બેઠી છે,અને લાલાના અંગ ઉપર હાથ ફેરવતી ,ધીરે ધીરે બોલે છે.
એક કહે છે-કે-લાલાની આંખ કેટલી સુંદર છે! બીજી કહે છે-કે-લાલાના વાળ કેટલા સુંદર છે!
તો ત્રીજી ગોપી કહે છે-કે-લાલાના ગુલાબી,ચરણ કમળ તો જો ,કેટલા સુંદર છે!
મોટા મોટા ઋષિઓ ગોપી થયા છે,એટલે તે ગોપીઓ ને ઋષિરૂપા કહે છે,ઋષિ થયા પછી ગોપી થવાય છે.
ગોપીઓ આમ ઋષિ હોવાથી તેમને મંત્રનું જ્ઞાન છે. લાલાના શ્રીઅંગ પર હાથ ફેરવી, ધીરે ધીરે તેઓ 
મંત્રોચ્ચાર કરે છે. ગોપીઓ માધવરાયની સ્તુતિ કરવા લાગી છે.લાલાની રક્ષા કરવાની પ્રાર્થના કરે છે.

છઠ્ઠા અધ્યાયના ૨૨ થી ૨૯ શ્લોકો બાળ-રક્ષાનું સ્તોત્ર છે.
ગોપીઓ જાણતી નથી કે-“ જે માધવરાયને હું મનાવું છું તે-જાતે જ યશોદાજીની ગોદમાં રમે છે.”
છેવટે કહે છે-કે- “પરમાત્માનું મંગલમય નામ સદા-સર્વદા બાલકૃષ્ણલાલનું રક્ષણ કરે.
લાલાને જે કંઈ થવાનું હોય તે અમને થાય.” આ ગોપીઓનો વિશુદ્ધ પ્રેમ છે,.

મથુરાથી નંદબાબા સાંજે આવ્યા છે.પૂતનાના શરીરને અગ્નિદાહ કરવામાં આવ્યો.
પૂતનાના શરીરમાંથી ચંદનની સુવાસ નીકળે છે.પૂતનાને સદગતિ મળી છે.
પ્રભુ પૂતનાને મારતા નથી પણ પ્રભુએ પૂતનાને મુક્તિ આપી છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE