Nov 26, 2020

ભાગવત રહસ્ય -૪૫૮

શુકદેવજી પરમહંસ છે.પરમહંસ તેને કહે છે કે જે પરમાત્મા સાથે પરણે છે.(જેનું ઈશ્વર સાથે મિલન થયું છે) શુકદેવજીનું લગ્ન (મિલન) પરમાત્મા સાથે થયું છે.અહીં ભાષા લગ્ન ની છે.પણ તાત્પર્ય એ છે કે-જીવને ઈશ્વર સાથે લગ્ન કરવાનું છે.(જીવ-ઈશ્વરનું મિલન)
રુક્મિણી એ કૃષ્ણ પરના પત્રમાં લખ્યું છે-કે-મારે કામી પુરુષ સાથે પરણવું નથી.કામી રાજાઓ તો શિયાળવાં જેવાં છે.તેમનું તો નામ લેવું પણ મને ગમતું નથી.તેમની સામે જોવાની પણ ઈચ્છા થતી નથી.મારે કોઈ રાજાની રાણી થવું નથી.તમે નિષ્કામ છો,હું નિર્વિકાર છું.મારે તમારી સાથે પરણવું છે.

‘નિષ્કામ’ શ્રીકૃષ્ણ નું ‘નિર્વિકાર’ રુક્મિણી સાથેનું આ મિલન છે.
શ્રીકૃષ્ણ-રુક્મિણીના લગ્નની આ વાતમાં ભાષા લૌકિક છે,પણ તેની પાછળનો સિદ્ધાંત અલૌકિક છે.
અલૌકિક સિદ્ધાંત સમજાવવા અલૌકિક ભાષા મળતી નથી,એટલે લૌકિક ભાષાનો સહારો લેવો પડે છે.
વ્યાસજીની આદત છે કે-તે થોડો ભાવ પ્રગટ કરે છે અને થોડો ગુપ્ત રાખે છે,
તે વિચારે છે કે –મનુષ્યને બુદ્ધિ આપી છે તો તેનો થોડો ઉપયોગ કરે.
ભાગવતના શ્લોકો પર ઊંડો વિચાર કરનારાઓ એ આમ નક્કી કર્યું છે કે-આ કામ-પ્રધાન લગ્ન નથી.

કોઈ વધારે ભક્તિ કરે,પરમાત્મા સાથે પરણવાની (પરમાત્મા સાથેના મિલનની) ઈચ્છા કરતો હોય તો
ઘરના જ લોકો તેને ત્રાસ આપે છે.મીરાંબાઈને ઘરનાં લોકોએ જ ત્રાસ આપ્યો હતો.
જેને પરમાત્માને પરણવું છે તેને ઘણા લોકોનો ત્રાસ સહન કરવો જ પડે છે.

ઈશ્વર સાથે કોઈ પરણે તો તે સંસારી જીવને ગમતું નથી.સંસારી જીવ વિચારે છે કે-સંસાર સુખ ભોગવે તો પોતાના કામમાં આવશે,સતત ભક્તિ કરશે તો અમારા કામમાં આવશે નહિ.
અહીં રુક્મિ (ભાઈ) રુક્મિણીના લગ્નમાં વિઘ્ન કરે છે.
પરંતુ આવાં વિઘ્નો સદગુરૂ (અહીં આગળ સુદેવ બ્રાહ્મણ) ના આશ્રયથી,દૂર થાય છે.
રુક્મિણીનું જીવન સાદું છે,રાજાની દીકરી અને ઘરમાં ખૂબ સંપત્તિ હોવા છતાં જીવનમાં સાદાઈ છે.

શુકદેવજી ને થયું છે કે-પરીક્ષિત આ લગ્નની વાત સાંભળે અને તેનું લગ્ન (મિલન) પણ  ઈશ્વર સાથે થાય,
તો પછી ભલે એને તક્ષક નાગ કરડે.પરીક્ષિતની તન્મયતા આ લૌકિક વાત દ્વારા સિદ્ધ કરવી છે.
સુદેવ બ્રાહ્મણ રુક્મિણીનો પત્ર લઇ દ્વારકા આવ્યા છે.શ્રીકૃષ્ણે તેમનું સ્વાગત કરી પ્રયોજન પૂછ્યું.
સુદેવ કહે છે કે-રુક્મિણી એ તમને એક પત્ર આપવા મને અહીં મોકલ્યો છે.કન્યા તમારે લાયક છે,
સૌન્દર્ય કરતાં પણ સદગુણો વિશેષ છે,કન્યા શુશીલ અને ચતુર છે,તેની સાથે લગ્ન કરશો તો સુખી થશો.

શ્રીકૃષ્ણ રુક્મિણીનો પત્ર વાંચે છે.અક્ષર ઉપરથી પણ મનુષ્યની બુદ્ધિની પરીક્ષા થાય છે.
પત્રમાં બહુ વિસ્તાર કામનો નહિ અને બહુ સંક્ષેપ પણ કામનો નહિ,પત્રમાં શબ્દો થોડા પણ ભાવાર્થ
પુષ્કળ ભર્યો હોય તે પત્ર.(પત્ર કેમ લખવો તે પણ ભાગવતમાં બતાવ્યું છે)
રુકિમણીએ માત્ર સાત શ્લોકો જ લખ્યા છે,છ શ્લોકોમાં શ્રીકૃષ્ણના છ સદગુણોનું વર્ણન કર્યું છે.
(ઐશ્વર્ય,વીર્ય,યશ,શ્રી,જ્ઞાન,વૈરાગ્ય-એ છ સદગુણો) અને સાતમા શ્લોકમાં છે શરણાગતિ.

જીવ અતિ દીન થઇ પરમાત્માના શરણે જાય તો,પ્રભુ તે જીવની ઉપેક્ષા કરે નહિ.
જીવનો ધર્મ છે-શરણાગતિ.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE