Nov 25, 2020

ભાગવત રહસ્ય -૪૫૭

પરીક્ષિત કહે છે-કે-રુક્મિણી હરણની કથા વિસ્તારથી સાંભળવાની મારી ઈચ્છા છે,
શુકદેવજી કહે છે-કે રાજા,શ્રવણ કરો.મહારાજ ભીષ્મક વિદર્ભ દેશના રાજા છે.તેને પાંચ પુત્રો અને એક કન્યા છે,મોટા પુત્રનું નામ –રુક્મિ અને કન્યા નું નામ –રુક્મિણી છે.
રુક્મિણી સાક્ષાત મહાલક્ષ્મીનો અવતાર છે.ભીષ્મક રાજાની એવી ઈચ્છા હતી કે મારી કન્યાનું લગ્ન હું શ્રીકૃષ્ણ સાથે કરીશ.પણ પુત્ર રુક્મિએ વિરોધ કર્યો અને કહ્યું કે મારી બહેન હું ગોપાળને નહિ આપું,પણ તેનું લગ્ન હું શિશુપાળની સાથે કરાવીશ.

સંસારીઓ ઈચ્છે છે કે-આ મારા જેમ સંસારમાં જ રહે,સંસારમાં રહેશે તો મને કામ આવશે.
પ્રભુ સાથે પરણે,પ્રભુનો થાય તો પછી તે મારા કામનો રહેશે નહિ.
રુક્મિ વિચારે છે કે-શિશુપાળ મોટો રાજા છે,મારી બહેન તેની સાથે પરણશે તો સુખી થઈને સંસારસુખ
ભોગવશે,વળી શિશુપાળ મોટો રાજા હોવાથી તેની સાથેનો સંબંધ પણ મારા કામમાં આવશે..

રુક્મિણીને ખબર પડી કે મારો ભાઈ જબરદસ્તીથી મારાં લગ્ન શિશુપાળ જોડે કરાવવા માગે છે ત્યારે તેને 
દુઃખ થયું.રુક્મિણીને રાણી થવું નથી,રાણીનું સુખ તેને તુચ્છ લાગે છે તેને તો પ્રભુની સાથે પરણવું છે.

રુક્મિએ શિશુપાળને આમંત્રણ આપ્યું છે,શિશુપાળ જાન લઈને આવ્યો છે.
શિશુપાળ કામી અને અભિમાની હતો તેનો પુરાવો ભાગવતમાં મળે છે.લગ્ન કરવા નીકળ્યો ત્યારે
ગણપતિની પૂજા પણ કરી નહિ.તેથી લગ્નમાં વિઘ્ન આવ્યું.
સાધારણ મનુષ્ય જયારે લગ્ન કરવા જાય છે ત્યારે તેની છાતી પર કામ ચડી બેસે છે.
ભગવાન ગોપાળ છે.ગો=ઇન્દ્રીઓ,ઇન્દ્રિયોને સાચવનાર,ભગવાન જીતેન્દ્રિય થઇ લગ્ન કરવા ગયા છે.

અંતઃપુરમાં એક સુદેવ નામના બ્રાહ્મણ આવતા હતા,તેને રુક્મિણીએ કહ્યું કે-મહારાજ,મારું એક કામ કરશો?
સુદેવ-બ્રાહ્મણે કહ્યું કે-તારી ઈચ્છા હોય તે કાર્ય કરીશ. ત્યારે રુક્મિણી કહે છે કે-
મારી ઈચ્છા શ્રીકૃષ્ણ સાથે લગ્ન કરવાની છે,મેં સાત શ્લોકનો એક પત્ર લખ્યો છે,તે પત્ર તમે દ્વારકા લઇ આવ,શ્રીકૃષ્ણને તે પત્ર આપજો,અને પરમાત્માને મારી ભલામણ કરજો.
એકનાથ મહારાજનું રુકિમણીના લગ્નની કથા  ઉપર ભાષ્ય છે.
ભાગવતમાં રુક્મિણીના લગ્નની કથા અઢી અધ્યાયમાં કરી છે.એકનાથ મહારાજે અઢાર અધ્યાય લખ્યા છે.
તેઓ કહે છે કે-આ શુદ્ધ જીવ (રુક્મિણી) અને ઈશ્વર (શ્રીકૃષ્ણ) નું લગ્ન છે.

ભાગવતના છેલ્લા દિવસે આ લગ્નની કથા આવે છે.
જેને થોડા સમયમાં તક્ષક નાગ કરડવાનો હોય,તેનું મૃત્યુ થવાનું હોય,તેને લગ્નની વાતો સંભળાવવાની હોય નહિ.કાળ સમીપ હોય તને લગ્નની વાતો ગમે પણ નહિ.
યોગીઓમાં શ્રેષ્ઠ એવા પરમહંસ શિરોમણી શુકદેવજી આ લગ્નની કથા કરવા બેઠા છે.
જેનું વાસનાનું વસ્ત્ર પણ પડી ગયું છે તેવા શુકદેવજી શું લગ્નની લૌકિક-વાત,જેનું મરણ નજીક છે,
તેવા રાજા પરીક્ષિત અને બીજા અનેક સાધુ-સન્યાસીઓ સમક્ષ કરે?
પણ આ કથા કોઈ વર-કન્યાના લગ્ન ની નથી,આ તો શુદ્ધ જીવ અને પરમાત્માના લગ્નની કથા છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE