Oct 1, 2013

Sat-Sloki-Gujarati-04

શત-શ્લોકી-04-(આદિ) શંકરાચાર્ય રચિત

 જેમ સાપ પોતાની કાંચળી માં થી બહાર નીકળી જાય છે,
તેમ જે પુરુષે (વૈરાગ્ય રૂપ) પોતાની શક્તિથી ઘર ત્યજી દીધું હોય છે,તે પુરુષ,
જેમ કોઈ મુસાફર રસ્તામાં આવતા ઝાડ ની છાયા નો થોડો આશરો લે,
તેમ કોઈ જગ્યાએ સ્થાયી થયા વગર,વિશ્રામ પુરતો જ સ્થાન નો આશરો લે, વળી,
ઝાડ પરથી પોતાની મેળે ખરી પડેલાં ફળ અથવા ભિક્ષાનું અન્ન-ભૂખ મટાડવા પૂરતું જ લે,અને પછી પોતાના “આત્મ-સ્વ-રૂપ “ માં સુખેથી પ્રવેશ કરવા માટે પોતાના દેહની મમતા છોડી દે.(૧૭)

સૌથી પહેલાં માણસ ના મન માં જુદાજુદા પદાર્થો માટે (તે મેળવવાની) કામ-તૃષ્ણા ઉપજે છે,પછી તે પદાર્થો મેળવવાનો પ્રયત્ન કરે છે અને તે મેળવી ને પોતાની ઇન્દ્રિયો થી તે ભોગવે છે.
(પોતાની પાસે જે નથી તે મેળવવાની ઈચ્છા તે કામ)
અને પછી એવા ઘણા પદાર્થો ભેગા કરવાનો “લોભ” ઉત્પન્ન થાય છે.અને પદાર્થો ભેગા કરે છે.
(પોતાની પાસે જે છે તે ગુમાવવું નથી તેવી ઈચ્છા તે લોભ)
પણ જયારે મન ના વિચારેલા પદાર્થો ના મળે કે મેળવી ને ભેગા કરેલા પદાર્થો જો લુંટાઈ જાય તો
“ક્રોધ” આવે છે.
આમ આ ત્રણ-કામ,લોભ અને ક્રોધ-એ જ સર્વ ના પતન નું કારણ છે,માટે
બુદ્ધિમાન મનુષ્યે માત્ર આત્મા નો વિચાર કરી એ ત્રણે ને ત્યજવા જોઈએ. (૧૮)

કોઈ પણ જાતના બદલા વિના,બ્રહ્માર્પણ બુદ્ધિ થી જે અપાય તે દાન,
ક્રોધ ના કરવો તે ક્ષમા ,શાસ્ત્ર અને ઈશ્વર પર વિશ્વાસ રાખવો એ શ્રદ્ધા,
સત્ય સ્વરૂપ બ્રહ્મ એ જ સત્ય,આ ચાર મુક્તિ નાં સાધન છે.

આ ચાર થી ઉલટાં-લોભ,ક્રોધ,અશ્રદ્ધા,અને અસત્ય-એ ચારનું નામ “સેતુ” છે,જે જીવના બંધન નું કારણ છે.
માટે દાન,ક્ષમા,શ્રદ્ધા અને સત્ય વડે આ “સેતુ” ઓળંગી ને જ મનુષ્ય
કલ્યાણરૂપ અમૃત મેળવી શકે છે. અને સ્વર્ગ કે પ્રકાશરૂપ(જ્યોતિ રૂપ) બ્રહ્મ ને પામી શકે છે.(૧૯)

જે અન્ન દેવો અને અતિથીઓ ને અર્પણ કરાય છે તે,અમૃતરૂપ છે. (બાકીનું અન્ન નિષ્ફળ છે.)
જે અન્ન મનુષ્ય માત્ર પોતાને માટે જ રાંધે છે-એ તો તેના મૃત્યુરૂપ છે,એમ શાસ્ત્ર માં કહ્યું છે.
જે મનુષ્ય બીજા કોઈને આપ્યા વિના પોતે એકલો જ જમે છે તે પ્રાણીઓમાં કેવળ પાપી છે.
અને જે વિધિ પ્રમાણે (પ્રાણાગ્નિ હોત્ર) કર્યા વિના જ જમે છે,તે પણ મરેલો જ છે.અને
જન્મ-મરણ પામ્યા જ કરે છે.(૨૦)

PREVIOUS PAGE____________INDEX  PAGE_______________NEXT  PAGE