More Labels

Dec 26, 2020

ભાગવત રહસ્ય -૪૮૭-(ઉદ્ધવ ને જ્ઞાનોપદેશ)

તે પછી ભગવાને પોતાની વિભૂતિઓનું વર્ણન કર્યું અને 
ચારેય આશ્રમોના ધર્મો સમજાવ્યા.ઉદ્ધવજી પ્રશ્નો પૂછે છે અને શ્રીકૃષ્ણ જવાબ આપે છે.
શમ એટલે શું ? બુદ્ધિ ને પરમાત્મામાં સ્થાપવી તે શમ છે.
દમ એટલે શું? ઇન્દ્રિયોને વશ કરવી તે દમ છે.
દાન કોને કહેવાય ? કોઈ પણ પ્રાણીનો દ્રોહ ના કરવો તે શ્રેષ્ઠ દાન છે.
આ જગતમાં જે કાંઇ દેખાય છે તે પરમાત્માના આધારે છે,તેવો ભાવ રાખી કોઈની સાથે દ્રોહ ના કરવો.જગતના કોઈ જીવ ને હલકો ગણવો નહિ કે તેની પ્રત્યે કુભાવ રાખવો નહિ.પ્રત્યેકને સદભાવ 
અને સમભાવથી જોવા તે મોટામાં મોટું દાન છે.

તપ કોને કહેવાય? સર્વ કામનાઓનો ત્યાગ એ તપ છે.
શૌર્ય કોને કહેવાય? વાસનાને જીતવી તે શૌર્ય છે.સ્વભાવ પર વિજય મેળવવો તે શૌર્ય છે.
સત્ય કોને કહેવાય? બ્રહ્મનો વિચાર કરવો તે સત્ય છે.
સાચું ધન કયું? ધર્મ (સ્વ-ધર્મ) એ જ મનુષ્યનું ઉત્તમ ધન છે.
લાભ કયો? પરમાત્માની ભક્તિ મળવી તે ઉત્તમ લાભ છે.

પંડિત કોણ? બંધન અને મોક્ષનું તત્વ જાણે તે પંડિત.જ્ઞાન પ્રમાણે ક્રિયા કરે તે સાચો જ્ઞાની-પંડિત.
મૂર્ખ કોણ? શરીરને જે આત્મા માને છે તે મૂર્ખ છે.ઇન્દ્રિય સુખમાં ફસાયેલો તે અજ્ઞાની મૂર્ખ છે.
ધનવાન કોણ? ગુણોથી સંપન્ન અને સંતોષી -તે ધનવાન.
દરિદ્ર કોણ? જે અસંતોષી છે –તે ગરીબ છે. જે મળ્યું છે તે જેને ઓછું લાગે છે ગરીબ છે.
જીવ કોણ? માયાને આધીન થયો છે તે જીવ.સંસારના વિષયોમાં ફસાયેલો અને ઇન્દ્રિયોનો ગુલામ છે તે.
વીર કોણ? અંદરના શત્રુઓ (વિષયો) ને મારે તે વીર.
સ્વર્ગ શું અને નર્ક શું?  અભિમાન મારે અને સત્વગુણ વધે,પરોપકારની ઈચ્છા થાય,તો સમજવું કે –
તે સ્વર્ગમાં છે.આળસ,નિંદ્રા ને ભોગમાં સમય જાય તો સમજવું કે તે નર્કમાં છે.

શ્રીકૃષ્ણ કહે છે –કે-હે ઉદ્ધવ,મનુષ્યોનું કલ્યાણ કરવાના હેતુથી મેં ત્રણ ઉપાયો (માર્ગો) કહ્યા છે.
(૧) જ્ઞાનયોગ (૨) કર્મયોગ (૩) ભક્તિયોગ
મનુષ્ય શરીર જ્ઞાન અને ભક્તિ પ્રાપ્ત કરવાનું સાધન છે.તેથી તે શ્રેષ્ઠ છે.સર્વ ફળોનું મૂળ છે.
કરોડો ઉપાયોથી પામવું અશક્ય એવું શરીર દૈવ-યોગે મળ્યું છે.
છતાં જે મનુષ્ય આ માનવ-દેહ રૂપી નૌકા પામીને પણ ભવસાગર તરવાનો પ્રયત્ન ના કરે તે
પોતે જ પોતાનો નાશ કરનારો છે.તે આત્મ-હત્યારો છે.

હે ઉદ્ધવ,આ અખિલ વિશ્વમાં હું (ઈશ્વર) સર્વવ્યાપી તરીકે રહેલો છું,એવી ભાવના કરજે અને રાખજે.
ભક્તિથી એ પ્રમાણે સર્વના આત્મા-રૂપ મારું દર્શન થતાં મનુષ્યના અહંકારની ગાંઠ છૂટી જાય છે.
એના સર્વ સંશયો છેદાઈ જાય છે અને સર્વ કર્મો પણ નાશ પામે છે.

તે પછી ઉદ્ધવ ને આજ્ઞા કરી છે કે-જગતમાં કોઈ વખાણ કરે તો રાજી થઇશ નહિ અને નિંદા કરે તો
નારાજ થઇશ નહિ.નિંદા ને સ્તુતિને સમાન ગણજે. મનને શાંત રાખજે.
તારે પણ કોઈની સ્તુતિ કે નિંદા કરવી નહિ. સૂર્યનારાયણને આ બાબતમાં ગુરૂ કરજે.
તેઓ જાણે છે કે-સજજન કોણ છે?અને દુર્જન કોણ છે?પણ મોઢેથી કશું બોલતા નથી.
તેમ તું પણ મોઢેથી કશું બોલીશ નહિ.

પછી ઉદ્ધવને ભિક્ષુ-ગીતાનો ઉપદેશ કર્યો. સંસાર મનથી ઉત્પન્ન થાય છે.
મનની કલ્પનાથી જ મન ને સુખ-દુઃખ થાય છે.નિંદ્રામાં જેવું મન થાય તેવું જાગૃતિમાં રહે તો –મુક્તિ છે.
ભિક્ષુએ ગાયું-કે-
મનુષ્ય ને ધન મેળવવામાં,મેળવેલું ધન વધારવામાં,મેળવેલું ધન વાપરવામાં,ધનનું રક્ષણ કરવામાં-
વગેરેમાં પરિશ્રમ,ત્રાસ,ચિંતા વગેરે થાય છે,તેમ છતાં લોકો ધનની પાછળ જ પડે છે,
ધન દરેક રીતે મનુષ્યને ત્રાસ આપે છે છતાં મનુષ્યને વિવેક નથી.

રાજા પુરુરવા અને ઉર્વશીના દૃષ્ટાંત દ્વારા સ્ત્રીના સતત સંગથી મનુષ્ય ની કેવી દશા થાય છે તે બતાવ્યું.
દુષ્ટોની સંગતિથી માણસની અધોગતિ અને સત્સંગથી માણસની ઉર્ધ્વગતિ થાય છે-તે બતાવ્યું.

ઐલગીતામાં આ દેહ કોનો છે?વગેરે ચર્ચા કરી. આ દેહ માંસ,હાડકાંથી ભરેલો અને દુર્ગંધ યુક્ત છે.
આવા દેહના સુખમાં રચ્યો પાચ્યો રહેતો મનુષ્ય કીડા કરતાં પણ હલકો છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE