Sep 10, 2020

ભાગવત રહસ્ય -૩૮૭

આ બાજુ નારદજી ઇન્દ્ર પાસે પહોંચી ગયા છે,અને કહે છે કે-આ ગોવાળોએ તારી પૂજા કરવાને બદલે ગોવર્ધનનાથનું પૂજન કર્યું છે અને તારું અપમાન થયું છે.
આ વાત સાંભળી ઇન્દ્ર કોપાયમાન થયો છે,બાર મેઘોને હુકમ કર્યો છે કે-એક સામાન્ય ગોવાળના પુત્રે મારું પૂજન નહિ કરીને મારું અપમાન કર્યું છે,માટે જાઓ અને વ્રજ પર જઈને વરસો,ગોકુલને છિન્નભિન્ન કરી તેનો નાશ કરો.

કારતક મહિનો હતો,પણ વ્રજ પર બારે મેઘો તૂટી પડ્યા.ચારે બાજુ સર્વ જગ્યાએ પાણી ફરી વળ્યું છે.
વ્રજવાસીઓ ગભરાયા છે અને કહેવા લાગ્યા કે-કાર્તિક મહિનામાં કદી આવો વરસાદ પડ્યો નથી.
લાગે છે કે જરૂર ઇન્દ્રનો કોપ થયો છે,લાલા ના કહેવાથી અમે ઇન્દ્રની પૂજા છોડી દીધી,તેથી ઇન્દ્ર કોપાયમાન થયા છે.નંદજી પણ વ્યાકુળ થયા છે.સાત વર્ષના બાલકૃષ્ણલાલ તે વખતે નંદબાબા પાસે આવીને કહે છે કે-તમે ગભરાશો નહિ.કોઈનો વાળ પણ વાંકો થવાનો નથી.મારો ગોવર્ધનનાથ સહુનું રક્ષણ કરશે.તેનામાં વિશ્વાસ રાખો.કાલે ગોવર્ધનનાથે મને સ્વપ્નમાં દર્શન આપેલાં,અને મને કહેલું કે-

“તમે મારી પૂજા કરી તેથી હું પ્રસન્ન થયો છું.આવતીકાલથી ગોકુલ ઉપર સાત દિવસ સુધી મુશળધાર વરસાદ પડશે,તમે ગભરાશો નહિ,કોઈ ને કંઈ થવાનું નથી,તમે મારી પાસે આવજો, હું તમારા સર્વનું રક્ષણ કરીશ.
હું હલકો, ફૂલ જેવો થઇ જઈશ અને તારી ટચલી આંગળી પર મને ધારણ કરજે.”
નંદબાબા કહે છે કે-લાલા,તો તો,તું જલ્દી ગોવર્ધનનાથ ને ઉઠાવ.
લાલાએ ગોકુલની લીલા માં પોતાનું ઐશ્વર્ય હંમેશાં છુપાવ્યું છે.એટલે તે નંદબાબા ને કહે છે-કે-
બાબા,હું તો બાળક છું,હું એકલો શું ઉઠાવી શકું ?તમે બધા ટેકો આપો.
બધા ગિરિરાજને વંદન કરો,તેમનો જયજયકાર કરો,તેમની પ્રાર્થના કરો અને તેમને શરણે જાવ.

વ્રજવાસીઓને સર્વ જગ્યાએ પાણી ફરી વળેલું જોઈને ડર લાગ્યો છે,સર્વને ભીતિ થઇ છે,
ભીતિ થાય તો પ્રીતિ થાય છે,સર્વ લોકો ગિરિરાજને પ્રાર્થના કરે છે અને તેમના શરણે ગયા છે.
“હે ગોવર્ધનનાથ અમે તમારા શરણે આવ્યા છીએ”
શ્રીકૃષ્ણે જ્યાં તળેટીમાં હાથ પધરાવ્યો,ત્યાં ગિરિરાજ હલકા,ફૂલ જેવા થઇને,ધીરે ધીરે ઉંચા થયા છે,
અને......... કનૈયા એ ગિરિરાજ-ગોવર્ધનનાથ ને પોતાની ટચલી આંગળી પર ધારણ કર્યો છે.

સર્વ વ્રજવાસીઓ અને ગાયો લાલાને ઘેરીને ઉભા રહ્યા છે,દાઉજી એ શેષ સ્વરૂપે બધાની આજુબાજુ ઘેરો ઘાલ્યો છે,કે જેથી પાણી નું એક ટીપું પણ અંદર આવી શકે નહિ.સુદર્શન ચક્રને આજ્ઞા કરી છે તે પ્રકાશ આપે છે.બધાં એ સાષ્ટાંગ પ્રણામ કર્યા છે.”ગિરિરાજ ધરણ (ગિરિરાજ ને ધારણ કરનાર કનૈયા) ની જય”
(નોંધ-ગિરિરાજ-ધરણ કૃષ્ણ સાત જ વર્ષના હતા તે ફરી એકવાર અતિ નોંધનીય છે)
સાત દિવસ મુશળધાર વરસાદ પડ્યો છે,પણ પરમ આશ્ચર્ય થયું છે.

કેટલાક વ્રજવાસીઓ ભોળા હતા,તે વિચાર કરવા લાગ્યા કે કનૈયાની આંગળી પર ક્યાં સુધી ગિરિરાજ રહેશે? એટલે તેઓએ પોતાની લાકડીઓ થી ટેકો આપ્યો છે અને વિચારે છે કે-અમારી લાકડી પર ગિરિરાજ ઉભા છે. શ્રીકૃષ્ણ મલકાય છે અને કહે છે કે-હવે શું મારી આંગળી લઇ લઉં ? 
વ્રજવાસીઓ કહે છે તને થાક લાગ્યો હોય તો થોડીવાર વિશ્રામ કર.અમે પણ હાથથી ટેકો કરીશું.
પણ જ્યાં લાલાએ આંગળી નીચી કરી તો....

વ્રજવાસીઓ ગભરાયા,તેમની લાકડીઓ કે તેમના હાથને 
ગિરિરાજનું વજન સહન થતું નથી. અને બોલાવા લાગ્યા-કે-લાલા,આ ગિરિરાજ પડ્યો.... પડ્યો,તું જલ્દી આને ઉપાડી લે. લાલા,આ ગિરિરાજ માત્ર તારી આંગળી પર જ રહે છે,ગોવર્ધનનાથ માત્ર તારું જ કહ્યું કરે છે,અમારી લાકડીઓ કે અમારા હાથ તેને ઉપાડી શકે તેમ નથી.
સર્વ ને ખાતરી થઇ છે કે ગોવર્ધનનાથ લાલા ની ટચલી આંગળી પર જ છે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE