Aug 10, 2020

ભાગવત રહસ્ય -૩૫૬

શ્રીકૃષ્ણ માટે એકાંતમાં જે રડે છે,તેને શ્રીકૃષ્ણ આવીને મળે છે. હસનારને કનૈયો મળતો નથી.પ્રભુનો આ સ્વભાવ છે,કે જે જીવ તેમને માટે રડે છે તેમને માટે તે દોડતા આવે છે.યશોદાજી રડે છે,લાલાએ આ જોયું અને તેમનાથી આ સહન ના થયું,એટલે દોડતા ગયા છે.લાલાજી મા ની ગોદ માં બેઠા છે અને પીતાંબરથી મા ના આંસુ લૂછે છે. મા એ પણ પ્યાર કર્યો છે.

યશોદા મા વિચારે છે-કે-મારો લાલો કેવો ડાહ્યો છે ! મારી આંખમાં આંસુ આવે તે તેનાથી સહન થતું નથી.એ તો મને બહુ પ્યાર કરે છે,પણ મારી બુદ્ધિ બગડી એટલે મેં તેને બાંધ્યો.
યશોદાજી લાલાને સમજાવે છે કે-બેટા તને બાંધ્યો તે મેં ભૂલ કરી છે,
લાલા,મેં તને બાંધ્યો-તે મનમાં રાખીશ નહિ,તું તે ભૂલી જા, કે મેં તને બાંધ્યો હતો.

ત્યારે કનૈયો મા ને કહે છે –કે-મા હું બીજું બધું ભૂલીશ,પણ તેં મને બાંધ્યો હતો તે હું કદી પણ ભૂલીશ નહિ.
મા તારા આશીર્વાદથી થોડા સમય પછી હું દ્વારકાનો રાજા થઈશ.સોળ હજાર રાણીઓનો પતિ થઈશ.પણ,
મા,પણ હું બરાબર યાદ રાખીશ કે યશોદામા એ મને બાંધ્યો છે.મા,હું તને છોડી ને જઈશ પણ તારો પ્રેમ ભૂલવાનો નથી.તારું પ્રેમ બંધન હું કદી પણ ભૂલીશ નહિ.મા,હું રૂક્ષ્મણીનો નહિ,સત્યભામાનો નહિ,કોઈનો પણ નહિ,પણ તારો બંધાયેલો છું.હું બીજા કોઈથી બંધાયો નથી,બીજા કોઈએ મને બાંધ્યો નથી,
પણ પ્રેમ-રૂપી દોરીથી તેં મને બાંધ્યો છે.તારા પ્રેમબંધનને હું રોજ યાદ કરીશ.

લાલાજી ની ગોકુળની આ મુખ્ય લીલા છે.(દામોદરલીલા).
આ લીલામાં લાલજીએ વાત્સલ્યરસની પરાકાષ્ઠા બતાવી છે.
યશોદાજીના ભાગ્યની પ્રશંસા જેટલી કરો તેટલી ઓછી છે.અનંત કોટિ બ્રહ્માંડનો ધણી,પુત્ર બનીને જેના સ્તનનું પાન કરે,જેના હાથે બંધાય,એનાથી વધારે બડભાગી સંસારમાં કોણ હોઈ શકે ? 
યશોદા મા ની પ્રશંસા સાંભળી શૌનકજીએ સૂતજીને પ્રશ્ન કર્યો કે-યશોદા અને નંદજીએ 
એવાં શું પુણ્ય કર્યાં હતાં કે તેમને ભગવાન ના માતા-પિતા થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું ? 
સૂતજી નંદ-યશોદાના પૂર્વજન્મ નું સ્મરણ કરી ને કહે છે કે-

પૂર્વે દ્રોણ નામનો એક ગરીબ બ્રાહ્મણ તેની પત્ની ધરા સાથે શાંત વનમાં તૂટીફૂટી ઝૂંપડીમાં રહેતો હતો.
બંને ભગવદ ભક્ત હતાં.દ્રોણ સેવા પૂજા કરી ભિક્ષા માગવા જતો અને ભિક્ષામાં જે આવતું તેની ધરાદેવી 
રસોઈ બનાવતાં. અતિથી-અભ્યાગત ને જમાડી પછી પતિને જમાડી જે કંઈ વધે તે ધરાદેવી જમતાં.
કાંઇ પણ ના વધે તો પાણી પી ને સંતોષ માનતાં. તેમને કોઈ સંતાન નહોતું.

એક દિવસ દ્રોણ ભિક્ષા લેવા ગયા હતા તે વખતે એક યુવાન પુરુષ તેના મા-બાપને લઈને તેમની ઝુંપડી પર આવ્યો.યુવકે કહ્યું કે-મારાં વૃદ્ધ માતા-પિતા ભૂખ્યાં છે.તેમને માટે કાંઇક ખાવાનું મળી શકે ?
ઘરમાં કાંઇ હતું નહિ એટલે ધરાદેવી એ તે યુવક ને કહ્યું કે -મારા પતિ ભિક્ષા લેવા ગયા છે,તમે વિશ્રામ કરો,તે આવશે એટલે હું તમને જમાડીશ.આજે દ્રોણ ને આવતા વાર થઇ એટલે યુવકે કહ્યું કે –મારા માતાપિતા ને જલ્દી ખાવાનું નહિ મળે તો તે ભુખ્યાં મરી જશે, એટલે હું હવે બીજે ઠેકાણે જઈશ.

ધરાદેવીએ પતિ પાસેથી સાંભળ્યું હતું કે –અતિથી ઈશ્વર રૂપ છે,તેમનો અનાદર કરવો નહિ.જેના દ્વારેથી અતિથી નિરાશ થઈને જાય છે તેના પુણ્યનો ક્ષય થાય છે.
એટલે ધરાદેવીએ તે યુવકને કહ્યું કે-હું પાસેના ગામમાં જઈ સીધુંસામગ્રી લઇ આવું.તમે જરા થોભી જાવ.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE