Jul 27, 2021

Gujarati-Ramayan-Rahasya-26-ગુજરાતી-રામાયણ-રહસ્ય-26

મહર્ષિ વાલ્મીકિએ જગતને જપ કેમ કરવો ? અને તપ કેમ કરવું ?તેનું દૃષ્ટાંત દેખાડ્યું છે.
સંત-મહાત્માઓ કહે છે કે-જપ અને ધ્યાન સાથે થવાં જોઈએ.જપ કરવા બેસો ત્યારે જે દેવ કે દેવીનો જપ કરો તેની મૂર્તિ ધ્યાનમાંથી ખસે નહિ તે જોવાનું.
જીભથી હરિનું નામ લેવું,મનથી તે હરિ-નામનું સ્મરણ અને ધ્યાન કરવું,આંખથી હરિના દર્શન કરવાં અને કાનથી તે હરિનામનું શ્રવણ કરવું.આ પ્રમાણે જપ કરવાના.

કેટલાક જપ કરતી વખતે સંસારનું ધ્યાન કરે છે.તે સારું નથી.તે સાચા જપ નથી.
જો કે કંઈ પણ કરેલું સત્કર્મ નિષ્ફળ જતું નથી.અને સત્કર્મ કરનારો કદી પણ દુર્ગતિને પામતો નથી
એવું ગીતાજીમાં ભગવાન કહે છે.પરંતુ જપ વખતે મન ચંચળ બની ભટક્યા કરે તે જપ ના કહેવાય.

જેમ,સ્નાનથી શરીરની શુદ્ધિ થાય છે,દાનથી ધનની શુદ્ધિ થાય છે,તેમ જપ અને ધ્યાનથી મનની શુદ્ધિ થાય છે.

 (ધ્યાનથી કરવામાં આવતી) ઈશ્વરની માનસી સેવા સર્વ શ્રેષ્ઠ માની છે.માનસી સેવામાં એક વસ્તુ 

અતિ મહત્વની છે કે-મનની ધારા તૂટે નહિ અને મન સતત ઈશ્વરમાં પરોવાયેલું રહે.
માનસી સેવામાં એક પૈસાનો પણ ખર્ચો કરવો પડતો નથી.બધું મનથી ધ્યાનમાં કરવાનું છે.
સંતો માનસી સેવાનું વર્ણન કરતાં કહે છે કે-


માનસી સેવાનો ઉત્તમ સમય સવારના ચારથી સાડા-પાંચ સુધીનો છે.
કોઈનું પણ મુખ જોયા પહેલાં તે કરવી જોઈએ.પ્રાતઃકાળમાં ઉઠીને ધ્યાન કરવાનું કે-
હું ગંગાજીને કિનારે બેઠો છું,મનથી જ ગંગામાં સ્નાન કરવાનું,અને મનથી જ લાવવાનું છે તો –
પિત્તળનો શું કામ? ચાંદીના લોટામાં અભિષેક માટે જળ લાવવાનું.
ઠાકોરજી જાગે એટલે તેમને આચમન કરાવવું,પછી મંગળામાં માખણ મિસરી લાવવાં.
શ્રી રામ અને શ્રીકૃષ્ણ બંનેને માખણ-મિસરી બહુ ભાવે છે,બંને માખણ મિસરી આરોગે છે,
પછી ઠાકોરજીને હુંફાળા જળથી સ્નાન કરાવો,શૃંગાર કરો,તિલક કરો,ભોગ ધરો 
અને પછી આર્ત બનીને આરતી ઉતારો.

ઠાકોરજી ને સ્નાન ના કરાવો કે શૃંગાર ના કરો તો પણ ઠાકોરજી તો સુંદર જ છે.પણ શૃંગાર કરવાથી
આપણું બગડેલું મન સુંદર થશે.શૃંગાર વખતે ઈશ્વર પ્રત્યે આપણું મન એવું ઢળી રહે છે કે-પ્રત્યક્ષ દર્શન નો
એક સમાધિ જેવો આનંદ થાય છે.આરતીમાં હૃદય આર્ત બને અને પ્રભુના દર્શનની વ્યાકુળતા વધે
એટલે એક અનોખા આનંદની પ્રાપ્તિ થાય છે.
(ઉપર બતાવેલ માનસી સેવાની જેમ જ પ્રભુજીની મૂર્તિ સેવા સાચે સાચ કરી શકાય)

કળિયુગમાં મનુષ્યનો મોટામાં મોટા આધાર જપ છે.યજ્ઞ-યાગ કરવાનું બધાનું ગજું નથી.અને
યજ્ઞ-યાગ કરવાની બધાને જરૂર પણ નથી.એટલે જ ભગવાને જપયજ્ઞ કરવાની આજ્ઞા કરી છે.
મહાત્માઓ કહે છે કે-રોજ નિયમિત વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો.વિષ્ણુ સહસ્ત્રના ૧૨૦૦ પાઠ કરનારને વિષ્ણુયાગ યજ્ઞ કરવાનું પુણ્ય મળે છે.એ પુણ્યથી મનની વિશુદ્ધિ થાય છે

સમર્થ રામદાસ સ્વામીએ જપ સિદ્ધ કર્યા હતા.તેમણે લખ્યું છે કે-
એક કરોડ જપ કરવાથી શરીરનું આરોગ્ય સુધરે છે,રોગદોષ થતો નથી,
બે કરોડ જપથી દરિદ્રતા ટળે છે,ત્રણ કરોડ જપથી યશ પરાક્રમની પ્રાપ્તિ થાય છે.
ચાર કરોડ જપથી સંસારમાં સુખ શાંતિ મળે છે,પાંચ કરોડ જપથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે,
છ કરોડ જપથી કામ,ક્રોધ લોભ જેવા શત્રુઓનો નાશ થાય છે,સાત કરોડ જપથી દામ્પત્ય મધુર બને છે.
આઠ કરોડ જપથી મૃત્યુ સુધરે છે અને મૃત્યુનો ભય ટળે છે,નવ કરોડ જપથી ઇષ્ટદેવની ઝાંખી થાય છે,
દશ કરોડ જપથી સંચિત કર્મોનો વિનાશ થાય છે,અગિયાર કરોડ જપથી ક્રિયમાણ કર્મોનો નાશ થાય છે,
બાર કરોડ જપથી પ્રારબ્ધ કર્મનો નાશ થાય છે,અને તેર કરોડ જપ કરવા થી પ્રભુનો સાક્ષાત્કાર થાય છે.


PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE