Sep 9, 2020

ભાગવત રહસ્ય -૩૮૬

ગિરિરાજના શિખર પર પ્રગટ થયેલા ચતુર્ભૂજ નારાયણે હાથ લંબાવી અને એક એક છાબડી ઉઠાવીને સામગ્રી ખાવા લાગ્યા.ત્યારે ગોપબાળકો બોલી ઊઠયાં કે-લાલા,યે તો ખા રહો હય,યે તો ખા રહો હય. નંદબાબા અને વ્રજવાસીઓ બોલી ઉઠયા કે-લાલા ના ઠાકોરજી તો જીવતી જાગતી જ્યોત છે.શ્રીકૃષ્ણે કહ્યું-કે-સામગ્રી પુષ્કળ છે અને ઠાકોરજીને આરોગતાં વાર લાગશે.ચાલો આપણે ત્યાં સુધી કિર્તન કરતાં કરતાં,ગિરિરાજની પરિક્રમા કરીએ.

સર્વ વ્રજવાસીઓ,નંદબાબા અને ગોપબાળકો કિર્તન કરતાં કરતાં ગિરિરાજની પરિક્રમા કરે છે.
ગિરિરાજની પરિક્રમા પાપને બાળે છે.પરિક્રમામાં વચ્ચે રાધાકુંડ આવે છે,રાધાકુંડની રજ અતિ પાવન છે.
ભક્તો તે રજનું કપાળે તિલક કરે છે.સર્વે પરિક્રમા કરીને પાછા આવ્યા પણ હજુ ગોવર્ધનનાથ પ્રસાદ આરોગે છે.ગોપબાળકો ભૂખ્યાં થયાં છે,પણ હજુ ગોવર્ધનનાથ ને પ્રસાદ આરોગતાં જોઈ તે લાલાને કહે છે કે-

લાલા,તારો ગોવર્ધનનાથ તો જાણે ઘણા વખતથી ભૂખ્યો હોય તેમ લાગે છે,એ તો બધી છાબડીઓ ઉઠાવીને ખાઈ જાય છે,તે આપણા માટે કંઈ રાખશે કે નહિ ? કનૈયા તું તો અમને આપ્યા વગર કશું ખાતો નથી પણ આ તારો ઠાકોર ગોવર્ધનનાથ તો એકલો એકલો ખાવા લાગ્યો છે,તે શું બધું ખાઈ જશે ?
ત્યારે કનૈયો સમજાવે છે કે- તમે ગભરાશો નહિ,મારો ઠાકોરજી અતિ ઉદાર છે,તે જેટલું ખાશે તેનાથી વધુ પાછું આપશે.તમે ચિંતા કર્યા વગર દર્શન કરો,જુઓ લક્ષ્મીજી પણ પાસે આવીને ઉભાં છે.
ગોવર્ધનનાથનું ફરીથી પૂજન થયું,આરતી ઉતારી.અને સર્વ પ્રસાદ લેવા બેઠા છે.

ઠાકોરજીના અધરામૃતનો સ્પર્શ થયો છે,એટલે પ્રસાદ-સામગ્રીનો સ્વાદ વધી ગયો છે.
નાનકડો બાળ કનૈયો પીરસવા નીકળ્યો છે અને સર્વને આગ્રહ કરીને જમાડે છે.
ગોપ બાળકો કહે છે-કે-લાલા,આજે તો સામગ્રી એવી સુંદર બની છે કે,એક પેટને બદલે બે પેટ થઇ જાય તો સારું.કનૈયો કહે છે કે-પ્રેમથી જમો,પણ છોડશો નહિ.જેટલું જોઈએ તેટલું જ લો.

અન્ન બ્રહ્મ છે.આજકાલ લોકો અન્નનો દુરુપયોગ કરવા લાગ્યા,અન્નદેવનું અપમાન કરવા લાગ્યા એટલે અન્નપૂર્ણાદેવી નારાજ થયાં છે.મોંઘવારી વધી છે. પતરાવડામાં એંઠું છોડવું તે અન્નદેવનું અપમાન છે.
વેદોમાં વર્ણન આવે છે કે-ભારતમાં દૂધ-ઘીની નદીઓ વહેતી હતી.હવે બાટલીમાં દૂધ આવે છે.
કેટલાક બહુ ડાહ્યા લોકો કહે છે- કે અમે પતરાવડામાં એંઠું છોડીએ તો તે ગરીબોને મળે.
પણ શાસ્ત્રમાં લખ્યું છે કે-પોતાનું એંઠું કોઈને આપવું નહિ.
ભિખારીને પણ એંઠું આપવું જોઈએ નહિ.તે ભિખારી થયો તેથી શું ? એ પણ ઈશ્વરનો અંશ છે.

કણ (અનાજ)નો દુરુપયોગ કરનાર દરિદ્ર બને છે,ક્ષણ નો દુરુપયોગ કરનારનું મરણ બગડે છે.
ઇન્દ્રના યજ્ઞમાં તો માત્ર બ્રાહ્મણો જ પ્રસાદ લઇ લીલા લહેર કરે અને ભક્તોને કેળાં-પપૈયાંના 
પ્રસાદથી સમજાવે,પણ આજે ગોવર્ધનનાથની પૂજામાં તો સર્વને લીલા-લહેર છે.
સર્વને સર્વ સામગ્રીનો પ્રસાદ મળ્યો છે. રાત્રે ગિરિરાજની તળેટીમાં મુકામ થયો છે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE