Dec 4, 2013

Gujarati-Gita-Bhagvad Gita--As It Is-1-Arjun Vishad Yog

ગીતા-ભગવદગીતા-તેના મૂળ રૂપે-ગુજરાતી--
અધ્યાય-૧-અર્જુન વિષાદ યોગ



ધૃતરાષ્ટ્ર બોલ્યા -
હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધની ઇચ્છાથી એકત્ર થયેલા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું ? (૧)


સંજય બોલ્યા -
હે રાજન, પાંડવોની સેનાને જોઇને રાજા દુર્યોધન દ્રોણાચાર્યની પાસે જઇને બોલ્યા. (૨)


હે આચાર્ય, આપના શિષ્ય દ્રુપદપુત્ર ધૃષ્ટદ્યુમ્ન દ્વારા ગોઠવાયેલી પાંડવોની આ વિશાળ સેનાને જુઓ. (૩)


એમાં ભીમ અને અર્જુનના સમાન યુયુધાન (સાત્યકિ), રાજા વિરાટ,  મહારાજા દ્રુપદ, 
ધૃષ્ટકેતુ, ચેકિતાન, કાશીરાજ, પુરુજિત, કુંતીભોજ તથા નરશ્રેષ્ઠ શૈબ્ય 
જેવા કેટલાય પરાક્રમી શૂરવીર યોદ્ધાઓ છે.(૪-૫)


પાંડવોની સેનામાં વિક્રાન્ત, યુધામન્યુ, વીર્યવાન ઉત્તમૌજા, સુભદ્રાપુત્ર અભિમન્યુ 
તથા દ્રૌપદીના પુત્રો - એ બધા મહારથીઓનો સમાવેશ થાય છે. (૬)


હવે હે દ્વિજોત્તમ, આપણી સેનાના યોદ્ધાઓ વિશે હું તમને કહું. 
આપણી સેનામાં તમારા ઉપરાંત પિતામહ ભીષ્મ, કર્ણ, કૃપાચાર્ય, અશ્વત્થામા, 
વિકર્ણ અને સૌમદત્ત જેવા મહાન યોદ્ધાઓ છે.
એમના સિવાય આપણી સેનામાં યુદ્ધકળામાં નિપુણ હોય, 
શસ્ત્રાસ્ત્રવિદ્યામાં માહિર હોય એવા અનેક યોદ્ધાઓ છે, 
જેઓ મારે માટે પોતાના જાનની બાજી લગાવવા તૈયાર છે. (૭-૮-૯)


પિતામહ ભીષ્મ દ્વારા રક્ષાયેલ આપણી સેનાનું બળ અસીમ અને અખૂટ છે,
જયારે આપણી સાથેની તુલનામાં,
ભીમ દ્વારા રક્ષાયેલી પાંડવોની સેનાનું બળ સીમિત છે. (૧૦)


એથી સર્વ યોદ્ધાઓ, પોતપોતાના નિયુક્ત કરેલ સ્થાન પર રહી
સર્વ પ્રકારે આપણા સેનાપતિ એવા પિતામહ ભીષ્મની રક્ષા કરો. (૧૧)


તે સમયે વરિષ્ટ કુરુ એવા પિતામહ ભીષ્મે જોરથી સિંહનાદ કર્યો અને શંખનાદ કર્યો, 
જેથી દુર્યોધનના હૃદયમાં હર્ષની લાગણી થઈ. 
તે પછી અનેક મહારથીઓએ પોતાના શંખ, નગારા, ઢોલ વગેરે વગાડ્યા. (૧૨-૧૩)


એ બધાના સ્વરોથી વાતાવરણમાં ભયાનક નાદ થયો. 
એ સમયે સફેદ ઘોડાઓથી શોભતા ભવ્ય રથમાં વિરાજમાન 
ભગવાન શ્રીકૃષ્ણ અને પાંડુપુત્ર અર્જુને પોતપોતાના શંખ વગાડ્યા. (૧૪)


ભગવાન ઋષિકેશે (શ્રી કૃષ્ણે) પાંચજન્ય શંખ વગાડ્યો અને 
ધનંજય (અર્જુને) દેવદત્ત શંખ વગાડ્યો.
ભીમે પોતાનો પૌડ્રક નામના શંખનો ધ્વનિ કર્યો.(શંખ વગાડ્યો)  (૧૫)


કુંતીપુત્ર મહારાજા યુધિષ્ઠિરે પોતાના અનંતવિજય નામના શંખનો,
નકુલે સુઘોષ અને સહદેવે મણિપુષ્પક નામના શંખનો ધ્વનિ કર્યો. (શંખ વગાડ્યો)  (૧૬)


ધનુર્ધર કાશિરાજ, મહારથી શિખંડી, ધૃષ્ટદ્યુમ્ન્ય, વિરાટરાજ, અજેય એવા 
સાત્યકિ, મહારાજા દ્રુપદ, અભિમન્યુ તથા 
દ્રૌપદીના અન્ય પુત્રોએ પોતપોતાના શંખોનો ધ્વનિ કર્યો. (૧૭-૧૮)


શંખોના મહાધ્વનિથી આકાશ અને ધરા પર મોટો શોર થયો.
એ સાંભળીને ધૃતરાષ્ટ્રના પુત્રોના (કૌરવોના) હૃદયમાં જાણે હલચલ થઈ. (૧૯)


અર્જુને, કે જેના રથ પર હનુમાનજી વિરાજમાન હતા,
તેણે પોતાનું ગાંડિવ (ધનુષ્ય) તૈયાર કરી ભગવાન ઋષિકેશને કહ્યું.(૨૦)


હે અચ્યુત (હે કૃષ્ણ), મારો રથ બંને સેનાઓની મધ્યમાં લઈ ચાલો
જેથી હું બંને પક્ષના યોદ્ધાઓને સારી પેઠે જોઈ શકું.
મારે જોવું છે કે દુર્બુદ્ધિથી ભરેલ દુર્યોધનનો સાથ આપવા માટે યુદ્ધભૂમિમાં 
કયા કયા યોદ્ધાઓ ભેગા થયા છે.અને કોની સાથે મારે યુદ્ધ કરવાનું છે? (૨૧-૨૨-૨૩)


સંજય કહે છે-હે ભારત (ધૃતરાષ્ટ્ર), ગુડાકેશ (અર્જુન)ના વચનો સાંભળી
ભગવાન ઋષિકેશે એમનો રથ બંને સેનાની મધ્યમાં લાવીને ઊભો રાખ્યો.
રથ જ્યારે પિતામહ ભીષ્મ, આચાર્ય દ્રોણ તથા અન્ય પ્રમુખ યોદ્ધાઓની સામે 
આવીને ઊભો રહ્યો ત્યારે
ભગવાન કૃષ્ણે અર્જુનને કહ્યું, 
અર્જુન, વિપક્ષમાં યુદ્ધ માટે તૈયાર થયેલા યોદ્ધાઓને બરાબર જોઈ લે. (૨૪-૨૫)


પાર્થે બંને સેનાઓનું નિરીક્ષણ કર્યું તો એમાં પોતાના પિતરાઈ ભાઈઓ, પિતામહ, 
આચાર્ય, મામા, પુત્ર, પૌત્રો, મિત્રો, સ્નેહીજનો તથા હિતચિંતકોને ઊભેલા જોયા. (૨૬)


એ બધા ને જોઈને અર્જુનનું મન ઉદ્વિગ્ન થઈ ગયું. 
વિષાદથી ભરેલ મને એણે, ભગવાન કૃષ્ણને કહ્યું,(૨૭)


હે કૃષ્ણ, યુદ્ધ ભૂમિમાં હું સગાં સંબંધી અને હિતેચ્છુઓને લડવા માટે તત્પર ઊભેલા જોઈ રહ્યો છું.
એમની સાથે યુદ્ધ કરવાની માત્ર-કલ્પના કરતાં જ,
મારાં અંગ ઠંડા પડી રહ્યા છે, મારું મોં સુકાઈ રહ્યું છે,
મારું શરીર અને અંગેઅંગ કાંપી રહ્યા છે.
મારા હાથમાંથી ગાંડીવ જાણે સરકી રહ્યું છે.
મારી ત્વચામાં દાહ થઈ રહ્યો હોય એવું મને લાગે છે.
મારું ચિત્ત ભમી રહ્યું હોય એવું મને લાગે છે અને મારાથી ઊભા પણ રહેવાતું નથી. (૨૮-૩૦)


હે કેશવ, મને અમંગલ લક્ષણો દેખાઈ રહ્યા છે.  
મારા સ્વજન અને હિતેચ્છુઓને મારવામાં મને કોઈ કલ્યાણનું કામ હોય એમ નથી લાગતું,
હે કૃષ્ણ, મને ન તો યુદ્ધમાં વિજય મેળવવાની ઈચ્છા છે,
ન તો રાજ્યગાદી મેળવવાની કે અન્ય સુખોની કામના છે. (૩૧-૩૨)


હે ગોવિંદ, સ્વજનો અને હિતેચ્છુઓને મારીને મળનાર રાજ્ય અને ભોગોને ભોગવીને 
અમારે શું કરવું છે ?
અરે, તેમને હણ્યા પછી અમારા જીવનનો પણ શું અર્થ બાકી રહેશે ?
જેને માટે(મારા ગુરુજન, પિતા, પુત્ર, પૌત્રો, શ્વસુર પક્ષના સગાસંબંધીઓ)  
આ વૈભવ, રાજ્ય અને ભોગની કામના અમે કરીએ છીએ તેઓ સ્વયં આ યુદ્ધભૂમિમાં 
પોતાના પ્રાણોનું બલિદાન આપવા ઊભેલા છે. (૩૩-૩૪)


આ બધાને ત્રિભુવનના (ત્રણે ભુવન ના) રાજ્ય માટે પણ મારવાની કલ્પના હું કરી શકું એમ નથી
તો ધરતીના ટુકડા માટે એમને શા માટે મારવા ? ભલેને તેઓ અમને મારી નાખે.(૩૫)


ધૃતરાષ્ટ્રના પુત્રોને મારવાથી અમને શું પ્રસન્નતા મળશે.
હે જનાર્દન, સ્વજનોની હત્યા કરવાથી તો કેવળ પાપ જ મળશે.
એટલે એમને મારવા ઉચિત નથી. એમને મારી ને હું કેવી રીતે સુખી થઈશ?  (૩૬-૩૭)


હે માધવ, એમની (દુર્યોધન અને કૌરવોની) મતિ તો રાજ્યના લોભથી ભ્રષ્ટ થઈ ગઈ છે.
પોતાના કુળનો વિનાશ કરવામાં તથા મિત્રોનો દ્રોહ કરવામાં એમને
કોઈ પણ પ્રકારનો ક્ષોભ થતો નથી.(૩૮)


પરંતુ હે જનાર્દન, અમે અમારા કુળનો વિનાશ શા માટે થવા દઈએ.
એવું ઘોર પાતકનું કામ કરવામાં અમે શા માટે પ્રવૃત્ત થઈએ.
કુળનો વિનાશ થતાં કુળધર્મોનો નાશ થાય છે. 
અને કુળધર્મનો નાશ થતાં અધર્મ વ્યાપે છે. (૩૯-૪૦)


અધર્મ વ્યાપવાથી કુળની સ્ત્રીઓમાં દોષ આવે છે. અને 
હે વાષ્ણેય(કૃષ્ણ), એવું થવાથી વર્ણધર્મ નષ્ટ થઈ જાય છે. 
વર્ણધર્મનો નાશ થતાં વર્ણસંકર પ્રજા ઉત્પન્ન થાય છે. (૪૧)


એવા સંતાનો એમના પિતૃઓનું શ્રાદ્ધ વગેરે કર્મ કરતાં નથી. એથી પિતૃઓની દુર્ગતિ થાય છે.
તેમનો ઉદ્ધાર ન થવાથી તેઓ નરકમાં જાય છે.
કુલધર્મ અને વર્ણધર્મથી નષ્ટ થયેલ એવા મનુષ્યને અનિશ્ચિત સમય સુધી 
નરકમાં વાસ કરવો પડે છે, એવું મેં સાંભળ્યું છે. એથી
હે કેશવ, મને સમજાતું નથી કે અમે આવું પાપકર્મ કરવા માટે 
શા માટે અહીં ઉપસ્થિત થયા છીએ?
રાજ્ય અને સુખ મેળવવા માટે 
અમારા જ સ્વજનોને હણવા માટે અમે કેમ વ્યાકુળ બન્યા છીએ ? (૪૨-૪૫)


મને લાગે છે કે યુદ્ધ કરવા કરતાં તો બહેતર છે કે
હું શસ્ત્રોનો ત્યાગ કરી દઉં. 
ભલે ધૃતરાષ્ટ્રના પુત્રો મને નિઃશસ્ત્ર અવસ્થામાં યુદ્ધભૂમિમાં મારી નાખે. (૪૬)


સંજય કહે છે
એમ કહીને ઉદ્વિગ્ન મનથી ભરેલ અર્જુન 
પોતાના ગાંડિવનો પરિત્યાગ કરીને રથમાં પાછળ બેસી ગયો.(૪૭)


અધ્યાય -૧ -અર્જુન વિષાદ યોગ-સમાપ્ત


      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE