Aug 26, 2021

Gujarati-Ramayan-Rahasya-55-ગુજરાતી-રામાયણ-રહસ્ય-55

શ્રી રામને હાથે તાડકાનો વધ થયો અને તાડકાનો ઉદ્ધાર થયો.
પ્રભુની સામે થનારનો પણ પ્રભુ ઉદ્ધાર કરે છે.ભલે દુષ્ટ હોય પણ વિરોધ-ભાવે પણ તે મનમાં રામજીનું ચિંતન કરતો હોય છે,એટલે પ્રભુ તેનો પણ ઉદ્ધાર કરે છે.
કોઈ પણ ઉપાયે મન પ્રભુમાં પરોવવાનું છે. ભક્તો ભક્તિ-ભાવે અને 
દુષ્ટો વેર ભાવે,મન પ્રભુમાં પરોવે છે.પ્રભુના દરબારમાં સંતનું-ભક્તનું સ્થાન છે તેમ દુષ્ટનું પણ સ્થાન છે.સાધુઓ (ભક્તો)ના પરિત્રાણ (રક્ષણ) કાજે અને દુષ્ટોના વિનાશ માટે પ્રભુ અવતાર ધરે છે.એટલે એમના અવતાર-કાર્ય માટે દુષ્ટોની યે આવશ્યકતા હોય છે.

દુષ્ટતા એ ઈશ્વરથી જુદું બળ (શક્તિ) નથી, કારણકે-વિશ્વમાં,વિશ્વનું પૂર્ણ બળ (શક્તિ) માત્ર પ્રભુનું છે.
(સર્વ સ્થળે માત્ર એક પ્રભુનું અસ્તિત્વ છે-એ મુજબ)અને પ્રભુની લીલા એવી છે કે-અસત્-શક્તિના ધક્કા વગર સત્-શક્તિ આગળ વધતી નથી.એટલે કે એક શક્તિ બીજી શક્તિને આગળ ધકેલે છે.
પણ તેમ છતાં એ ધકેલનાર શક્તિ (આસુરી)જાણે બીજી શક્તિ (દૈવી) ને જાણે રોકતી હોય છે તેવું લાગે છે.

ઉદાહરણ થી આ વાત ને સમજવામાં આવે તો-ગાડીનું પૈડું જો હવામાં જ ગોળ ગોળ ફર્યા કરે તો તે આગળ વધતું નથી.પણ એ જો તે પૈડું જમીનને અડી ને ફરે તો તે આગળ વધે છે.(કારણ જમીનની જોડે ઘર્ષણ થાય છે) અહીં જમીન એ વિરોધ (ઘર્ષણ-યુદ્ધ-આસુરી) છે પણ એ વિરોધથી પ્રગતિ (આગળ જવાની) છે.
અને આમ વિરોધ એ જગતને આગળ વધારનાર શક્તિ છે.

જગતને આગળ વધારવાની યોજના (પ્લાનીંગ)નું ઈશ્વરનું આ પણ એક અંગ છે.
એટલે જ પ્રભુ વિરોધીઓ પર પોતાની કૃપા કરે છે તેમનો ઉદ્ધાર કરે છે.
પ્રભુની સામે લડીને પણ રાવણ પ્રભુનું જ કાર્ય કરે છે,એટલે પ્રભુ તેનો ઉદ્ધાર કરે છે.

તાડકાનો ઉદ્ધાર કર્યા પછી,તે રાત સર્વે એ તે વનમાં જ વિસામો કર્યો,બીજે દિવસે સવારે,
વિશ્વામિત્રે કહ્યું કે-હે રામ હું તમારા પર પ્રસન્ન થયો છું,એટલે આજે હું તમને સર્વ દિવ્ય અસ્ત્રોનું જ્ઞાન આપવા માગું છું.આ દિવ્ય અસ્ત્રો કાયમ તમારે વશ રહેશે, અને જયારે તમે તેને બોલાવશો એટલે તરત જ તમારી સેવામાં હાજર થશે.આમ કહી વિશ્વામિત્રે દેવોને ય દુર્લભ એવાં અસ્ત્રોની વિદ્યા (જ્ઞાન) પ્રદાન કરી.

વિશ્વામિત્ર એક પછી એક મંત્રનો જપ કરવા લાગ્યા,અને તે મંત્ર (અસ્ત્ર)ના દેવતાઓ રામજી
સમક્ષ પ્રગટ થઇ પ્રણામ કરી કહેવા લાગ્યા કે-અમે તમારી સેવામાં છીએ.
રામજી એ પણ તે દિવ્ય અસ્ત્રોને પોતાના હાથ વડે ગ્રહણ કરીને કહ્યું કે-
હે દિવ્ય અસ્ત્રો,તમે હાલ મારા મનમાં સ્થિર થાઓ,જરૂર પડે હું તમને મદદે બોલાવીશ.

અસ્ત્ર-વિદ્યા અને અસ્ત્રોનું દાન કર્યા પછી,વિશ્વામિત્રે રામજીને તે અસ્ત્રો જો છોડેલાં હોય અને તેને
વાળી લેવાં હોય તો તેને કેમ વાળી લેવાં? તે વિદ્યા શીખવી. અને છેવટે શત્રુના અસ્ત્રોનો નાશ
કેવી રીતે કરવો? તે વિદ્યા શીખવી.આ કામ પુરુ થતા તે આગળ વધ્યા અને થોડા વખતમાં સિદ્ધાશ્રમ પહોંચી ગયા,જ્યાં વિશ્વામિત્રજી રહેતા હતા.રામ-લક્ષ્મણના દર્શન કરી ને ઋષિ-મુનિઓને અત્યંત આનંદ થયો.

બીજા જ દિવસથી વિશ્વામિત્રે યજ્ઞની તૈયારી કરવા માંડી,યજ્ઞ છ દિવસ ચાલવાનો હતો,ઋષિ એ છ દિવસનું મૌન ધારણ કર્યું.અને તેટલા વખત સુધી રાત-દિવસ સાવધાન રહી યજ્ઞ નું રક્ષણ કરવાનું કામ તેમણે રામને સોંપ્યું.આજ્ઞા મુજબ રામ-લક્ષ્મણ નિંદ્રાનો ત્યાગ કરી ને યજ્ઞના રક્ષક બની ને યજ્ઞ-મંડપના દ્વારે ખડે પગે
હાથમાં ધનુષ્ય-બાણ લઈને ઉભા છે.

દ્વારિકામાં દ્વારકાનાથ,ડાકોરમાં રણછોડરાય,શ્રીનાથદ્વારામાં શ્રીનાથજી બાવા,પંઢરપુરમાં વિઠ્ઠલ નાથ,અને
તિરુપતિમાં બાલાજી મહારાજ પણ ઉભા છે.પરમાત્મા કહે છે કે-હું મારા ભક્તોને મળવા આતુર થઇને ઉભો છું.પણ મનુષ્યમાં ક્યાં કોઈ ભગવાનને મળવાની આતુરતા છે?!!!

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE