Jul 25, 2021

Gujarati-Ramayan-Rahasya-24-ગુજરાતી-રામાયણ-રહસ્ય-24

સુદામા અને ભગવાન શ્રીકૃષ્ણની બાળપણની મૈત્રી હતી.સુદામાની હાલત ગરીબ હતી.ખાવાના સાંસા હતાં,ઘરમાં બાળકો ભૂખે મરતાં હતાં.સુદામાની પત્નીએ તેમને શ્રીકૃષ્ણને ત્યાં માગવા મોકલ્યા,પણ સુદામા માગવા જવાની ના પાડે છે,પત્ની કહે છે કે- મળવા તો જાઓ.એટલે સુદામા શ્રીકૃષ્ણને મળવા જાય છે.દ્વારિકાનાથનો વૈભવ જોયો પણ તેમણે જીભ કચડી નથી.


સુદામાને લાગ્યું કે મારા દુઃખની અહીં વાત કરીશ તો મારા પ્રભુને દુઃખ થશે.મારું દુઃખ એ મારાં કર્મનું જ ફળ છે.મારે જ તે ભોગવવું જોઈએ.એટલે સુદામાએ પ્રભુ પાસે કંઈ માગ્યું નથી.તેમની તો માત્ર એક જ ઈચ્છા છે કે-મારા પ્રભુ મારા લાવેલા પૌંઆ આરોગે.પૌઆ જ તેમનું સર્વસ્વ છે,અને તેમનું સર્વસ્વ એ પ્રભુને ધરવા આવ્યા છે.ઈશ્વરને જે સર્વસ્વ આપે છે તેને ઈશ્વરનું સર્વસ્વ મળે છે.
જીવ નિષ્કામ બને ત્યારે ઈશ્વર તેની પૂજા કરે છે. જીવ જયારે પોતાનું જીવ-પણું છોડીને ઈશ્વરના દ્વારે જાય છે 
ત્યારે ઈશ્વર પણ પોતાનું ઈશ્વરપણું ભૂલે છે. સુદામા જેવી નિષ્કામ ભક્તિ કરવી જોઈએ.

વાલ્મીકિએ પણ તેવી જ નિષ્કામ ભક્તિ કરી.જે ઘડીએ સંસારની માયાનું ભાન થયું કે સંસાર જોડે છેડો ફાડી નાખ્યો.ને રામનું નામ લઇ બેસી ગયા.રામના નામ સિવાય બીજા કશા વિચાર મનમાં નહિ.
ક્રિયા (કર્મ) પણ એ અને ધર્મ પણ એ.શરીર નું રોમ રોમ રામમય થઇ ગયું.તન,મન હૃદય અને બુદ્ધિ –
બધું રામને સમર્પિત થઇ ગયું.પણ બદલામાં કશું માગ્યું નથી.રાફડો તોડીને વાલ્મીકિને બહાર કાઢવામાં
આવે છે,પાપમાં ડૂબેલો રત્નાકર દિવ્ય તેજ ઝળહળતો મહર્ષિ બનીને પ્રગટ થાય છે.
રામનામનો આ ચમત્કાર જોઈને જગત વિસ્મિત થઇ જાય છે.

મનુષ્ય જો,રામનામ સતત જીભથી રટ્યા કરે તો મન આપોઆપ સાફ થઇ જાય છે,
વાલ્મીકિ એના સાક્ષી છે,અને તુલસીદાસજી એના જામીન છે.
રામનામ મનિદીપ ધરું,જીહ દેહરી દ્વાર,તુલસી ભીતર બાહેરહું.જૌં ચાહસિ ઉજિયાર.
(જો તારે તારી અંદર અને બહાર અજવાળું કરવું હોય તો,તારા મુખ-રૂપી દ્વારના જીભ રૂપી ઉંબરા પર
રામ-નામ રૂપી મણિ-દીપક મૂક)

રામ-નામની અદભૂત શક્તિનું વાલ્મીકિજીએ જગતને દર્શન કરાવ્યું છે,સંતો કહે છે કે-
રામ કરતાં પણ રામનું નામ ચડી જાય છે.નામી કરતાં નામ શ્રેષ્ઠ છે.રામના નામે કરોડો જીવો તરી જાય છે.
મનુષ્યો યે તર્યા છે,દેવો યે તર્યા છે,વાનરો અને રીંછો તર્યા છે,રાક્ષસો તર્યા છે,મિત્ર-શત્રુ પણ તર્યા છે,
અરે! રામના નામે પથ્થરો પણ તર્યા છે.કવિઓએ પથ્થર તરવાના પર સરસ દ્રષ્ટાંતનું વર્ણન કર્યું છે.

લંકા પર ચડાઈ કરવા માટે સમુદ્ર ઓળંગવાનો હતો,એટલે સમુદ્ર પર પુલ બાંધવાનું કામ નલ-નીલ
નામના વાનર (એન્જીનીયર) ને સોંપવામાં આવેલું.વાનરોને રામનામ પર અપૂર્વ શ્રદ્ધા હતી.એટલે
તેમણે પુલ બાંધવાની શિલાઓ પર “રામ” નામ લખ્યું અને તે શિલાઓ સમુદ્રમાં નાંખી.નવાઈની વાત 
એ બની કે,તે શિલાઓ પાણીમાં ડૂબી જવાને બદલે પાણીમાં તરતી રહી.તેથી પુલ બાંધવાનું કામ બહુ
ઝડપથી આગળ વધ્યું.

આ વાત શ્રીરામના જાણવામાં આવી,એટલે તેમણે વિચાર આવ્યો કે મારું નામ લખેલા પથ્થરો જો તરે છે તો,મારા હાથે નાંખેલા પથ્થરો પણ તરવા જોઈએ.અને એ વાતનો અખતરો કરવા તેઓ સમુદ્ર કિનારે આવ્યા અને એક પથ્થર ઉપાડી સમુદ્રમાં નાખ્યો.અને નવાઈની વચ્ચે તે પથ્થર પાણીમાં ડૂબી ગયો.
રામજીએ તેના પછી એક પછી એક બીજા પથ્થર નાખ્યા અને તે પણ ડૂબી ગયા.
રામજી ઉદાસ થઇ ગયા છે.તે વખતે રામની સતત સંભાળ રાખતા હનુમાનજી પ્રગટ થયા.અને રામને
તેમની ઉદાસીનતા નું કારણ પૂછ્યું.રામજીએ પોતાના મનની વાત કરી.
ત્યારે અત્યંત બુદ્ધિશાળી હનુમાનજીએ જવાબ આપ્યો કે-સ્વામી,જેને આપ હાથમાં રાખો,એટલે કે આપ જેને અપનાવો તે જ તરી જાય છે,પણ જેને આપ હાથમાંથી છોડો તેને દુનિયા ની કોઈ શક્તિ તારી શકતી નથી.
તે તો ડૂબી જ જાય ને ? પછી તે ભલે પથરો હોય કે મનુષ્ય.!!

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE