More Labels

Sep 6, 2013

ભાગવત રહસ્ય -૪૦૯

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત
      PREVIOUS PAGE
     NEXT PAGE
સ્કંધ-૧૦  (પૂર્વાર્ધ)-૧૩૨

નારદજી ને અભિમાન હતું કે હું મોટો કીર્તનકાર છું.હું ભક્ત છું,હું જ્ઞાની છું.
જેવો તેમનો અહમ પીગળ્યો અને અહમ નો ત્યાગ કર્યો એટલે જ તેમને રાસ માં પ્રવેશ મળ્યો. જે દીન બની ને જાય તેને રાસ-મંડળમાં પ્રવેશ મળે.તેને ઈશ્વર અપનાવે.

રાસલીલા એ પ્રેમલીલા છે,મોહલીલા નથી.
ગોપીઓ ને શ્રીકૃષ્ણ પ્રત્યે અતિ પ્રેમ હતો,મોહ નહિ.શરીર નું ચિંતન કરવાથી મોહ થાય છે,
મોહ માં પતન થાય છે.પ્રેમ માં ઉન્નતિ થાય છે.આત્મા નું ચિંતન કરવાથી પ્રેમ થાય છે.
પ્રેમ અમર છે,તે કદી મરી શકે નહિ.
મોહ ભોગ માગે છે,જયારે પ્રેમી તેના પ્રિયતમ ને ભોગ આપે છે.
મોહમાં જાતે ભોગવવાની ઈચ્છા હોય છે,પ્રેમ માં પ્રિયતમ ને સુખી કરવાની ઈચ્છા હોય છે.
મોહ કેવળ સંયોગ માગે છે,મોહ સંયોગ માં પુષ્ટ થાય છે,મોહ એ દેહ-ધર્મ છે જયારે પ્રેમ એ આત્મધર્મ છે.
મોહ માં દ્વૈત (બે) છે જયારે પ્રેમ માં અદ્વૈત (એક) છે.
ત્યાગ હોય ત્યાં પ્રેમ પ્રગટ થાય છે,પ્રેમ માં અત્યંત ધીરજ હોય છે.

રૂક્ષ્મણીએ શ્રીકૃષ્ણ ને લખેલા પત્રમાં લખ્યું છે તેવી ધીરજ પ્રેમ માં હોય છે.રૂક્ષ્મણીએ લખ્યું છે કે-
“આપ આ દાસીનો સ્વીકાર નહિ કરો તો આપને મળવા બીજો જન્મ લઈશ,ત્રીજો જન્મ લઈશ,
સો જન્મ લઈશ.ભલે અનેક જન્મ લેવા પડે પણ વરીશ તો શ્રીકૃષ્ણ ને જ.”

દશમ સ્કંધ એ ભાગવત નું હૃદય છે.માનવજીવન નું છેલ્લું લક્ષ્ય છે –રાસલીલા.(જીવ-ઈશ્વર નું મિલન)
જીવ ઈશ્વર સાથે એક ના થાય ત્યાં સુધી શાંતિ નથી,જેવો તે એક થાય એટલે તે મુક્ત થયો.
પણ આ જીવ કંઈ લક્ષ્ય ને પહોંચવા સાધન કરતો નથી. તેથી પરમાત્મા નો અનુભવ થતો નથી.
મહાત્માઓ કહે છે-કે-આ જ ક્ષણે સત્કર્મ (સાધન) ની શરૂઆત કરો,તે માટે મુહૂર્ત જોવાની જરૂર નથી.
વાતો અને વિચાર માં સમય ગુમાવવાની જરૂર નથી.
આજ સુધી પૈસા પાછળ ઘણા પડ્યા,હવે થોડા ભગવાન પાછળ પડો.

આજકાલ અશાંતિ જ જોવા મળે છે તેનું કારણ એ છે કે જીવ ઈશ્વરને ભૂલી ગયો છે.
મનુષ્ય મોટો રાજા થાય,અતિ શ્રીમંત થાય,કે સ્વર્ગ નો દેવ થાય પણ તેને શાંતિ નથી.
શાંતિ અને આનંદ -ત્યારે મળે કે જયારે જીવ ઈશ્વર ને મળે છે.
પરમાત્મા પોતે આનંદ-સ્વ-રૂપ છે. તેમને આનંદ ની જરૂર નથી.
ગોપીઓ ને પરમાનંદનું દાન કરવા પ્રભુએ આ લીલા કરી છે.
આનંદ ત્રણ પ્રકાર ના છે –વિષયાનંદ,બ્રહ્માનંદ અને પરમાનંદ. આ સહુમાં પરમાનંદ સર્વ-શ્રેષ્ઠ છે.

પરમાત્મા સાથે મિલન થાય પછી પણ સાધકે જીવનના છેલ્લા શ્વાસ સુધી સાધન ચાલુ રાખવું પડે છે.
મન પર વિશ્વાસ રાખવા જેવો નથી,મન બહુ દગાખોર છે.તે ક્યારે દગો દે તે ખબર પડતી નથી.
સેવા ની સમાપ્તિ કદી નથી,જે દિવસે જીવન ની સમાપ્તિ તે દિવસે સેવા ની સમાપ્તિ.
જીવન ના છેલ્લા શ્વાસ સુધી પરમાત્મા ની સેવા કરવાની ,પરમાત્મા ના નામજપ કરવાના.
પરમાત્મા નું કીર્તન કરવાનું,તે પછી કાળ ને ભલે જયારે આવવું હોય ત્યારે આવે.

ઘણા મનુષ્યો સાધન કરે છે,સાધન કરતાં કરતાં થોડી સિદ્ધિ મળે છે.જે બોલે તે સાચું પડે...વગેરે....
આ સિદ્ધિ નો ઉપયોગ કરે એટલે પ્રસિદ્ધિ મળે.પ્રસિદ્ધિ મળે એટલે લોકો પાછળ પડે.અને અભિમાન આવે.
અભિમાન આવે એટલે તેનું પતન થાય છે.
કેટલીક વાર સાધુઓ ને બગાડનાર તેમના ચેલા હોય છે.ચેલાઓ ની જમાત “બાપજી-બાપજી” કરે
એટલે સાધુ ને થાય કે હું પણ કંઈક છું. હું પણું આવ્યું એટલે સાધન માં ઉપેક્ષા આવી.
સાધુ માનવા માંડે છે કે-પ્રભુ ની સેવા થાય તોય ઠીક,ને ના થાય તો પણ ઠીક છે.ચેલાઓ સેવા કરે છે.
હું તો મન થી સેવા કરું છું,હું તો સિદ્ધ છું.

તુકારામ જેવું રાખવું-“હવે હું અને પાંડુરંગ (પ્રભુ) એક થયા છીએ પણ ભજન કરવાની જે આદત પડી છે તે જતી જ નથી.”

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE