Dec 24, 2020

ભાગવત રહસ્ય -૪૮૫-(ઉદ્ધવ ને જ્ઞાનોપદેશ)

(૧૮) ટીટોડા (કુરર) પક્ષી-પાસેથી-કોઈ વસ્તુનો સંગ્રહ ના કરવાનો બોધ લીધો.
અતિ સંગ્રહથી વિગ્રહ થાય છે.સંગ્રહનો ત્યાગ એ સુખદાયી છે.
(૧૯) બાળક-પાસેથી-નિર્દોષતાનો બોધ લીધો.
(૨૦) કુમારી કન્યા-પાસેથી- એકાંતવાસનો બોધ લીધો.
એક કુમારી કન્યા હતી.બહારગામથી તેનું માગું કરવા પરોણાઓ આવ્યા.ઘરમાં ચોખા નહોતા.તેથી તે ડાંગર ખાંડવા લાગી.ખાંડતા પહેલાં તેણે તેના હાથમાં બંગડીઓ હતી તે  એક –એક બંગડી રાખી બાકીની બધી ઉતારી નાંખી.કારણ કે-જો ખાંડતી વખતે બંગડીઓનો અવાજ થાય અને મહેમાન તે સાંભળે તો તેઓને જાણ થઇ જાય કે આ લોકોના ઘરમાં ચોખા પણ નથી અને તેમની ગરીબી જાહેર થઇ જાય.જો હાથમાં જો એક જ બંગડી હોય તો તેનો અવાજ ક્યાંથી થાય તેમ વસ્તીમાં રહેવાથી,કજિયા-કંકાશ થાય માટે સાધુઓએ એકાંતવાસ કરવો જોઈએ.

(૨૧) લુહાર-બાણ બનાવનાર લુહાર પાસેથી- તન્મયતા તો બોધ લીધો.
એક લુહાર બાણ બનાવતો હતો,અને તે પોતાના કાર્યમાં એટલો મગ્ન થયો હતો કે રાજાની સવારી
વાજ્તે ગાજતે પસાર થઇ ગઈ પણ તેણે કાંઇ ખબર પડી નહિ.ઈશ્વરની આરાધના 
આવી તન્મયતા વગર સિદ્ધ થાય નહી.ધ્યાતા,ધ્યાન અને ધ્યેય એક બને ત્યારે જીવ કૃતાર્થ થાય છે.
(૨૨) સર્પ-પાસેથી એકલા રહેવું અને ફરતા રહેવું એવો બોધ લીધો.
(૨૩)કરોળિયા-પાસેથી –ઈશ્વર કરોળિયાની જેમ માયાથી સૃષ્ટિ રચે છે અને તેનો સંહાર કરે છે 
તેવો બોધ લીધો. કરોળિયો પોતાના મુખમાંથી લાળ ઉત્પન્ન કરી રમત રમે છે,જાળ બનાવે છે.
અને છેલ્લે તે પોતાની લાળ ગળી જાય છે.

(૨૪) ઈયળ-પાસેથી -જો કેવળ ઈશ્વર પર જ મન એકાગ્ર કરવામાં આવે તો 
પોતે ઈશ્વર-રૂપ બની જાય છે તેવો બોધ લીધો.
ભમરી ઈયળને પકડી લાવી દરમાં પૂરે છે અને વારંવાર ઈયળને ડંખ મારે છે.ને દરમાં પુરી બહાર જાય  છે. 
ઈયળને ભમરીનો ડર લાગે છે કે હમણાં ભમરી ફરી આવશે અને ડંખ મારશે,
આમ ઈયળ ભમરીના ડરથી અને ભમરીનું સતત ચિંતન કરતાં કરતાં અંતે ભમરી બની જાય છે.
અહીં ઈયર મરી ને ભમરી થાય છે તેવું નથી,પણ ભમરીનું ચિંતન કરતાં તે ભમરી બની જાય છે.
તેમ જીવ પણ અનેક દુઃખો સહન કરતા ઈશ્વરનું સતત ધ્યાન રાખે તો,તે ઈશ્વર ના સ્વ-રૂપ ને પ્રાપ્ત થાય છે.
મન વિષયોનું ચિંતન કરે તો તેમાં ફસાય પણ પ્રભુનું ચિંતન કરે તો મન પ્રભુમાં મળી જાય છે.

યદુરાજા,ગુરૂ દત્તાત્રેયના ચરણો માં સાષ્ટાંગ પ્રણામ કરે છે.

તે પછી શ્રીકૃષ્ણ ઉદ્ધવ ને બંધન અને મોક્ષ નું સ્વરૂપ સમજાવે છે.
બંધન અને મોક્ષ એ મનના ધર્મો છે.
હે ઉદ્ધવ,આ જીવ મારો જ અંશ છે,તેમ છતાં અવિદ્યાથી (અજ્ઞાનથી) તેને બંધન થાય છે.
અને જ્ઞાનથી મોક્ષ.આત્મા તો સદા મુક્ત જ છે.
આત્મ-જ્ઞાન વગરના બંધાયેલા છે અને આત્મ-જ્ઞાનવાળા તો સદા  મુક્ત છે
જે પુરુષની પ્રાણ,ઇન્દ્રિય,મન તથા બુદ્ધિ ની વૃત્તિઓ સંકલ્પ રહિત થયેલી હોય છે.
તે દેહમાં રહેલો હોવા છતાં,દેહના ગુણોથી મુક્ત જ છે.દેહ-સંબંધ છૂટે ત્યારે બ્રહ્મ-સંબંધ થાય છે.

તે પછી શ્રીકૃષ્ણે ઉદ્ધવને સાધુ-પુરુષોના લક્ષણો બતાવ્યા,ભક્તિના લક્ષણો બતાવ્યાં.
સત્સંગનો મહિમા વર્ણવ્યો.વૃત્રાસુર,પ્રહલાદ,બલિરાજ,વિભીષણ,સુગ્રીવ,હનુમાન,કુબ્જા,
વ્રજની ગોપીઓ –વગેરે સત્સંગથી જ પ્રભુને પ્રાપ્ત કરી શક્યા હતા.
તેઓ વેદો જાણતા નહોતા,કે કોઈ વ્રત કે તપશ્ચર્યા કરી નહોતી પણ સત્સંગના પ્રતાપે પ્રભુને પામ્યા.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE