Sep 12, 2021

Gujarati-Ramayan-Rahasya-71-ગુજરાતી-રામાયણ-રહસ્ય-71-અયોધ્યા કાંડ

અયોધ્યા કાંડ
દશરથરાજાના સર્વે કુંવરોના લગ્ન થઇ ગયા.અને કુંવરો હવે રાજકાજમાં મદદ કરે છે.રાજાના સુખનો કોઈ પર નથી.શ્રીરામ પ્રજાને સર્વ રીતે સંતુષ્ટ રાખે છે.શાસ્ત્રમાં લખ્યું છે કે પિતાએ સહુ આગળ,જીતવાની ઈચ્છા રાખવી પણ પુત્ર આગળ હારવાની ઈચ્છા કરવી.કહેવા એમ માગે છે કે બાપ કરતાં બેટો સવાયો થાય,દોઢો થાય.(દોઢ ડાહ્યો નહિ)તેવી ઈચ્છા રાખવી.બાપ કરતાં દીકરો ધર્મ-કાર્ય,શુભ-કાર્યોમાં આગળ વધે,સારા કર્મોમાં પોતાના કરતાં ચડિયાતી કીર્તિ પ્રાપ્ત કરે એવી બાપે ઈચ્છા રાખવી.અને એવી રીતે દીકરાને ઘડવો.તે જવાબદારી મા-બાપની છે.

ઘડ્યા વગર ઘાટની ઈચ્છા રાખવી તે મૂર્ખતા છે.સોનાની લગડી તે કોઈ ઘાટ નથી,લગડી પહેરીને કોઈ ફરે નહિ.લગડીનો ઘાટ ઘડવો પડે છે.દીકરો ભલે સોનાની લગડી જેવો હોય.કે સોના જેવો વહાલો હોય,
પણ મા-બાપ તેને ઘડીને ઘાટ ના કરે તો,એ સોનાની લગડી ઘરમાં હોય તો યે શું ને ના હોય તો યે શું?
“છે” એમ સમજીને મન રાખવાનું પણ તેનો (તેવા સંતાનનો) કશો ઉપયોગ નથી.(તે કશા કામનો નથી)

દશરથરાજાએ પુત્રોને ઘડ્યા હતા,તેમણે વસિષ્ઠ અને વિશ્વામિત્ર જેવા ગુરુઓ પાસે શિક્ષણ અપાવ્યું હતું.
અને એથી જ આજે તેમના સુખનો પાર નથી.રામચંદ્રજી વેદવિદ્યા,ધનુર્વિદ્યા અને રાજવિદ્યા ભણ્યા હતા.
રામચંદ્રજીના ગુણોનું વર્ણન કરતાં વાલ્મિકીજી થાકતા નથી.તેઓ કહે છે કે -રામચંદ્રજી સર્વ ગુણોના ભંડાર છે,તેમણે કોની સાથે સરખાવવા? તેમના જેવા જગતમાં કોઈ નથી તો પછી તેમનાથી અધિક તો કેવી રીતે હોઈ શકે?એટલે જ કહે છે કે-રામચંદ્રજી જેવા તો રામચંદ્રજી જ છે.

રામચંદ્રજી બધામાં ગુણ જ જુએ છે,કોઈનામાં તેમને દોષ કે દુર્ગુણ દેખાતો જ નથી.કોઈ કઠોર વચન કહે તો પણ સામે તે કઠોર વચન કહેતા નથી.બીજાએ કરેલા કરોડો અપ-કારોને ભૂલી જઈ ને તેઓ તેના (બીજાએ કરેલા) એક નાના ઉપકારથી પોતાને ઋણી સમજે છે.પોતાનાથી ઉંમરમાં મોટા અને શીલ-જ્ઞાનથી ભરપૂર વયોવૃદ્ધ પાસેથી જ્ઞાન મેળવવા હંમેશા તત્પર રહે છે.પોતે મહાન પરાક્રમી છે છતાં પરાક્રમનો તેમને ગર્વ નથી.દયાળુ છે,ધર્મજ્ઞ છે,વિપત્તિમાં પણ સત્ય બોલનારા છે.

ધર્મ.અર્થ,કામ અને મોક્ષને જાણનારા છે,વ્યવહારનીતિ સમજવાવાળા છે,હર્ષ અને ક્રોધને કાબુમાં રાખનારા છે,સ્થિર બુદ્ધિ વાળા ને અસદ વસ્તુને નહિ ગ્રહણ કરનાર છે,માતા-પિતા અને ગુરુમાં દૃઢ પ્રીતિવાળા છે,સદા સાવધાન,બીજાને ઉદ્વેગ ના થાય તેવું બોલવાવાળા છે.કર્તવ્યમાં આળસરહિત છે,ન્યાય-નીતિમાં નિષ્પક્ષ છે,દેશ-કાળને જાણનારા છે,નિગ્રહ-અનુગ્રહ કરવામાં વિચક્ષણ છે,પ્રજાને હાનિ ના થાય તેમ કર લેવામાં ચતુર છે,રમત-ગમત,ગીત-વાજિંત્ર,ચિત્ર-શિલ્પ આદિના જાણકાર છે,હાથી,અશ્વ,રથ વગેરેની સવારી કરવાની કળાના જાણનાર છે,યુદ્ધના વ્યૂહોમાં નિપુણ છે.

આવા શ્રીરામના પ્રત્યેક ગુણો તેમના વ્યવહારમાં પ્રગટ થયા હતા.તેથી પ્રજા એવી ખુશ હતી કે ક્યારે શ્રીરામ રાજા થાય?એની રાહ જ જોતી હતી.જો કે દશરથ રાજાના રાજ્ય કારભારમાં પ્રજા સર્વ રીતે સુખી જ હતી,કોઈ વાતે દુઃખ નહોતું,તેમ છતાં રામને રાજા તરીકે જોવાની પ્રજાને હોંશ હતી.

દશરથ રાજા સુખની ટોચે હતા,પણ તે ટોચ પર કોઈ કાયમ રહી શકતું નથી.સુખ-દુઃખનું ચક્કર સંસારમાં ફર્યા જ કરે છે.સંસાર છે ત્યાં લગી દુઃખ તો છે જ.સરે-તે –સંસાર. છે.છે-અને-નથી એ સંસાર. હાથમાં આવીને સરકી જાય તે સંસાર.મોહ પમાડીને પાછળ દોડાવે અને પકડવા જતાં સરી જાય તે સંસાર.
આ સંસારની ગાદી પર કોઈ ચીટકીને બેસી શકતું નથી.સુખનું બીજું પાસુ દુઃખ છે.સુખમાં જ દુઃખ છે.
તત્વથી જોવા જાઓ તો સુખ એ જ દુઃખ છે.કારણકે તે અંત વાળું છે.તેનો નાશ નક્કી છે.
અને જેનો નાશ થાય તે શાશ્વત (સત્ય) હોઈ શકે જ નહિ.બિલકુલ સાદો હિસાબ છે,પણ સમજવો છે કોને?

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE