More Labels

Jul 16, 2013

ભાગવત રહસ્ય -૩૫૭

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત
      PREVIOUS PAGE
     NEXT PAGE
સ્કંધ-૧૦ (પૂર્વાર્ધ)-૮૦

ધરાદેવી પાસેના ગામ માં એક વણિક ની દુકાને આવ્યાં.અને બધી સીધુંસામગ્રી બંધાવી.તેઓ ભોળાં હતાં,તેમને ખબર નહિ કે આના પૈસા આપવા પડે.વણિકે પૈસા માગ્યા.
ધરાદેવી કહે-કે મારી પાસે પૈસા તો નથી.

ધરાદેવી સ્વરૂપવાન હતાં.વણિક તેમના રૂપમાં મોહાયો.
તેણે ધરાદેવી ને કહ્યું કે-તો તમારી પાસે જે છે તે આપો.ધરાદેવી કંઈ સમજ્યા નહિ.એટલે વણિકે તેમના સ્તન તરફ હાથ બતાવ્યો. ધરાદેવી સમજ્યાં કે આ મારા સ્તન માગે છે.તેથી તેમણે પોતાના બંને સ્તનો કાપીને વણિકને આપી દીધા અને સીધુંસામગ્રી લઈને ઘેર આવ્યા.

તે યુવક તો વિષ્ણુ ભગવાન હતા અને સાથે શિવ-પાર્વતી હતાં.તેઓ પ્રસન્ન થયાં.
ભગવાને કહ્યું કે-અમારા માટે તમે તમારા સ્તનો નું દાન કર્યું છે-તેથી આવતા જન્મ માં સ્તનપાન કરવા હું તમારે ત્યાં પુત્ર થઇ ને આવીશ.બીજા જન્મ માં ધરાદેવી થયા છે- યશોદાજી અને દ્રોણ થયા છે-નંદજી.

યશોદાજી પુણ્યશાળી છે,બડભાગી છે,કે પરમાત્મા ને સ્તનપાન કરાવે છે અને તેમને બાંધી પણ શકે છે.

જ્ઞાનીઓ બ્રહ્મ નું ચિંતન કરતાં બ્રહ્મમય થઇ શકે,ઈશ્વર નો સાક્ષાત્કાર કરી શકે પણ ઈશ્વર ને બાંધવાની શક્તિ તેમના માં નથી.માત્ર પ્રેમલક્ષણા ભક્તિ જ ભગવાન ને બાંધી શકે
જીવ માત્ર પર પરમાત્મા પ્રેમ નો વરસાદ વરસાવે છે,તેને પૈસા આપે છે,પ્રતિષ્ઠા આપે છે,
પરમાત્મા ને આશા છે કે આ અધમ જીવ કોઈ દિવસ સુધરશે,
પણ જીવ એવો દુષ્ટ છે કે-તે પ્રભુ સાથે પ્રેમ કરતો નથી.

પ્રભુમાં પ્રેમ જગાવવા માટે પ્રભુ ના ઉપકારો નું વારંવાર સ્મરણ કરવું જોઈએ.આપણે પરમાત્મા ના ઋણી છીએ. પ્રાપ્ત સ્થિતિ માં સંતોષ માનવાથી પ્રભુમાં પ્રેમ જાગે છે.
પ્રભુ પ્રેમ સિવાય બીજું કંઈ માગતા નથી.
મહાત્માઓ કહે છે-કે-પ્રભુ સાથે પ્રેમ કરવો હોય તો બે વસ્તુ ધ્યાન માં રાખો.
એક તો પ્રભુ પાસે કંઈ માંગશો નહિ અને બીજું તેના ઉપકારો ને ભૂલશો નહિ.

પણ મનુષ્ય નો પ્રેમ પૈસામાં,ઘરમાં,ધંધામાં,કપડામાં –વગેરે જગ્યાએ વિખરાયેલો છે.એને પરમાત્મા ને પ્રેમ કરવાનું યાદ આવતું નથી,પરમાત્મા ને પ્રેમ કરતો નથી,એટલે ઈશ્વર પ્રસન્ન થતા નથી.

કેટલાક મંદિર માં દર્શન કરતી વખતે કોટ ની ઈસ્ત્રી ચૂંથાય નહિ તેનું ધ્યાન રાખે છે.
ભગવાન સમજે છે કે તેને મારા કરતાં તેનો કોટ વધારે વહાલો છે.
કપડાં બગડે તો બજારમાં બીજાં કપડાં મળે છે પણ કાળજું બગડે તો તે બજારમાં બીજું મળતું નથી.
પ્રેમ કર્યા સિવાય મનુષ્ય રહી શકતો નથી પણ તે મોટે ભાગે જગતના જડ પદાર્થો સાથે પ્રેમ કરે છે.
અને જગતના જડ પદાર્થો સાથે પ્રેમ કરવાથી, મનુષ્ય ની બુદ્ધિ પણ જડ થાય છે.
બુદ્ધિ જડ થવાથી તેને સમજાતું નથી કે-પ્રેમ કરવા લાયક એક પરમાત્મા જ છે.

પૈસાથી પરમાત્મા મળતા નથી,પણ માત્ર પ્રેમ થી પરમાત્મા પ્રસન્ન થાય છે.
ભક્તો પરમાત્મા ને પ્રેમથી વશ કરે છે,પૂર્ણ પ્રેમ આગળ પરમાત્મા દુર્બળ બને છે.
ભક્તિનો મહિમા આવો છે.

જ્ઞાનીઓ ને કાંઇક થોડા માયા ના આવરણ સાથે બ્રહ્મ નાં દર્શન થાય છે.જ્ઞાની ને કીર્તિ-વગેરે ની ઝંખના છે.
જયારે નિરાવરણ (આવરણ વગરના) બ્રહ્મ નો સાક્ષાત્કાર એકલી ગોપીઓ ને જ થયો છે.
જીવ નિર્દોષ ના થાય ત્યાં સુધી તેને ઈશ્વરનાં દર્શન થતાં નથી.
અંદરના વિકારો જવા જોઈએ.સાધુ થવાની જરૂર નથી પણ સરળ થવાની જરૂર છે.

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE