Jul 22, 2021

Gujarati-Ramayan-Rahasya-21-ગુજરાતી-રામાયણ-રહસ્ય-21-Baal Kaand-બાલકાંડ




લતા ના સ્વરમાં સુંદર રીતે ગવાયેલી શ્રીરામની સ્તુતિ સાંભળતા સાંભળતા બાલકાંડ વાંચવા ઉપરનાં પ્લેયર પર ક્લિક કરો.
શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન હરણ ભવભય દારૂણમ,નવ કંજ લોચન કંજ મુખ કર, કંજ પદ કંજારૂણમ
કંદર્પ અગણિત અમિત છબી નવ નીલ નીરજ સુંદરમ,પટ પીત માનહુ તડીત રૂચિસુચિ નવમી જનકસુતાવરમ
ભજ દીન બંધુ દિનેશ દાનવ દૈત્ય વંશ નિકંદનમ,રઘુનંદ આનંદ કંદ કૌશલ ચંદ્ર દશરથ નંદનમ
શિર મુકુટ કુંડલ તિલક ચારુ ઉદાર અંગ વિભૂષણમ,આજાન્ ભૂજ શર ચાપ ધર સંગ્રામ જીત ખર દુષણમ
ઈતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિજન રંજનમ,મમ હૃદયકુંજ નિવાસ કુરુ કામાદી ખલ દલ ગંજનમ

xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
બાલકાંડ.


જેમ ભાગવતની સમાધિ ભાષા છે,તેમ રામાયણની પણ સમાધિ ભાષા છે.વાલ્મીકિ સાધારણ કવિ નથી પણ મહર્ષિ અને આર્ષદ્રષ્ટા છે,અને તેમણે રામજીના પ્રાગટ્ય (જન્મ) પહેલાં રામાયણની રચના કરી છે.

વિષ્ણુસહસ્ત્ર નામમાં શ્રીવિષ્ણુ ને “કવિ” એવું એક નામ પણ આપ્યું છે.
વિશ્વેશ્વર વિષ્ણુ વિશ્વના કર્તા,ભર્તા અને હર્તા છે.તેમણે સૃષ્ટિની રચના કરી છે, સૃષ્ટિ એ “કવિ” વિષ્ણુની 
કવિતા છે.ઈશ્વરનું એ કવિત્વ પૃથ્વી પર વાલ્મીકિ,વ્યાસ અને તુલસીદાસમાં આવિર્ભાવ પામ્યું છે.
એટલે રામાયણ અને ભાગવત કથા દિવ્ય છે.એનું સેવન મોક્ષ-દાતા છે.

રામાયણની રચના તમસા નદીને કિનારે થઇ છે કે જ્યાં મહર્ષિ વાલ્મીકિનો આશ્રમ હતો.
રામાયણ એ આદિકાવ્ય છે,વાલ્મીકિ એ આદિકવિ છે,અનુષ્ટુપ એ આદિ છંદ છે.
અનુષ્ટુપનો પહેલો શ્લોક વાલ્મીકિના કંઠમાંથી પ્રગટ થયો છે.

વાલ્મીકિની ચરિત્ર-કથા એ રામનામના મહિમાની કથા છે.રામનામનો એ ચમત્કાર છે.
વાલ્મિકીએ પોતે જ શ્રીરામને એ પ્રમાણે કહ્યું છે કે-“હું તો તમારા નામનો જપ પણ બરાબર કરી શકતો નહોતો,”રામ-રામ” ને બદલે “મરા-મરા” બોલતો હતો,તેમ છતાં તમારા નામના પ્રતાપે હું તરી ગયો,
મહર્ષિ અને કવિ થયો,તમારા “નામ”નો મહિમા હું બરોબર જાણું છું”
આમ વાલ્મીકિજીએ પોતાના જીવન અને જીવન કાર્ય (રામાયણ) દ્વારા રામનામનો મહિમા ગાયો છે.

વાલ્મીકિનો જન્મ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો,તેમનું નામ રત્નાકર હતું.
કુસંગ માં પડી જવાથી તે બ્રાહ્મણ ધર્મ થી વિમુખ થઇ ગયો હતો,તે જીવ-હિંસા,લૂટફાટ કરી પોતાના કુટુંબનું
ભરણ પોષણ કરતો. એકવાર સપ્તર્ષિઓ જંગલમાં થઈને જતા હતા,ત્યાં લૂટારા રત્નાકરે તેમને જોયા અને
તેમનો રસ્તો રોકી કહ્યું કે –તમારી પાસે જે કંઈ હોય તે અબઘડી આપી દો.

ઋષિમુનિઓ ને ક્યાં કોઈ ચીજ પર મમતા હતી?એટલે તેમણે કહ્યું કે-અમારી પાસે જે કંઈ છે તે તારું જ છે,
પણ અમને એક વાત નો જવાબ દે કે તુ શું સારું આમ લૂટફાટ કરે છે?
રત્નાકરે કહ્યું કે-લૂટફાટ કરું નહિ તો ખાઉં શું?ને બૈરી-છોકરાંને ખવડાવું શું?
તે ભૂખે મરી જાય તો મને કેટલું પાપ લાગે ? તેમના માટે હું આ લૂટફાટ (પાપ) કરું છું.
સપ્તર્ષિઓએ કહ્યું કે-ત્યારે તુ પાપમાં સમજે છે તો અમારે તને એ જ પૂછવું કે –
તુ જે આ લૂટફાટનું પાપ કરે છે તે પાપમાં તારી બૈરી-છોકરાંનો ભાગ ખરો?
રત્નાકરે તરતજ કહ્યું કે-ખરો જ ને?મારા પાપનું રળેલું જે ખાય તેમાં જે ખાય તે બધાંનો ભાગ.

ઋષિઓએ કહ્યું કે-તારા ઘરે તારી બૈરી-છોકરાંને તે પૂછી જોયું છે? રત્નાકર કહે છે-હમણાં પૂછી આવું.
રત્નાકર દોડતો ઘેર ગયો અને બૈરી-છોકરાં અને માતપિતા સર્વેને ભેગાં કરી પૂછ્યું કે-
મારા પાપમાં તમારો ભાગ ખરો કે નહિ ? ત્યારે જવાબમાં બધાએ કહ્યું કે-પાપ તો જે કરે તે ભોગવે,
અમે ક્યાં કહીએ છીએ કે તુ પાપ કરી ને અમારું પેટ ભર?

એક તણખો થાય અને દીવો પ્રગટી જાય તેમ રત્નાકરના હૃદયમાં દીવો થઇ ગયો.
એના પૂર્વજન્મના સંસ્કાર એકદમ જાગી ગયા,દોડતો એ ઋષિઓ પાસે પાછો ફર્યો અને તેમને ચરણે પડ્યો.
ઋષિઓએ વિચાર્યું કે શરણે આવ્યો છે એટલે એની યોગ્યતા મુજબ ઉપદેશ આપવો જ પડશે.
એટલે સીધો સાદો ઉપદેશ દઈ દીધો કે-“બેટા,રામ-નામ રટ”

મનુષ્યના ચિત્તમાં પણ અનેક જનમના સંસ્કારોના બીજ પડેલા હોય છે,કોઈ સદભાગી પળે,
કોઈ સંત-મહાત્માની ટકોરથી એ સંસ્કારો જાગૃત થઇ જાય છે.અને ઓચિંતો જ તે બદલાઈ જાય છે,
તેનું આ રહસ્ય છે.યોગ-ભ્રષ્ટ જીવાત્માઓ સહેજ અમથી ટકોર થતાં બધું મૂકીને હાલતા થાય છે.
સમર્થ રામદાસ,લગ્નની ચોરી માં “સાવધાન”: શબ્દ સાંભળી એકદમ સાવધાન થઇ ગયા ને
ત્યાંથી હાલતા થયા. એવાં તો કેટલાંય દૃષ્ટાંતો છે.જે પૂર્વજન્મના સંસ્કારો જાગ્રત થવાનું બતાવે છે.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE