More Labels

Nov 21, 2018

Gujarati-Ramayan-Rahasya-28-ગુજરાતી-રામાયણ-રહસ્ય-28

ભગવાન કહે છે કે-હું સદાકાળ ભક્તને આધીન છું.ભક્તની રક્ષા કાજે,રામ તરીકે ધનુષ્યબાણ લઈને ખડો છું,શ્રીકૃષ્ણ તરીકે સુદર્શન ચક્ર લઈને ખડો છું,અને શંકર તરીકે ત્રિશુળ લઈને ઉભો છું,મારા ભક્તને ભય નથી,મારા ભક્તને નાશ નથી.

સંસાર એ તો ખોટ નો ધંધો છે.અનેક જન્મો ગયા પણ ભવની ચક્કીમાંથી છૂટાયું નથી.એકવાર ખોટનો ધંધો કર્યો,બેવાર કર્યો,દશવાર કર્યો-તો યે શાન આવતી નથી.જે ડાહ્યો મનુષ્ય હોય તે ખોટનો ધંધો ના કરે.પણ રામ નામનો વેપાર કરે,કે એ ધંધો એવો છે કે તેમાં નફો જ નફો છે.જેની પ્રાપ્તિથી બધું જ પ્રાપ્ત થઇ જાય તેવો નફો છે.પછી કશું મેળવવાનું બાકી રહેતું નથી.એ ધંધાનો આનંદ એ ધંધાનું માધુર્ય એવું છે કે-એ આનંદનો કોઈ જોટો નથી અને તે માધુર્યનો કોઈ અંત નથી.


શ્રી હરિ ના માધુર્યનો જેણે એકવાર સ્વાદ લીધો તે ફરી ફરી તેની જ માગણી કરે છે.
ભાગવતમાં પૃથુરાજા પર ભગવાન પ્રસન્ન થઇ ને કહે છે કે-માગ માગે તે આપું.
રાજા કહે છે કે-પ્રભુ હું શું માગું?મોક્ષ માગું તો ત્યાં પછી ભક્તો ના મુખે થી આપની કથા સાંભળવાનો
લાભ ક્યાંથી પામું?એટલે મને દશ હજાર કાન આપો,કે જેથી હું આપની લીલાનું અને કથાનું ગાન
નિરાંતે સાંભળ્યા જ કરું.મને તે સિવાય તૃપ્તિ થતી નથી.

પૃથુરાજા ને બે કાનથી પ્રભુના ગાન સાંભળવામાં તૃપ્તિ થતી નથી,એને દશ હજાર કાન જોઈએ છે,
જયારે રાવણને વીસ કાન હતા,તો યે એ રામનો એકે ગુણ ગ્રહણ કરી શક્યો નહિ.
જેને સાંભળવું હોય તો બે કાન પણ પૂરતા છે પણ અહીં આગળ પૃથુરાજાની પ્રભુનામની પ્રીતિ બતાવે છે.
રાજાએ દશ હજાર કાનની માગણી કરી તો બીજા એક સંત પુરુષે પોતાના બે કાન અને આંખો લઇ લેવાની
પ્રભુ ને પ્રાર્થના કરી.તેઓ કહે છે કે-હે પ્રભુ મને આંધળો કરી દે કે જેથી તારા સિવાય હું બીજું કંઈ જોવા ના પામું, મને બહેરો કરી દે કે જેથી તારા નામ સિવાય બીજું સાંભળવાની પીડામાંથી છૂટી જાઉં.

ભક્તની ઝંખના ઇન્દ્રિયો સહિત સમસ્ત મન અને બુદ્ધિ,અહમને પણ પ્રભુ ચરણમાં ધરી દેવાની છે.
અને તે મન ને જયારે પ્રભુને અર્પણ કરે છે ત્યારે કહે છે કે-
પ્રભુ તમે તો રત્નાકરમાં પોઢનારા,લક્ષ્મી તમારાં ચરણ ની સેવા કરે,તમે તો બ્રહ્માંડના સ્વામી જગદીશ્વર,
તમને તો શાની ખોટ હોય? હા, પણ,એક વાતની તમને ખોટ છે,પેલી નટખટ ગોપીઓએ તમારા મનને હરી લીધું છે,એટલે તમારે મનની જરૂર છે,તેથી હું મારું મન તમને અર્પણ કરું છું,કૃપા કરી તેનો સ્વીકાર કરો.

અને ભક્ત ના મનનો સ્વીકાર કરી ને પ્રભુ કહે છે કે-હવે હું કૃતાર્થ થયો.!!
ભગવાન કાયમ માટે પછી ભક્તના ઋણી થઇ ને રહે છે.!!!

એક વાર નારદજી ફરતા ફરતા મહર્ષિ વાલ્મીકિના આશ્રમમાં આવી ચડ્યા.ત્યારે મહર્ષિએ નારદજીને પ્રશ્ન કર્યો કે-હે મુનિવર, આ ભૂમંડળ પર એવો પુરુષ છે ખરો કે જે-સત્યપ્રતિજ્ઞ હોય,દૃઢવ્રત હોય,ધર્મના રહસ્ય ને જાણનારો હોય,આપત્તિમાં પણ નિયમ નો ત્યાગ નહિ કરનાર હોય,ઉત્તમ ચરિત્ર વાળો હોય,પ્રાણીમાત્રનું હિત કરનારો હોય,આત્મ-અનાત્મને જાણનારો હોય,પ્રજાનું રંજન કરવામાં સમર્થ હોય,કામ-ક્રોધને જીતનારો હોય,મહા સંયમી અને તેજસ્વી હોય,દેવો અને અસુરો પણ જેનાથી યુદ્ધ કરતાં બીવે તેવો મહાપરાક્રમી,ધીર,વીર અને ઉદ્દાત હોય?

મુનિ નારદે આ સાંભળી ને કહ્યું કે-હે મહર્ષિ જેના નામનું રટણ કરી ને તમે આ મહર્ષિ પદ પામ્યા છે,તે શ્રીરામ એવા પુરુષ છે. ઐશ્વર્ય,વીર્ય,યશ,શ્રી,જ્ઞાન અને વૈરાગ્ય –એ છ યે ગુણ એમનામાં મૂર્તિમંત છે.
વાલ્મીકિએ કહ્યું કે- મુનિવર મને શ્રીરામ નું ચરિત્ર કહો.

તે પછી મુનિ નારદે વાલ્મીકિને શ્રીરામ ના ચરિત્રની કથા કહી.
દુર્લભ એવા,નારદજી જેવા વક્તા અને વાલ્મીકિ જેવા શ્રોતા,મળે એટલે કથામાં શું બાકી રહે?
રસનો સાગર ઠલવાયો,આનંદનો ધોધ વહી આવ્યો.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE