Aug 25, 2021

Gujarati-Ramayan-Rahasya-54-ગુજરાતી-રામાયણ-રહસ્ય-54

શ્રીરામ એ પરબ્રહ્મ છે અને લક્ષ્મણજી એ શબ્દબ્રહ્મ છે.શબ્દબ્રહ્મ અને પરબ્રહ્મ સાથે રહે છે,શ્રીરામની સાથે હંમેશાં લક્ષ્મણજી હોય છે.શબ્દબ્રહ્મ વગર પરબ્રહ્મ પ્રગટ થાય નહિ.વ્યક્તિગત આધ્યાત્મિક કલ્યાણની બાબતમાં વશિષ્ઠજી શ્રીરામના ગુરૂ બન્યા હતા અને આજે સામાજિક કલ્યાણની બાબતે વિશ્વામિત્ર ગુરૂ બન્યા છે.શ્રીરામને તે સમાજ સમક્ષ લઇ જાય છે.અયોધ્યાથી ચાલતાં ચાલતાં છ કોશ દૂર રસ્તામાં ફરીથી સરયુ નદી આવે છે,ત્યાં વિશ્વામિત્રે બંને ભાઈઓને સરયુ ના જળમાંથી આચમન આપી અને તેમને “બલા-અને અતિબલા” નામની બે વિદ્યા આપી કહ્યું કે-આ વિદ્યાના પ્રતાપે તમને તરસ કે ભૂખ પીડશે નહિ,અને તમારી કીર્તિ દિગંતમાં ફેલાશે.

શ્રીરામે આ વિદ્યાઓ ગ્રહણ કરી અને સાંજ થવા આવી હતી,એટલે ઘાસની પથારી કરી ત્રણેયે મુકામ કર્યો.
ક્યાં અયોધ્યાનો રાજમહેલ અને ક્યાં આ ઘાસની પથારી.!!! પણ શ્રી રામને મન બધું સરખું છે.
શ્રીરામના સ્વભાવનો આ પરિચય થતાં વિશ્વામિત્રને આનંદ થયો છે.બાળકમાં આવા ઉત્તમ ગુણો માતાની પાસેથી મળેલા સંસ્કારમાંથી જ આવે છે,અને એટલે જ વિશ્વામિત્ર કહે છે કે-
હે રામ,તમારા જેવા ઉત્તમ સંતાનની માતા કૌશલ્યાને ધન્ય છે.

બીજા દિવસની રાત સરયુ અને ભાગીરથી ગંગાના સંગમ પર આવેલા રુદ્રાશ્રમમાં ગાળી,અને સવારે ત્યાંથી ગંગા નદી ઓળંગી ને તેઓ આગળ ચાલ્યા,ત્યાં આગળ જતાં ભયાનક વન આવ્યું કે જેમાં ચાલવાની પગવાટ પણ નહોતી.એ જોઈ ને રામને નવાઈ લાગી અને તેમણે વિશ્વામિત્ર ને તેનું કારણ પૂછ્યું.
વિશ્વામિત્રે કહ્યું કે –પહેલાં આ પ્રદેશ ધન-ધાન્યથી ભરપૂર હતો,પણ તાડકા નામની રાક્ષસીને લીધે
આવી દશા થઇ છે.તાડકા પૂર્વજન્મમાં યક્ષિણી હતી પણ તેનાં દુરાચરણના લીધે અગસ્ત્ય મુનિનો શાપ
પામીને એ રાક્ષસી બની.એ વિકરાળ રાક્ષસી તાડકા લોકોને બહુ ત્રાસ આપે છે.

એવામાં જ તાડકા જ ત્યાં આવી પહોંચી.રાક્ષસી પણ સ્ત્રી છે અને સ્ત્રી અવધ્ય છે-એટલે રામજી મૂંઝાયા.
ત્યારે વિશ્વામિત્રે કહ્યું કે-પ્રજાનું રક્ષણ કરવું તે રાજપુત્રનો પ્રથમ ધર્મ છે,માટે દયાનો ત્યાગ કરી,
આ દુષ્ટ રાક્ષસીને હણો, તેવી મારી આજ્ઞા છે.
ત્યારે શ્રીરામે કહ્યું કે-આપની આજ્ઞાનો અનાદર નહિ કરવાની પિતાજીની આજ્ઞા છે,એટલે આપની આજ્ઞા 
હું માથે ચડાવું છું.પહેલાં તો તેમણે વિચાર કર્યો કે-તાડકાનાં નાક-કાન છેદીને તેને ભગાડી મુકીશ.
પણ તાડકા જેનું નામ!!તેને ત્રાસ ફેલાવા માંડ્યો.વાલ્મીકિએ તેને હજાર હાથીના જોરવાળી અબળા
કહી છે.છેવટે તેને હણ્યા વગર શ્રીરામનો છૂટકો થયો નહિ.

જેમ શ્રીકૃષ્ણલીલાનો આરંભ પૂતના-વધથી થાય છે તેમ રામ-લીલાનો આરંભ તાડકા-વધથી થાય છે.
પૂતના હો કે તાડકા-રાક્ષસી એટલે વાસના.દહાડે નહિ એટલું તેનું જોર રાતે વધે.એટલે સંધ્યા-કાળ પહેલાં તેને હણવી પડે.દિવસનું અજવાળું છે,એટલે કે વિવેક જાગૃત છે ત્યાં સુધી વાસના-રાક્ષસીને હણી કાઢવાની છે.
આ રાક્ષસી એવી છે કે  જે તેના આશ્રય આપનાર ને જ ભરખી જાય છે.ઇન્દ્રિયોના લાડ લડાવવામાં આવે તો 
એ વકરે છે અને પછી કાબુમાં રહી શકતી નથી. 
માટે જ રામજીની પેઠે વિવેક-રૂપી ધનુષ્ય-બાણ સજ્જ રાખવાં જોઈએ.

રાક્ષસો કંઈ એક બે નથી.ગીતાજીના સોળમાં અધ્યાયમાં આસુરી અને દૈવી સંપત્તિના લક્ષણો બતાવ્યા છે.
એમાં આસુરી સંપત્તિના જે લક્ષણો છે તે રાક્ષસોના લક્ષણો છે.
આસુરી સંપત્તિવાળા મનુષ્યો,પ્રવૃત્તિ કે નિવૃત્તિને સમજતા નથી,શું કરવા જેવું છે કે શું કરવા જેવું નથી તેનો વિવેક તેમને હોતો નથી. તેમને પવિત્રતા,સદાચાર કે સત્યનું ભાન નથી.અને વાસનાઓ ને તૃપ્ત કર્યા સિવાય જિંદગીનો બીજો કોઈ હેતુ નથી તેમ માને છે.દંભ,માન અને મદથી ભરેલા તેઓ,આ જગતમાં કોઈ ઈશ્વર કે જગતનો કર્તા નથી તેવું સમજે છે.લોભ,કામ,ક્રોધ,મોહ,દર્પ અને અસૂયાથી ભરેલા આવા લોકો રાક્ષસો છે એમ ગીતાજી કહે છે.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE