More Labels

Jan 2, 2019

Gujarati-Ramayan-Rahasya-63-ગુજરાતી-રામાયણ-રહસ્ય-63

જનકરાજાના બાગની શોભા જોઈ રામ-લક્ષ્મણ અતિ પ્રસન્ન થયા.બાગમાં એક સરોવર હતું,અને તેના કિનારે શંકર-પાર્વતીનું મંદિર હતું.બંને ભાઈઓ બગીચામાં ફુલ વીણે છે.
એટલામાં બગીચામાં સીતાજી તેમના રોજના નિયમ મુજબ સખીઓની સાથે 
પાર્વતીજીનાં દર્શન કરવા આવ્યા.માતાજીની પૂજા કરી ને પોતાને યોગ્ય વરની માગણી કરી.ત્યાં સીતાજીની એક સખી અતિ આનંદમાં દોડતી આવી,સીતાજીએ તેના હર્ષનું કારણ પૂછ્યું.

ત્યારે સખી કહે છે કે- 'શ્યામ ગૌર કિમી કહૌ બખાની, ગિરા અનયન નાયનું બિનુ બાની'
બે કિશોરો બાગમાં આવ્યા છે,એક શ્યામ છે ને બીજો ગૌર છે,એમનાં દર્શનથી મારું રોમ રોમ પુલકિત થઇ ગયું છે,તેમની સુંદરતાના વખાણ કરવાની મારી વાણીમાં શક્તિ નથી,કારણકે વાણીએ તેમને જોયા નથી,એટલે વાણી લાચાર છે,નેત્રોએ તેમને જોયા છે,પણ તેમને વાણી ના હોવાથી તે લાચાર છે.

આ સાંભળતાની સાથે જ સીતાની પૂર્વની પ્રીતિ જાગૃત થઇ,પિતાએ પણ કહેલું કે વિશ્વામિત્ર જોડે બે રાજકુમાર આવ્યા છે તે આ જ હોવા જોઈએ.તેમના મનમાં પણ શ્રીરામના દર્શન કરવાની ઉત્કંઠા જાગી.
સખીઓની સાથે તે મંદિરમાંથી બહાર આવ્યા અને હરિણીની પેઠે વ્યાકુળ બની આસપાસ જોવા લાગ્યાં.
સીતાજીનાં ઝાંઝરનો અવાજ સાંભળી રામજીએ ચમકીને તે બાજુ જોયું અને તેમની દૃષ્ટિ સીતાજીના
મુખચંદ્ર પર સ્થિર થઇ ગઈ.તુલસીદાસજી કહે છે કે એમના આંખના “પલકારા” બંધ થઇ ગયા.

આંખના “પલકાર” ને “નિમિ” કહે છે.નિમિ કરીને એક રાજા થઇ ગયા કે જે રાજા જનકના પૂર્વજ હતા.
કોઈ ઋષિના શાપથી તે નિમિ રાજાનો દરેક ના “આંખના પલકાર” માં વાસ છે.તેઓ જ દરેકના આંખના પલકારા ચલાવે છે.શ્રીરામે જયારે સીતાજીને જોયાં,ત્યારે તે “નિમિ રાજા” એટલે કે “આંખના પલકારે” એટલે કે રામજીના આંખના “પલકારે” પલકાર છોડી દીધો.કારણકે સીતાજી તેમના કુળની હતી.અને પોતાના કુળની
દીકરી-કન્યાની સાથે રામચંદ્રની પ્રીતિ થતી જોઈ તે દૂર ખસી ગયા !!

આમ પલકારો પણ ના ચાલવાથી,શ્રીરામના નેત્રો ખુલ્લા જ રહી ગયાં અને નિષ્પલક નેત્રે તે સીતાજીને જોઈ રહ્યા.તારા-મૈત્રક રચાયું છે.પૂર્વેની પ્રીત જાગી ઉઠી છે.
રામજી લક્ષ્મણને કહે છે કે-ભાઈ,મારું મન પવિત્ર છે,એ ક્યાંય કુમાર્ગે પગ મુકતું નથી,સ્વપ્નમાં પણ મેં પરસ્ત્રીને જોઈ નથી,પરંતુ આજે મારા મનમાં ક્ષોભ થાય છે,મારું જમણું અંગ ફરકે છે.એનું કારણ શું હશે?

તુલસીદાસજી આ અદભૂત પ્રસંગ નું સુંદર વર્ણન કરતાં કહે છે કે-
જાણે પોતાનો કોઈ ખોવાયેલો ખજાનો જડ્યો હોય એવો રામચંદ્રજીનાં દર્શનથી સીતાજીને હર્ષ થયો.
અને આ ખજાનો ફરીથી ખોવાઈ ના જાય એટલા માટે એને સુરક્ષિત રાખવાનો ચતુર સીતાજીએ તત્કાળ
બંદોબસ્ત પણ કરી દીધો.- 'લોચન મગુ રામ હિ ઉર આની,દીન્હેં પલક કપાટ સયાની'
નેત્રો દ્વારા શ્રીરામને અંતરમાં ઉતારી દઈ સીતાજીએ એકદમ પોતાની પાંપણો રૂપી કમાડ બંધ કરી દીધાં. અને સીતાજી આમ આંખો બંધ કરી શ્રીરામના ધ્યાન માં ડૂબી ગયાં.

ત્યારે એક સખીએ તેમને ભાનમાં આણ્યાં.એટલે સીતાજી વળી પાછાં મંદિરમાં ગયાં,અને પાર્વતીજી ને પગે લાગી પ્રાર્થના કરવા લાગ્યાં.પ્રાર્થનાથી માતાજી પ્રસન્ન થયાં,ને તેમની ડોકની માળા સરકીને સીતાજીના હાથમાં પડી,જાણે માતાજીએ આશીર્વાદ આપ્યા કે-તારી મનોકામના પૂર્ણ થશે.
સીતાજીએ માતાજીની આ માળા પ્રસાદી સમજી પોતાના મસ્તક પર ધારણ કરી.રાજી થઇને ઘેર ગયાં.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE