Sep 5, 2021

Gujarati-Ramayan-Rahasya-64-ગુજરાતી-રામાયણ-રહસ્ય-64

રામ-લક્ષ્મણ ફુલ-તુલસી લઈને વિશ્વામિત્રજી પાસે પાછા આવ્યા.ત્યારે રામજીએ વિશ્વામિત્રને કહ્યું કે-જેનો સ્વયંવર થવાનો છે તે રાજ-કન્યા પણ બગીચામાં આવી હતી.
'સરલ સ્વભાવ,છુઅત છલ નહિ' રામજીનો સ્વભાવ અતિ સરળ છે તેમનામાં લેશમાત્ર કપટ નથી,શ્રીરામની વાત સાંભળી મુનિ મલકાયા અને તેમણે કહ્યું-કે-હું બધું જાણું છું,કે સીતા ત્યાં રોજ આવે છે,એટલે જ મેં તમને ત્યાં મોકલ્યા હતા કે જેથી એ મારા રામને નિહાળે. પછી તેમણે શ્રીરામને આશીર્વાદ આપ્યા કે-તમારા મનોરથો સફળ થાઓ.

સીતાજીને પાર્વતીજીના અને રામજીને સદ-ગુરૂના આશીર્વાદ મળ્યા.
દેવ-દેવી-કે સદ-ગુરૂના આશીર્વાદ વગર કોઈ સત્કર્મ જલ્દી સિદ્ધ થતું નથી.આજે સંસારમાં ધનની ખોટ નથી પણ આશીર્વાદની ખોટ છે.ધન દઈને આશીર્વાદ માગે કે ધન લઈને આશીર્વાદ આપે તેનું કોઈ મુલ્ય નથી.
આશીર્વાદ લેવાના નથી હોતા,આશીર્વાદને ઝીલવાના હોય,આશીર્વાદ દેવાના નથી હોતા,વરસાવવાના હોય છે.
આ લેવડ-દેવડ નો પ્રસંગ નથી,કે કોઈ સોદાનો પ્રસંગ નથી.
એકમાં સમર્પણ-ભાવ વરસે છે,બીજામાં આશિષ-ભાવ વરસે છે.

સીતાજીના પ્રાગટ્યની કથા એવી છે કે-ખેતીની મોસમમાં પહેલાં જનકરાજા હળ ચલાવતા તે પછી જ બીજા ખેડ શરુ કરતા.એકવાર જનકરાજા હળ ચલાવી ભૂમિ ખેડતા હતા,ત્યારે ભૂમિ (પૃથ્વી) માંથી સીતાજી મળી આવ્યા હતાં.હળના ચાસને “સીતા” કહે છે.એટલે જનકરાજાએ તેમનું નામ સીતા રાખ્યું હતું.અને સીતાજીને પોતાની પુત્રી જ માની હતી. આમ જનક રાજાએ સીતાજીના પાલક પિતા હતા.

જનકરાજાના ઘરમાં શિવજીએ આપેલું એક ધનુષ્ય હતું કે જેની રાજા રોજ પૂજા કરતા.
તે ધનુષ્ય એટલું ભારે હતું કે પાંચ હજાર માણસો ભેગા થાય તો જ તે ઊંચકી શકાય.
એક વાર જનક રાજાએ કૌતુક જોયું કે સીતાજી તે ધનુષ્ય ને ડાબા હાથથી ઉઠાવીને રમત રમતાં હતાં.
આ જોઈને જનકરાજા સમજી ગયા કે સીતા મહાશક્તિનો અવતાર છે.તેથી તેમણે પ્રતિજ્ઞા કરેલી કે –
જે કોઈ એ શિવ-ધનુષ્યને ઉપાડી તેની પણછ ચડાવશે –તેની સાથે જ હું સીતાજી ને પરણાવીશ.

અને તે સ્વયંવરનો દિવસ આવી પહોચ્યો.સીતાજીને વરવાની ઈચ્છાથી દેશ દેશના રાજાઓ આ
સ્વયંવરમાં આવ્યા હતા.ને અક્કડ બનીને વિરાજ્યા હતા.મનમાં વિચારતા હતા કે –
નાનકડી છોકરી જો ધનુષ્યને હાથમાં લઇને રમતી હતી તો શું અમે તેની પણછ નહિ ચઢાવી શકીએ?
તે જ વખતે શ્રીરામને લઇને વિશ્વામિત્ર સભા-મંડપમાં આવે છે.

તુલસીદાસજી કહે છે કે-જાકી રહી ભાવના જૈસી,પ્રભુ મૂરતિ તિન્હ દેખી તૈસી.
જેના મનમાં જેવી ભાવના હતી તેને તેવા જ રામ દેખાયા.પ્રભુ તો એક જ છે પણ સહુ સહુને પોતપોતાની મનોભાવના પ્રમાણે શ્રીરામનાં દર્શન થાય છે.વીર રાજા ન શ્રીરામ વીરતાની મૂર્તિ દેખાય છે,કુટિલ રાજાઓને ભીષણ સ્વરૂપે દેખાય છે,વિદ્વાનોને વિરાટ રૂપે,યોગીઓને પરમ તત્વ-રૂપે,ભક્તોને ઇષ્ટદેવ-રૂપે,અને જનકરાજા તથા તેમની રાણીઓને તે પોતાના બાળક-રૂપે દેખાયા.
બધાને લાગ્યું કે શ્રીરામ જ ધનુષ્યને ઉઠાવી શકાશે.

તે પછી સખીઓ મંગળ ગીતો ગાતીગાતી સીતાજીને સભામાં લઇ આવી.સીતાજીને જોતાં જ 
સભા સ્તબ્ધ થઇ ગઈ. તુલસીદાસજી કહે છે કે-સીતાજીની જોડે સરખાવું તેવી સ્ત્રી જગતમાં ક્યાં છે?
જો હું તેમણે સરસ્વતી જોડે સરખાવું તો –સરસ્વતી વાચાળ છે,પાર્વતી જોડે સરખાવું તો પાર્વતી
અર્ધનારીશ્વર છે.લક્ષ્મીજી જોડે સરખાવું તો લક્ષ્મીજી વિષ અને વારુણીની બહેન છે.
બધામાં કોઈ ને કોઈ દોષ દેખાય છે,જયારે સીતાજી સંપૂર્ણ-પણે દોષ રહિત છે.

જનકરાજાના મંત્રીએ રાજાની આજ્ઞાથી ઉભા થઇ જાહેર કર્યું કે-
ભગવાન શંકરનુ આ ધનુષ્ય છે,જે એણે ઉઠાવી,તેની પણછ ચડાવશે તેને સીતાજી વરમાળા પહેરાવશે.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE