Mar 8, 2014

અપરોક્ષાનુભૂતિ-શંકરાચાર્ય-ગુજરાતી-7

જેમ દ્રષ્ટિના દોષ થી
-આકાશમાં વાદળી રંગ લાગે છે,પાણી ના હોય ત્યાં (સૂર્ય ના તાપ ને કારણે)ઝાંઝવાનાં જળ દેખાય છે,
-અને અંધારામાં ઝાડ નાં ઠૂંઠાંમાં (ભ્રમથી) માણસ દેખાય છે,
તેમ,ચિદાત્મા-“બ્રહ્મ” માં (ભ્રમથી-અજ્ઞાનથી) જગત દેખાય છે (૬૧)
(ખરી રીતે તો જગત છે જ નહિ,જગત મિથ્યા છે)


જેમ, વસ્તી વિનાના સ્થાન માં મન ની ભ્રમણાથી ભૂત દેખાય છે,
-જેમ,ઇન્દ્રજાળવિદ્યાથી ગંધર્વો નું નગર દેખાય છે,અને
-જેમ આંખના રોગ ને કારણે આકાશમાં બે ચંદ્ર દેખાય છે,
તેમ સત્ય-“બ્રહ્મ” માં (ભ્રમથી-અજ્ઞાનથી) જગત દેખાય છે.  (૬૨)
(ખરી રીતે બ્રહ્મ-આત્મા સિવાય બીજું કશું છે જ નહિ)


જેમ પાણી ના મોજાં ના ઉછાળા-રૂપે, પાણી જ ઉછળે છે,અને વાસણના રૂપે તાંબુ જ હોય છે,
--તેમ,બ્રહ્માંડો ના સમૂહ-રૂપે બ્રહ્મ (આત્મા) જ પ્રકાશે છે. (૬૩)
(એટલે બધું બ્રહ્મ જ છે,તે સિવાય બીજું કાંઇ નથી)


જેમ માટી જ “ઘડા” ના નામે દેખાય છે,અને સૂતરના તાર જ  કપડાંના નામે ભાસે છે,
--તેમ (અજ્ઞાનથી) “બ્રહ્મ” પોતે જ “જગત” ના નામે ભાસે છે.
પણ “ઘડા” ના નામ ને બાદ કરીએ તો તે માટી જ છે,”કપડાં” ના નામ ને બાદ કરીએ તો તે સૂતર જ છે,
--તેમ,”જગત” ના નામ ને બાદ કરીએ તો માત્ર “બ્રહ્મ” જ જણાય છે. (૬૪)


જેમ ઘડો એ માટી જ હોવાં છતાં અણસમજુ (અજ્ઞાની) લોકો (તેને તેમ) સમજતા નથી,
--તેમ જગતનો વ્યવહાર”બ્રહ્મ” ની સત્તા થી જ લોકો કરે છે, તેમ છતાં,
--તે અણસમજુ (અજ્ઞાની) લોકો “બ્રહ્મ” ને સમજતા નથી (૬૫)


જેમ “માટી” એ “કારણ” છે,અને “ઘડો” એ કાર્ય છે,
--તેમ “બ્રહ્મ” એ નિત્ય “કારણ” છે અને “જગત” એ “કાર્ય” છે.
--આમ વેદ ની યુક્તિ થી સમજાય છે.(સમજાવવામાં આવે છે)   (૬૬)


જેમ “ઘડા” (કાર્ય) ને તપાસવામાં આવે તો અવશ્ય તેનું “કારણ” એ માટી જ જણાય છે,
--તેમ જગત (કાર્ય) ને જો તપાસવામાં આવે તો કેવળ પ્રકાશમાન “બ્રહ્મ” (કારણ) જ પ્રકાશે છે,
--અને “બ્રહ્મ” સિવાય બીજું કંઈ જણાતું નથી  (૬૭)


જેને “ભ્રમ” થયો હોય તે મનુષ્ય ને દોરડું એ સાપ રૂપે દેખાય છે,પણ,
--ભ્રમ વિનાનો મનુષ્ય,એ દોરડાને દોરડા રૂપે જ જુએ છે,
તેમ,અજ્ઞાની મનુષ્ય ને આત્મા અતિ શુદ્ધ હોવા છતાં “અશુદ્ધ” લાગે છે,પણ,
--જ્ઞાની મનુષ્ય ને તો “આત્મા” (બ્રહ્મ) એ અતિ-શુદ્ધ સ્વ-રૂપે જ જણાય છે.  (૬૮)



જેમ ઘડો એ માટીમય છે,તેમ આ દેહ પણ ચૈતન્ય “બ્રહ્મ”મય જ છે,પણ,
--“આત્મા” અને “અનાત્મા” (દેહ) –આવો વિભાગ વિદ્વાનો અજ્ઞાનીઓ ને સમજાવવા પુરતો જ કરે છે (૬૯)


જેમ,ભ્રાંતિ પામેલાએ દોરડું સાપ-રૂપે માની લીધું,ને છીપ ને રૂપું માની લીધું,
--તેમ,અજ્ઞાની એ જ આત્મા ને દેહ-રૂપે માની લીધો છે. (૭૦)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE