Sep 11, 2021

Gujarati-Ramayan-Rahasya-70-ગુજરાતી-રામાયણ-રહસ્ય-70

અને નિર્વિઘ્ને રામજીની જાન પાછી અયોધ્યા આવી પહોંચી.
અયોધ્યાના લોકોએ એક એક ઘર,ગલી,બજાર,ચૌટું,ચોક અને દરવાજા શણગાર્યા છે.રસ્તાઓ પર કેસર-ચંદનનો છંટકાવ થયો છે.ઠેર ઠેર સુંદર સાથિયા,રંગોળી ને મંગળ કળશના શણગાર થયા છે.માતાઓ હેતના હિલોળે ચડી છે,મંગળ દ્રવ્યોને આરતીથી ચારે ય રાજકુમારો ને નવવધૂઓનો સત્કાર કર્યો.કૌશલ્યા આદિ સર્વ માતાઓ એવી પ્રેમ વશ બની છે કે-શરીરનું ભાન પણ ભૂલી ગઈ છે.રાજભવનના દ્વારે આમ વરકન્યાને પોંખીને મહેલમાં લઇ જવામાં આવ્યા.

દશરથ રાજાએ વિશ્વામિત્રનું ખૂબ સન્માન કર્યું અને મહેલમાં આવ્યા પછી નવી વહુઓની હાજરીમાં જ રાણીઓ આગળ જનકરાજાના બહુ વખાણ કર્યા.નવી વહુની હાજરીમાં તેના માત-પિતાના વખાણ થાય તો કન્યા રાજી થાય અને જો એના પર પ્રેમ કરવામાં આવે તો તે પિયરને છોડીને આવ્યાનું દુઃખ ભૂલી જાય છે,વર-વધુનો સંસાર સુખી થાય છે.

સીતાજી સાંભળે છે.અને દશરથ રાજા રાણીઓને કહે છે કે-
'બધૂ લરિકીનીં ઘર પર આઈં,રાખેહું નયન પલક કી નાઈં'
વહુઓ હજી બાળક છે,પિતાનું ઘર છોડી,પારકે ઘેર આવી છે, માટે તેમને, આંખોને જેમ પાંપણો રાખે છે તેમ રાખજો.(પાંપણો જેમ આંખોનું રક્ષણ કરે છે-તેમ તેમનું રક્ષણ કરજો.)

વિશ્વામિત્ર જયારે રામ લક્ષ્મણને યજ્ઞના રક્ષણ માટે લઇ ગયા,તે પછીના દિવસોમાં રામ-લક્ષ્મણના પરાક્રમો ની વાતો કૌશલ્યા અને બધી માતાઓના સાંભળવામાં આવી હતી કે-જેથી તેમનું હૈયું ગર્વથી ફૂલતું હતું.સાથે સાથે તેમને નવાઈ પણ લાગતી હતી કે-રામ-લક્ષ્મણ તો સુકુમાર છે,ને રાક્ષસો તો મહાકઠોર અને ભયંકર હોય છે,તો એ રાક્ષસોની સામે તેઓ કેવી રીતે લડ્યા હશે?

પોતાના મનનું કુતુહલ સમાવવા,રામને મનભરી નીરખવા અને તેમની મધુર વાણી સાંભળવા,ત્રણે માતાઓ-કૌશલ્યા,સુમિત્રા ને કૈકેયી-રામજીને ઘેરી ને બેઠી.અને તેમના કોમળ શરીર પર હાથ ફેરવતાં ફેરવતાં રામજીને પૂછે છે –કે-હે,તાત,આવા કોમળ શરીરે તમે વિકરાળ તાડકાને કેવી રીતે મારી?મારીચ અને સુબાહુ જેવા ભયંકર રાક્ષસોને કેવી રીતે માર્યા?તમારી ચરણ-રજથી અહલ્યા કેવી રીતે જીવતી થઇ? અને વજ્ર કરતાં યે કઠોર એવું શિવજીનું ધનુષ્ય તમે કેવી રીતે તોડ્યું?

શ્રીરામ મંદ હાસ્ય કરીને સર્વ પ્રશ્નોના ઉત્તર આપે છે.અને માતાઓ સાથે મધરાત સુધી વાતો કરીને 
જયારે શ્રીરામ છૂટા પડે છે ત્યારે માતાઓ કહે છે કે-
“હે,તાત,આવા પરાક્રમી પુત્રની મા બનીને અમારો જન્મ સફળ થયો”
જે માતા પોતાના સંતાનોને જોઈ ને આમ બોલી શકે છે....તેને કોટિ કોટિ ધન્યવાદ....

બાલકાંડ પુરુ કરતાં તુલસીદાસજી કહે છે કે-“નિજ ગીર પાવનિ કરન,રામ જસુ તુલસી કહ્યો”
મારી વાણીને પવિત્ર કરવા માટે મેં શ્રીરામનો યશ ગાયો છે,
રામજી નો યશ,રામજી નું નામ.મંગલાયતન છે,મંગળ નું ધામ છે.
આ કલિકાલ માં જે હરિ નું સ્મરણ કરે,હરિનું નામ લે તે જ સર્વશ્રેષ્ઠ અને ડાહ્યો છે.

બાલકાંડ-સમાપ્ત.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE