More Labels

Nov 22, 2018

Gujarati-Ramayan-Rahasya-29-ગુજરાતી-રામાયણ-રહસ્ય-29

શ્રીરામચરિત્રની કથા સંભળાવી, પુરી કરીને નારદજી તેમના પંથે ગયા,
તે પછી મહર્ષિ વાલ્મીકિ મધ્યાહ્ન કર્મ કરવા માટે,તમસા નદીને કિનારે ગયા,ત્યાં તેમની નજર એક ક્રૌંચ પક્ષીના જોડા પર પડી,અને એ જ વખતે પારધીના તીરથી નર પંખીની હત્યા થતી જોઈ,ક્રૌંચ તરફડીને નીચે પડ્યો, ક્રૌંચી કરુણ સ્વરે વિલાપ કરવા લાગી,એની આવી દયાજનક હાલત જોઈ,મહર્ષિના ચિત્તને અત્યંત દુઃખ થયું,અને તેમના મુખથી બોલાઈ ગયું,
મા નિષાદ,પ્રતિષ્ઠા ત્વમગમઃશાશ્વતી સમાઃ યત્ક્રૌંચમિથુનાદેકમવધી: કામ મોહિતમ.
(હે,નિષાદ (પારધી) તેં કામશક્ત ક્રૌંચને મારીને તેમની જોડીને તોડી ને મહાપાપ કર્યું છે,માટે
તુ પણ લાંબો કાળ પૃથ્વી પર નહિ રહે,(તુ લાંબુ જીવશે નહિ)


વાલ્મીકિના મુખમાંથી આ પહેલો જ અનુષ્ટુપ છંદ બોલાયો,
મુનિને થયું કે આઠ અક્ષરવાળા ચાર ચરણથી રચાયેલો છંદ –વીણા,મૃદંગ-વગેરે સાથે ગાવા યોગ્ય છે,
પણ પંખીના શોકની પીડા થી મારા મુખમાંથી આ કેવું વચન નીકળી ગયું? અરે રે ..મોટો અપજશ
આપે તેવું કાર્ય મારાથી થઇ ગયું.મારા તપનો નાશ કરે એવું મારાથી આ શું બોલાઈ ગયું?

મહર્ષિના શોકનો પાર રહ્યો નહિ.તપસ્વી મનુષ્ય પળે પળે કેવો જાગૃત હોય છે અને પોતાની પળેપળનો કેવો હિસાબ રાખતો હોય છે,તેનું આ દ્રષ્ટાંત છે.
ગીતામાં કહ્યું છે કે-બીજાઓ જયારે ઊંઘતા હોય છે ત્યારે તપસ્વી યોગી જાગતો હોય છે.
એનો અર્થ એવો પણ કરી શકાય કે યોગી કાયમ માટે જાગતો હોય છે,એક પળ પણ અજાગૃત હોતો નથી.

મહર્ષિ વાલ્મીકિ પણ આવા પળેપળના જાગૃત છે,એમને પશ્ચાતાપ કરવાનો પ્રશ્ન થતો જ નથી,પણ,
જગતના જીવોના ઉદ્ધાર અને સુખ માટે પ્રભુ એમની પાસે કોઈ મહાન કાર્ય કરાવવા માગતા હશે એનો
આ પ્રારંભ છે.તમસા નદીમાં સ્નાન કરી મધ્યાહ્ન કર્મ પતાવી,વાલ્મીકિ આશ્રમમાં આવ્યા,
હવે તેમના મનમાં વિચારો ઘોળાય છે કે શાપ દેવા માટે બોલાયેલો અને અપયશ આપનારો આ શ્લોક
યશ દેનારો કેવી રીતે બને?

એટલામાં બ્રહ્માજીનું ત્યાં આગમન થયું,મહર્ષિએ તેમનો સત્કાર કર્યો,અને પોતાની મનોવ્યથા કહી.
બ્રહ્માજી એ કહ્યું,કે-હે,મહર્ષિ,આ શ્લોક તમને યશ દેનારો જ થશે,એ વિષે શંકા નથી,તમે નારદજીના
મુખેથી જે શ્રી રામનું ચરિત્ર સાંભળ્યું છે,એ ચરિત્રનું તમે કાવ્યમાં વર્ણન કરો.
તમે સત્યના હામી છો,તમારી વાણી અસત્ય થશે નહિ,આ પૃથ્વી પર જ્યાં સુધી નદીઓ અને પહાડો રહેશે
ત્યાં સુધી તમારી રચેલી રામકથા લોકો માં પ્રચાર પામશે.

આટલું કહી બ્રહ્માજી ચાલી ગયા,વાલ્મીકિજી એ મનમાં સંકલ્પ કર્યો કે-
આ અનુષ્ટુપ છંદમાં જ હું આખું રામાયણ રચીશ.
આવો વિચાર કરીને મહર્ષિ પૂર્વ દિશાતરફ મુખ કરી દર્ભાસન પર બેઠા અને પોતાના યોગ-સામર્થ્ય વડે
શ્રીરામચંદ્રના ગુપ્ત તેમજ પ્રગટ ચરિત્રનો વિચાર કરવા લાગ્યા.એમણે સમાધિમાં જ શ્રીરામનાં બધાં
ચરિત્રો દેખાયાં અને રામાયણનું સર્જન થયું.
વાલ્મીકિ એ રચેલા આ રામાયણમાં ચોવીશ હજાર શ્લોકો,પાંચસો સર્ગ છે,અને સાત કાંડ છે.
(રામજી ના પ્રાગટ્ય પહેલાં રામાયણ ની રચના થઇ છે!!)

રામાયણની કથા કરુણરસ પ્રધાન છે,બાલકાંડ સિવાયના બધા કાંડો કરુણરસ પ્રધાન છે.
ક્રૌંચપંખીના વધનો કરુણ પ્રસંગ સમગ્ર રામાયણના કરુણરસ નો પ્રતિક બની ગયો.
વાલ્મીકિજીને પોતાને પણ આ કરુણરસની અસર થઇ છે,એટલે પછીથી તેમણે “આનંદ-રામાયણ” ની
રચના કરી છે,કે જેમાં પ્રત્યેક કાંડની જુદી જુદી ફલશ્રુતિ આપી છે.


શ્રી રામાયણ એ શ્રી રામનું નામ-સ્વરૂપ છે.
રામાયણના એક એક કાંડ એ રામજીનું એક એક અંગ (અંગ નું નામ) છે.
બાલકાંડ શ્રીરામનાં ચરણ છે,અયોધ્યાકાંડ શ્રીરામના સાથળ છે,અરણ્યકાંડ એ શ્રીરામનું ઉદર છે,
કિષ્કિંધાકાંડ એ શ્રીરામનું હૃદય છે,સુંદરકાંડ એ શ્રીરામનો કંઠ છે,લંકાકાંડ એ શ્રીરામનું મુખ છે,અને
ઉત્તરકાંડ એ શ્રીરામનું મસ્તક છે.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE