Jul 1, 2021

Gujarati-Ramayan-Rahasya-04-ગુજરાતી-રામાયણ-રહસ્ય-04

ઘણા મહાત્માઓ કહે છે કે-પરમાત્મા અંશી છે અને જીવ ઈશ્વરનો અંશ છે.
સોનાની લગડીનો ટુકડો જેમ સોનું જ છે,તેમ પૂર્ણ આનંદ ઈશ્વર (અંશી) નો અંશ પણ આનંદ સ્વ-રૂપ જ છે.
જેમ, જળનો સહજ ગુણ શીતળતા છે,જેમ,અગ્નિનો સહજ ગુણ  ઉષ્ણતા છે,
તેમ,જીવનો સહજ ગુણ આનંદ છે.પણ અવિદ્યા (અજ્ઞાન-માયા) રૂપી પડળ ફરી વળતાં જીવ તે વાત ભૂલી ગયો છે.તેને પોતાના સ્વ-રૂપનું વિસ્મરણ થયું છે.
જીવને આ ભૂલી ગયેલી વાતનું સ્મરણ થાય તેને માટે હરિકથા અને હરિનામનો આશ્રય લેવાનો છે.

સમુદ્રને તરવા માટે જેવી રીતે નૌકા છે,તેમ આ સંસાર સમુદ્રને તરવાની નૌકા હરિકથા-હરિનામ છે.
વાલ્મીકિજીએ આપણા પર દયા કરી આ હરિકથા-રામકથા –રૂપી નૌકાનું દાન કર્યું છે.

આનંદ-એ જો પરમાત્માનું સહજ સ્વરૂપ છે,તો આત્મા (જીવ)નું પણ એ જ સ્વરૂપ કહી શકાય.
'સુખ-દુઃખ એ આત્માના ધર્મ નથી.આત્મા એ સુખ-દુઃખથી લેપાતો નથી'
જે આ સાચી રીતે સમજે છે તે,સુખ-દુઃખને અસ્વાભાવિક સમજી તેની અસરથી દૂર રહે છે.

સુખ અને દુઃખ નિત્ય ટકતું નથી,બંને અનિત્ય અને ક્ષણભંગુર છે.નિત્ય એ માત્ર પરમાત્માનો સહજ-સ્વાભાવિક આનંદ છે.માટે સુખ-દુઃખની આળપંપાળ કરવી જોઈએ નહિ.જીવ પોતે પણ આનંદ-સ્વ-રૂપ હોવા છતાં પોતાની અંદર આનંદ શોધવાને બદલે, બહાર આનંદ ખોળે છે.એટલે,એ માર ખાય છે,અને આનંદ પામી શકતો નથી.

એક મૂર્ખ માણસ હતો તેની વીંટી ખોવાઈ ગઈ,અને ઘરની બહાર રસ્તામાં વીંટી શોધતો હતો.ત્યાં કોઈકે પૂછ્યું કે-ભાઈ તું શું શોધે છે ?તો પેલો માણસ કહે છે કે-વીંટી શોધું છું.પેલાએ પૂછ્યું કે –શું વીંટી અહીં પડી ગઈ છે?ત્યારે પેલો માણસ કહે છે કે-વીંટી તો ઘરમાં પડી ગઈ છે પણ ઓરડામાં અંધારું છે એટલે અહીં બહાર અજવાળામાં ખોળવા આવ્યો છું.

આવી જ કંઈક વાત જીવની છે. પોતાની અંદર રહેલા આનંદ ને તેની જગ્યાએ ખોળવા ને બદલે તેઆનંદને સંસારમાં ખોળે છે.એને કોઈ પૂછે તો કહે છે કે-“હું સંસારમાં રહું છું એટલે આનંદને સંસારમાં ખોળું છું”પરંતુ સંસારના વિષયો માણસને આનંદ આપતા નથી.સ્ત્રી,ધન,યશ,ઘર,ગાડી-એ કશામાં સાચો આનંદ નથી.
જેમ,જયારે શરીર પર ગલી-પચી કરવામાં આવે તો તે ક્ષણિક આનંદ આપે,માત્ર થોડા સમય માટે,
તેમ સંસારનો આ આ ક્ષણિક આનંદ છે,તે સાચો નથી.

આનંદ માત્ર તેના ઉદ્ગમસ્થાનમાંથી જ મળે.જે વસ્તુ જ્યાં હોય,ત્યાં શોધો તો જ તે મળે.
જ્યાં નથી ત્યાં શોધો તો માથું પછાડી મરો તો યે તે ના મળે.સંસારના વિષયો આનંદ આપતા નથી,
પણ સુખ-દુઃખ આપે છે.જે સુખ આપે તે જ એક દિવસ દુઃખ પણ આપે છે.

જીવ ને આવા નાશવંત સુખની નહિ પણ,સદા ટકે તેવા નિત્ય સુખની –આનંદની ભૂખ છે.એને એવું સુખ 
જોઈએ છે કે જે કદી ખૂટે નહિ કે ખોવાય નહિ.સંસારના વિષયોમાં આનંદ છે એવું ઘડીભર માની લઈએ,
પણ એમ માની લેવાથી કંઈ વળતું નથી.પણ જીવને વારંવાર અનુભવ થાય છે કે-ક્ષણોમાં તે સુખ જતું રહે છે.
અને દુઃખનું આગમન થાય છે.તેમ છતાં જીવ સુધરતો નથી.

PREVIOUS PAGE       INDEX PAGE         NEXT PAGE