Mar 8, 2014

અપરોક્ષાનુભૂતિ-શંકરાચાર્ય-ગુજરાતી-11

હંમેશાં (સતત) અભ્યાસ કર્યા વિના સત્-ચિત્-સ્વ-રૂપ “આત્મા” (બ્રહ્મ)ની પ્રાપ્તિ થતી નથી, તેથી,
--બ્રહ્મ જાણવા ઇચ્છનારે મોક્ષ માટે લાંબા સમય સુધી નિદિધ્યાસન (આત્મ-ચિંતન) કરવું. (૧૦૧)


(૧) યમ  (૨) નિયમ  (૩) ત્યાગ  (૪) મૌન  (૫) દેશ 
(૬) કાલ  (૭) આસન (૮) મૂલબંધ (૯) દેહની સમતા  (૧૦) દૃષ્ટિની સ્થિરતા 
(૧૧) પ્રાણનો નિરોધ-પ્રાણાયામ  (૧૨) પ્રત્યાહાર  (૧૩)  ધારણા  (૧૪) ધ્યાન  (૧૫) સમાધિ
--આ પંદર અનુક્રમે નિદિધ્યાસન ના અંગો છે.   (૧૦૨-૧૦૩)


“બધું બ્રહ્મ છે” આવી સમજણથી દરેક ઇન્દ્રિય ને કાબુમાં રાખવી,
--એને “યમ” કહ્યો છે.
--મનુષ્યે આનો વારંવાર અભ્યાસ કરવો.  (૧૦૪)


“હું નિઃસંગ,નિરાકાર આત્મા છું” આવા સજાતીય (આત્મા-પરમાત્મા) વિચારો હંમેશાં કરવા,અને
--“હું દેહ છું,આ મારું છે” આવી જાતના માયા-મમતા ના વિજાતીય વિચારો દૂર કરવા,
--એ જ “નિયમ” છે.
--જ્ઞાની મનુષ્યો આ “નિયમ” નું પાલન કરે છે કે જેથી પરમ આનંદ મળે છે (૧૦૫)


ચેતન-સ્વ-રૂપ “આત્મા” નું ધ્યાન કરવાથી આ “જગત” નું સ્વરૂપ ત્યજાય છે,
--એને જ “ત્યાગ” કહે છે.
--આવો ત્યાગ જ મહાપુરુષો ને માન્ય છે,કે જે તુરત જ મોક્ષમય બને છે. (૧૦૬)


મન અને વાણી કે જે “બ્રહ્મ” ને વિષય નહિ કરીને, જેનાથી (જે વડે) પછી ફરે છે,
--તે જ “બ્રહ્મ-રૂપ”  “મૌન”  છે.
--જે મૌન (બ્રહ્મ) યોગીઓ વડે પ્રાપ્ત કરવા યોગ્ય છે,વિવેકી પુરુષે સદા તેનું સેવન કરવું. (૧૦૭)


વાણી કે જે બ્રહ્મને પહોંચી (વર્ણવી) શકતી નથી ,તેથી તે પાછી ફરે છે.
(બ્રહ્મ ને કોણ વર્ણવી શકે?કદાચ સંસાર ને વર્ણવી શકાય,પણ તે બ્રહ્મ તો શબ્દ-રહિત છે.)
--તે “બ્રહ્મ” વિષે શબ્દોથી (વાણીથી) કંઈ કહી શકાય તેમ નથી
--(આથી વાણીએ ચુપ (મૌન) જ રહેવું જોઈએ) (૧૦૮)


આ રીતે,મન અને વાણી –એ બંને ની શાંત સ્થિતિ, એ જ “મૌન”  છે.
--આ મૌન બ્રહ્મ-જ્ઞાનીઓ માટે તો સ્વાભાવિક કહેવાય છે,અને તેથીજ
--અજ્ઞાનીઓ માટે જ તેમણે આ “મૌન” માટે કહ્યું છે. (૧૦૯)


જેમાં આદિ,મધ્ય કે અંતે કોઈ લોક છે જ નહિ,અને જેના વડે આ બધું નિરંતર વ્યાપ્ત છે,
--એ જ (આત્મા-પરમાત્મા-રૂપ) નિર્જન “દેશ”  કહ્યો છે.  (૧૧૦) 

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE