Jul 31, 2021

Gujarati-Ramayan-Rahasya-30-ગુજરાતી-રામાયણ-રહસ્ય-30

શ્રી રામાયણ એ રામજીનું નામ-સ્વ-રૂપ હોઈ,જીવ માત્રનો તે ઉદ્ધાર કરે છે,રામજીએ તો અમુક જીવોનો ઉદ્ધાર કરેલો પણ રામાયણે તો ગણ્યા ગણાય નહિ એટલા જીવોનું કલ્યાણ કર્યું છે,કરે છે અને કરશે.તેથી જ રામાયણ એ શ્રેષ્ઠ છે એમ કહેવાય છે.
રામાયણના સાત કાંડ  તુલસીદાસજી એ સાત સોપાન કહ્યા છે.સોપાન એટલે પગથિયું.માનવ જીવનનાં આ સાત પગથિયાં છે.
એક પછી એક પગથિયું ચડાવી  જીવ  તે પ્રભુ ચરણ  લઇ જાય છે.

એકનાથ મહારાજ કહે છે સાત કાંડનાં નામ મૂકવામાં પણ રહસ્ય છે.
બાલકાંડ કહે છે કે-બાળક જેવા બનો,બાળકનું મન નિર્મળ,નિરદંભ,અને સરળ હોય છે.
સંસારની અનેક ભૂલભૂલામણીમાં ભટકતા મનને બાળક જેવા બનાવ્યા વગર શાંતિ મળવાની નથી.
ઉંમર વધે,ધન વધે,લોકમાં પ્રતિષ્ઠા થાય એટલે માણસમાં અહંકાર,દંભ આવે છે અને પ્રભુથી દૂર જાય છે.

તેવે વખતે જો એ મનને બાળક જેવું નિર્દોષ-નિર્મળ રાખી શકે તો જ તે પ્રભુ તરફ આગળ વધી શકે.

અયોધ્યાકાંડ કહે છે કે-જ્યાં યુદ્ધ નથી,વેરઝેર નથી,હિંસા નથી,કલહ નથી,પ્રપંચ નથી,તે અયોધ્યા.
કુટુંબ અને સમાજમાં દરેક નાનાં-મોટા જોડે પ્રેમથી વર્તવાનું તે શીખવે છે.દરેકમાં આત્મા રૂપે રહેલા
પરમાત્માને વંદન કરવાનું અને માન આપવાનું શીખવે છે.મૂર્તિમાં રહેલા ભગવાન આપણું ભલું કરવા
કંઈ જલ્દી આવતા નથી,તેમનામાં સહુ પ્રથમ પ્રયત્ન પૂર્વક ભગવદભાવ સ્થિર કરવો પડે છે.
પણ જો મનુષ્ય હાલતા-ચાલતા-બોલતા –આત્માઓ માં ભગવદભાવ સ્થિર ના કરી શકતો હોય તો તે
મૂર્તિમાં તો ક્યાંથી ભગવદભાવ સ્થિર કરી શકવાનો??

સૃષ્ટિ રચ્યા પછી એક એક પદાર્થમાં ભગવાને પ્રવેશ કર્યો છે.સર્વમાં ઈશ્વર સમાયેલો છે.
શ્રી રામે આ અલૌકિક આદર્શ આપણને બતાવ્યો છે.ભાઈના સુખ માટે હસતા હસતા વનમાં ગયા છે.
શ્રીરામજી કહે છે કે –ભરતને સુખ થતું હોય તો ચૌદ વર્ષ શું હું આખી જિંદગી વનમાં રહેવા તૈયાર છું.
ભરત કહે છે કે-રાજ્ય મોટાભાઈનું છે,હું તો એમનો સેવક છું.
જ્યાં આવી ભાવના હોય ત્યાં કાયમનું અયોધ્યા છે.
જે ઘરમાં કલેશ નથી,કલહ નથી,ઝગડો નથી તે ઘર તીર્થસ્થળ છે,તે અયોધ્યા છે.

અયોધ્યા સરયુ નદીને કિનારે છે.સરયુ એટલે ભક્તિ. ભક્તિનો પ્રવાહ સતત વહેતો રહેવો જોઈએ.
ભક્તિના કિનારાથી ખસાય નહિ.ભક્તિનું સતત સેવન કરવું પડે.
ઘડપણમાં ગોવિંદ ગાશું. એ વાત ખોટી છે.જે આજે કરી શકતા નથી તે ઘડપણમાં થઇ શકવાનું નથી.
અને અંતકાળમાં તો થઇ જ શકવાનું નથી,એટલે જ અંતકાળને સુધારવો હોય તો,
સતત ભક્તિના કિનારે રહેવાનું છે.

રામાયણમાં અયોધ્યાકાંડ સિવાય બીજા બધા કાંડમાં યુદ્ધ આવે છે,બાલકાંડમાં પણ રાક્ષસોનું રામજી સાથે યુદ્ધ થાય છે. જયારે માત્ર અયોધ્યાકાંડમાં કોઈ યુદ્ધ નથી.

અરણ્યકાંડ –નિર્વાસન (વાસના વગરના) થવાનો આદેશ આપે છે.
અરણ્યકાંડ કહે છે કે-વાસનાનો ક્ષય કરો, અને સંયમનું સેવન કરો.નિર્વૈર થયા પછી પણ મનુષ્યને વાસના ત્રાસ આપે છે.વાસનાને ઓળખી તેની સામે લડવાનું છે,ખરી શૂરવીરતા એમાં જ છે.
તપ વગર વાસના દબાતી નથી,તપ વગર જીવન નથી,તપ વગર જીવનમાં દિવ્યતા આવતી નથી.
શ્રીરામને પણ વનમાં જઈને તપશ્ચર્યા કરવી પડી હતી.

તપ એટલે સંયમ.પહેલો સંયમ જીભ પર રાખવાનો છે.રામાયણ અને મહાભારત જીભમાંથી ઉભાં થયા છે.ને આજે પણ ઘેર ઘેર રામાયણ જીભમાંથી જ ઉભાં થાય છે.એ જીભને જરા વધારે લૂલી કરી કે આવી બન્યું!! દ્રૌપદી એ “આંધળાનાં છોકરાં આંધળા” એમ કહ્યું અને મહાભારત રચાયું.

રામજી સીતાજીને લઇને વનમાં રહ્યા છે,પણ વનવાસ દરમિયાન પૂર્ણ સંયમથી રહ્યા છે.
વનવાસ દરમિયાન તેમણે અન્ન લીધું નથી,માત્ર કંદમૂળ અને ફળાહાર લઇને તપ કરે છે.
સન્યાસીની માફક જ કોઈ ધાતુના પાત્રને સ્પર્શ પણ કરતા નથી,નારિયેલની કાછલીમાં પાણી પીએ છે.

મહાપુરુષો પણ અરણ્યમાં રહેતા હતા.મહાપ્રભુજીએ ઉઘાડા પગે આખા ભારતવર્ષની પ્રદિક્ષણા કરી છે.
તેઓ સાથમાં બે વસ્ત્રથી વધારે કશું રાખતા નહોતા.તેઓ ભગવાનની કથા કરતા તો તે પણ વસ્તીમાં નહિ પણ વસ્તીથી દૂર એકાંતમાં કરતા.જીવનમાં તપશ્ચર્યા હશે - તો જ રાવણ એટલે કે કામ મરે.

રામજીને અરણ્યમાં શૂર્પણખા અને શબરી મળે છે.શૂર્પણખા એટલે મોહ.મોહની સામે ભગવાન જોતા નથી,પણ શબરીની સામું જુએ છે.શબરી શુદ્ધ ભક્તિ છે.
એટલેજ કહે છે કે-મોહનાં નાક-કાન કાપી નાખો અને શુદ્ધ ભક્તિને અપનાવો

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE