Aug 11, 2021

Gujarati-Ramayan-Rahasya-40-ગુજરાતી-રામાયણ-રહસ્ય-40

રાવણનો જન્મ પુલસ્ત્યઋષિના નિર્મળ ખાનદાનમાં થયો હતો.
રાવણ,કુંભકર્ણ અને વિભીષણ એ ત્રણે ભાઈઓએ એવી ઉગ્ર તપશ્ચર્યા કરી કે –બ્રહ્માજીએ પ્રસન્ન થઇ,તેમને વરદાન માગવાનું કહ્યું.રાવણે એ વિષે વિચાર કરી જ રાખ્યો હતો.
તેને “કોઈ મારી શકે નહિ” એવું વરદાન જોઈતું હતું.પણ “કોઈ” એટલે કે તેમાં દેવ,દાનવ,યક્ષ,ગંધર્વ,મનુષ્યો અને પ્રાણીઓ પણ આવી જાય.પણ રાવણ તો મનુષ્યો અને પ્રાણીઓ (વાનર)વગેરે ને “કોઈ”માં ગણવા તૈયાર હતો નહિ,તેનું અભિમાન એમ કહેતું હતું કે –મનુષ્યો અને પ્રાણીઓ તો તેને મારી શકે જ નહિ.

એટલે જ “કોઈ મારી શકે નહિ” એવું માગવા તેનું અભિમાન આડે આવતું હતું.
કારણકે જો એવું માગે તો –તે પોતે મનુષ્યો અને પ્રાણીઓ(વાનર)થી બીવે છે એવું જાહેર થાય.અને 
એમાં પોતાનું માન નહિ રહે. એટલે જેવું બ્રહ્માજી એ “માગ,માગ માગે તે આપું.” કહ્યું તેવું જ તેણે કહ્યું કે-
“આપો તો એટલું આપો કે વાનર અને મનુષ્ય એ બે જાતિ સિવાય કોઈથી હું માર્યો મરું નહિ”
'હમ કાહૂ કે મરહિન્ ન મારેન,બાનર મનુજ જોતિ દૂર બારેં'

કુંભકર્ણને જોઈતું હતું ઇન્દ્રાસન.પણ જીભનો લોચો વળી ગયો અને માગ્યું નિંદ્રાસન.
વિભીષણે માગ્યો-ભગવાનના ચરણકમળનો નિર્મળ પ્રેમ.


પછીથી રાવણ મય-દાનવની રૂપવતી પુત્રી મંદોદરીને પરણ્યો.
સમુદ્ર મધ્યમા ત્રિકૂટ પર્વત પર બ્રહ્માજીએ એક કિલ્લો બનાવેલો,તેમાં મણિ જડિત સુવર્ણનો મહેલ હતો.
તે કિલ્લાનું નામ હતું લંકા ગઢ.અને તે યક્ષપતિ કુબેરના કબજામાં હતો,
રાવણે ચડાઈ કરી તે જીતી લીધો અને ત્યાં પોતાની રાજધાની કરી.કુબેરનું પુષ્પક વિમાન પણ તેણે પડાવી લીધું.બ્રહ્માજીના વરદાનને લીધે રાવણને કોઈનો ડર રહ્યો નહોતો,રોજ ને રોજ તેનો લોભ વધતો રહ્યો.
અને એ લોભના કારણે લોકો પર તેના ત્રાસની હદ રહી નહોતી.ન્યાય અને નીતિની તેને કોઈ જ પરવા નહોતી.
”હું કરું તે ન્યાય અને હું કરું તે નીતિ” આ જ એનું સૂત્ર હતું.ચારેકોર તેને રાડ પડાવી હતી.
અને “રડાવે તે રાવણ” એ પોતાનું નામ સાર્થક કર્યું હતું.

એકવાર ગમ્મતમાં તેણે કૈલાશ પર્વત પોતાની ભુજાઓ પર ઉઠાવ્યો હતો.
જપ,તપ,યજ્ઞ,યોગ અને વૈરાગ્યની વાત સાંભળી કે તે મારો-મારો કરતાં પહોંચી જતો 

અને બધું નષ્ટ-ભ્રષ્ટ કરી નાખતો.તેના રાજ્યમાં ધર્મનું ક્યાંય નામોનિશાન રહેવા દીધું નહોતું.
દેવો,દાનવો,ગંધર્વો,યક્ષો,કિન્નરો અને મનુષ્યો –બધા રાવણનું નામ સાંભળી કાંપતા હતા.
કેટલાક દેવોએ તો તેનું દાસત્વ સ્વીકાર્યું હતું.

રાવણ “શરીર” ને જ સર્વસ્વ માનતો હતો.અને સ્વસુખ માટે બીજાને પીડવાનું તેનું સૂત્ર હતું.
કહે છે કે રાવણ ને દશ માથા અને વીસ હાથ હતા.
દશ માથાં એટલે દશ ઇન્દ્રિયો.જેની દશે ઇન્દ્રિયોમાં કામ ભરેલો છે તે રાવણ.
રાવણને મન શરીર-સુખ અને ભોગ જ મહત્વનો હતો.તેના અહંકારનો કોઈ પાર નહોતો.

એક વખત કુબેર ભંડારી શિવજીનાં દર્શન કરવા ગયા.પ્રણામ કરી તેમણે પ્રાર્થના કરી કે –
મારે લાયક કંઈ કામ સેવા ફરમાવો.
શિવજી તો જોગી-બાવા.સ્મશાનની રાખ ચોળીને રહેવાવાળા,તેમને શું જોઈએ?શિવજી સેવા આપવામાં
માને-લેવામાં નહિ.એટલે તેમણે કહ્યું-તેં કહ્યું એમાં બધું આવી ગયું,મારે કશું ના જોઈએ.

પાર્વતીજી તે વખતે જોડે જ બિરાજેલાં હતાં.તેમને થયું કે –કુબેર ભંડારી આટલો આગ્રહ કરે છે તો તેનું
મન રાખવામાં શું વાંધો છે? એટલે તેમણે કહ્યું કે-રહેવા માટે એકાદ મકાન હોય તો સારું.
કુબેરને ક્યાં કશાની ખોટ હતી? એટલે તો તેમણે ધન-કુબેર કે કુબેર ભંડારી કહે છે.
કુબેરે એક ઘરને બદલે સરસ મજાનો સુવર્ણનો મહેલ ખડો કરી દીધો.


PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE