More Labels

Nov 27, 2020

ભાગવત રહસ્ય -૪૫૯

પત્રમાં શ્રીકૃષ્ણ ને બે,સુંદર સંબોધનો કર્યા છે. અચ્યુત અને ભુવન-સુંદર.
જેને કામનો સ્પર્શ થતો નથી તે અચ્યુત.અને જે નિષ્કામ છે તે જ સુંદર છે.
કારણકે એકવાર કામનો સ્પર્શ થયા પછી,સૌન્દર્યનો વિનાશ થાય છે.શ્રીકૃષ્ણ ભુવન-સુંદર છે.
જ્ઞાની પુરુષો મનને સમજાવે છે કે આ સંસાર સુંદર નથી 
પણ સંસારને બનાવનાર-સર્જનહાર સુંદર છે.

સંસારમાં જે કાંઇ સુંદરતા ભાસે છે તે તો શ્રીકૃષ્ણના સૌન્દર્યનો અંશ-માત્ર છે.
સંસાર-એ –કાર્ય -છે અને પરમાત્મા એ-કારણ- છે.જગત સુંદર છે તો કારણ અતિસુંદર હોવું જ જોઈએ.
વ્યક્તિમાં જે સુંદરતા ભાસે છે તે ઈશ્વરની સુંદરતાને કારણે ભાસે છે એમ –રોજ વિચાર કરવો જોઈએ.

પત્ર માં કહે છે કે-નાથ,તમારા સૌન્દર્યની અને તમારા સદગુણોની કથા મહાત્માઓના મુખથી મે સાંભળી છે,
અને તેથી જ મે તમારી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે.તમારા સદગુણોએ જ મારું ચિત્ત ચોરી લીધું છે,
અને તેથી મારું મન નિર્લજ્જ થયું છે,નાથ,મારો આત્મા મેં તમને સોંપ્યો છે.તમે નિષ્કામ છો ને હું નિર્વિકાર છું.
મેં અનેક વ્રત-તપ કર્યા છે તે જ મારી સંપત્તિ છે તે સઘળું હું આપને અર્પણ કરીશ.હું તમને સુખી કરીશ.
આપ મારો સ્વીકાર કરો,પતિવ્રતા સ્ત્રીનો પતિ દુઃખી થઇ શકે નહિ.

આ પ્રમાણે પોતાની બુદ્ધિ નો પરિચય આપ્યા પછી-પોતે કેવી રીતે પ્રાપ્ત થઇ શકશે તેનો ઉપાય પણ બતાવ્યો. લખે છે કે-મેં આત્મનિવેદન કર્યું છે,સિંહનો ભાગ સિંહ લઇ જાય તે જ યોગ્ય છે,પણ સિંહ નો ભાગ કોઈ શિયાળ લઇ જાય તો સિંહની કીર્તિને કલંક લાગે છે.શિયાળ અને શિશુપાલ એ બે ની રાશી એક છે.
તેનું નામ લેવું પણ મને ગમતું નથી,સિંહના ભાગ ને શિયાળ અડકે તે યોગ્ય નથી,તમે નર-સિંહ છો.

નાથ,જયારે હું પાર્વતી નું પૂજન કરવા જાઉં ત્યારે ત્યાં આવી મને રથમાં બેસાડીને દ્વારકા લઇ જજો.
મને ખાતરી છે કે –આ દાસીનો આપ સ્વીકાર કરશો.
પણ જો મારા અલ્પ પુણ્યને લીધે કદાચ તમે અને આ જન્મમાં ના સ્વીકારો તો,હું આ શરીરનો ત્યાગ કરીશ,આપને મેળવવા હજાર જન્મ લઈશ પણ તમારા સિવાય હું પર-પુરુષને અડકીશ પણ નહિ.
મોહમાં મિલનની ઉતાવળ હોય પણ પ્રેમમાં અતિશય ધીરજ હોય છે.મારે કોઈ રાજાની રાણી થવું નથી,
મારે તો નિષ્કામ પરમાત્મા જોડે જ પરણવું છે,હું લગ્ન કરીશ તો શ્રીકૃષ્ણ સાથે જ કરીશ.

આમ પત્ર ના અંત માં રુક્મિણી એ પોતાનો દૃઢ નિશ્ચય જણાવ્યો છે.
આવો દૃઢ નિશ્ચય હોય તો ભગવાન કેમ ના મળે ?

રુક્મિણી નો પત્ર વાંચી શ્રીકૃષ્ણ ડોલવા લાગ્યા. શ્રીકૃષ્ણ કેવા સરળ છે-કહી પણ દીધું કે –
જેમ કન્યાને મારી સાથે લગ્ન કરવાની ઈચ્છા છે તેમ મારી પણ તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા છે.
રુક્મિણી આમ તો ભગવાનની આદ્ય-શક્તિ છે,તેમના શ્રીકૃષ્ણ વિના બીજા સાથે લગ્ન થઇ શકે જ નહિ.
શ્રીકૃષ્ણે દારુક સારથીને રથ તૈયાર કરવાનું કહ્યું.
પછી,સુદેવ બ્રાહ્મણને રથમાં બેસાડી,તેમને વંદન કરી ને પોતે પણ ગણપતિનું સ્મરણ કરી ને રથમાં બેઠા છે. 
રથે પ્રયાણ કર્યું છે,અને સત્વરે વિદર્ભ નગરી પહોંચ્યા છે.

સુદેવ બ્રાહ્મણ રુક્મિણીને સંદેશો આપવા પહોંચ્યા છે.બ્રાહ્મણને હસતાં હસતાં આવતા જોઈ રુક્મિણીજી
સમજી ગયા કે બ્રાહ્મણ કામ સિદ્ધ કરીને આવ્યા છે.રુક્મિણીએ બ્રાહ્મણનાં ચરણમાં પ્રણામ કર્યા છે.
શ્રીધર સ્વામીએ તેમની ટીકામાં લખ્યું છે કે-
લક્ષ્મી (રુક્મિણી) તો બ્રાહ્મણના ચરણમાં વંદન કરે છે.
બુદ્ધિ (શક્તિ) ના માલિક સૂર્યદેવ છે.સૂર્યની ઉપાસના (ગાયત્રી) કરનાર અને ત્રિકાળ-સંધ્યા કરનાર બ્રાહ્મણ
મૂર્ખ રહેતો નથી.દરિદ્રી રહેતો નથી,અને જો દરિદ્રી  હોય તો માનવું કે તેને સૂર્યનારાયણનો શાપ છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE