Dec 25, 2020

ભાગવત રહસ્ય -૪૮૬-(ઉદ્ધવ ને જ્ઞાનોપદેશ)

ઉદ્ધવને સત્સંગનો મહિમા બતાવતાં શ્રીકૃષ્ણ કહે છે કે-જ્ઞાન,ભક્તિ અને વૈરાગ્યમાં આગળ વધેલા હોય એવા મહાપુરુષનો સત્સંગ કર.સંતોના સત્સંગથી મનુષ્ય અને પ્રાણીઓના જીવન પણ સુધરે છે.વૈષ્ણવના ઘરનો પોપટ,પ્રભુનું નામ બોલે છે અને કસાઈના ઘરનો પોપટ ગાળો બોલે છે.કુસંગથી મનુષ્ય બગડે છે.મનુષ્ય સમાજમાં 
રહી મનુષ્ય થવું સહેલું છે,પણ બ્રહ્મ-જ્ઞાની થવું કઠણ છે.

પછી સંસાર-વૃક્ષનું વર્ણન કર્યું છે.
સંસારવૃક્ષના બે બીજ છે.પુણ્ય અને પાપ.અગણિત વાસનાઓ તેનાં મૂળિયાં છે.
ત્રણ ગુણો સત્વ,રજસ અને તમસ તેનાં થડ છે.ઇન્દ્રિયો અને મન તેની ડાળીઓ છે.વિષયોરૂપી રસ છે.
સુખ-દુઃખ તેનાં બે ફળ છે.

વિષયોમાં ફસાયેલો રહેલો ભોગી  છે તે દુઃખ ભોગવે છે,વિવેકી યોગી પરમહંસો સુખ ભોગવે છે.
ઉદ્ધવજી પ્રશ્ન કરે છે કે-મનુષ્યો જાણે છે કે-વિષયો દુઃખ-રૂપ છે,તેમ છતાં તેઓ વિષયો કેમ ભોગવે છે?
વિષયો મનમાં જાય છે કે મન વિષયોમાં જાય છે ?

શ્રીકૃષ્ણ કહે છે કે-આ “રજોગુણી મન” મનુષ્યોને વિષયોમાં ફસાવે છે.
પ્રથમ મન વિષયોમાં જાય છે,તે વિષયોનો આકાર મન ધારણ કરે છે.ને વિષયો મનમાં વિરાજે છે.
એટલે કે મન તે વિષયાકર થાય છે, જે જીવ ને દુઃખ આપે છે,જીવ ને બાંધે છે.
બહારનો  સંસાર દુઃખ આપતો નથી.પણ મનમાં રહેલો સંસાર દુઃખ આપે છે.
સંસાર છોડીને ક્યાં જવાનું? સંસારને છોડવાનો નથી,સંસારને મનમાંથી કાઢવાનો છે.

વિષયોનું ચિંતન બાધક છે,ઈશ્વરનું સ્મરણ ના થાય તો વાંધો નહિ પણ વિષયોનું ચિંતન કરીશ નહિ.
મનને વિષયોમાં જતું અટકાવી,વશ કરી ઈશ્વરમાં સ્થાપીને એકાગ્ર કરવું તે જ યોગ છે.
ઉદ્ધવ,કલ્યાણનાં અનેક સાધનો છે,
કર્મ,યશ,સત્ય,દમ,શમ,ઐશ્વર્ય.યજ્ઞ,તપ,સાન,વ્રત,નિયમ,યમ,વગેરે.પણ સર્વથી શ્રેષ્ઠ છે,ભક્તિ.
યોગ,સાંખ્ય,વિજ્ઞાન (જ્ઞાન-વિજ્ઞાન)ધર્મ,વેદાધ્યયન,તપ,ત્યાગ એ ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે એટલા
સમર્થ નથી જેટલી અનન્ય પ્રેમ-મયી ભક્તિ છે.(૧૧-૧૪-૨૦)
આમ ભક્તિ યોગની મહત્તા બતાવી.તે પછી ધ્યાનયોગની મહત્તા બતાવી.

ઉદ્ધવ,ચિત્તને કોઈ ધારણા કરી કોઈ એક જગ્યાએ કેન્દ્રિત કરવું અને સતત તેને તે જગ્યાએ લાંબા સમય
સુધી ત્યાં ટકાવી રાખવું તેને ધ્યાન કહે છે.ધ્યાન કરતાં કરતાં ધ્યાન કરનાર (ધ્યાતા) ધ્યેય (ઈશ્વર) માં મળી 
જાય છે.ઈશ્વરમાં તન્મય થયેલાને શરીર નું ભાન રહેતું નથી.
પરમાત્માનું ધ્યાન કરતા જેને તન્મયતા થઇ છે તેનામાં પરમાત્માની શક્તિ આવે છે.

ભક્તિથી સિદ્ધિઓ મળે છે,પણ તે સિદ્ધિઓથી દૂર રહેવું.સિદ્ધીનો ઉપયોગ કરવાથી પ્રસિદ્ધિ મળે છે.
તે પછી સાધન બરાબર થઇ શકતું નથી.પ્રભુ ભજનમાં વિક્ષેપ થાય છે.
ગૃહસ્થને માયા જેમ સંસારમાં ફસાવે છે તેમ સાધુઓને માયા સિદ્ધિઓમાં ફસાવે છે.
વ્યર્થ સિદ્ધિઓની પ્રશંસા અને ભાષણો કરાવડાવે છે,
ઉદ્ધવ,વ્યર્થ ભાષણ કરવું નહિ,તું વાણીને તોળીતોળીને બોલજે.સિદ્ધિઓમાં ફસાઈશ નહિ.


      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE