Jul 27, 2020

ભાગવત રહસ્ય -૩૪૪

ઇશ્વરને જગાડવાના છે.શ્રીકૃષ્ણ તો સર્વવ્યાપક છે.હૃદયમાં શ્રીકૃષ્ણ છે પણ સુષુપ્ત અવસ્થામાં છે.ઈશ્વર તો દરેકના હૃદયમાં છે,ફક્ત તેને જગાડવાની જ જરૂર છે.
યશોદાજી જેવી માનસ,વાચા અને કર્મણાથી ભક્તિ થાય તો કનૈયો જાગે છે.
શ્રીકૃષ્ણ એટલે આનંદ.આનંદ હૃદયમાં છે,તે આનંદને જગાડવાનો છે.મન,વચન અને કર્મ-આ ત્રણ ભક્તિરસમાં તરબોળ બને તો આનંદ જાગે છે.જીવ સંસારના જડ પદાર્થમાં આનંદ શોધવા જાય છે,એટલે આનંદ મળતો નથી.
આનંદ બીજામાં છે –એવી કલ્પના ખોટી છે.ઈશ્વર સાથે જીવને તન્મય થવાની જરૂર છે.

ઈશ્વરને કશાની જરૂર નથી,માત્ર પ્રેમથી અંદર સૂતેલા પરમાત્મા ને જગાડવાના છે.
અને ભગવાન જાગી જાય તો- પછી આનંદ-આનંદ.
લાલાજી ઉઠયા છે,”ભૂખ લાગી છે,મા ક્યાં છે ?”
ધીરે ધીરે યશોદાજીની પાછળ આવી મા ની સાડીનો છેડો ખેંચ્યો. મા તો એવાં તન્મય બન્યાં છે કે –
લાલો ક્યારે આવ્યો તેની ખબર નથી. પાછળ જોયું તો બાલકૃષ્ણલાલ.
કનૈયો કહે છે-કે- મા તું આ કામ છોડી દે,મને ગોદમાં લે મને ભૂખ લાગી છે.

ભક્તનું હૃદય પ્રેમથી ઉભરાવાનો એવો ભાવ જાગે - ત્યારે ભગવાન ને ભૂખ લાગે છે.
બાકી આમ તો ભગવાનને ભૂખ કે તરસ લાગતી નથી.
યશોદા એ “સાધક” છે,દધિમંથન એ “સાધન” છે,અને કનૈયો એ “સાધ્ય” છે.
“સાધક” “સાધન” એવી રીતે કરે કે-“સાધ્ય” આપોઆપ આવી ને મળે.
“સાધના” માં તન્મય થયેલાને “સાધ્ય” આવી ને જગાડે છે.

મનુષ્ય ખરા હૃદયથી ઈશ્વરનું સાધન કરતો નથી.તેથી ભગવાન એને દેખાતા નથી.
લાલાજીની પાછળ પડો તો લાલાજી કેમ ના મળે ?
ઈશ્વર તો જીવને મળવા આતુર છે,પણ જીવને ઈશ્વરને મળવાની ઈચ્છા જ થતી નથી.
સાધના કરતાં એવી તન્મયતા આવે કે-દેહભાન ભૂલી જવાય તો,સાધ્ય પાછળ આવે –
જેમ કનૈયો યશોદાજી નો પાલવ પકડે છે-તેમ. આ પુષ્ટિ ભક્તિ છે.

પોતાના સુખનો વિચાર કરવાનો નહિ પણ માત્ર ઠાકોરજીના સુખ નો વિચાર કરવાનો,
એ છે “પુષ્ટિમાર્ગ”-એ છે “પુષ્ટિ ભક્તિ” 
પ્રેમથી પ્રભુનું સ્મરણ કરતાં,કીર્તન કરતાં પ્રભુપ્રેમમાં હૃદય પીગળે,એટલે જગત અને શરીર ભુલાય છે,
આનંદનો વરસાદ થાય છે.આનંદ એ બ્રહ્મનું (ઈશ્વરનું) સ્વરૂપ છે.
બાકી યોગીઓ આંખો બંધ કરી,નાક પકડી,બ્રહ્મચિંતન કરી ને જગતને ભૂલવાનો પ્રયત્ન કરે છે,
તેમ છતાં પણ જગત જલ્દી ભૂલાતું નથી.
જયારે-શ્રીકૃષ્ણનું કીર્તન કરતાં તન્મયતા આવે તો ઉઘાડી આંખે જગત ભુલાય છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE