Sep 13, 2021

Gujarati-Ramayan-Rahasya-72-ગુજરાતી-રામાયણ-રહસ્ય-72

મનુષ્ય સંસારમાં સુખની પાછળ દોટ મૂકે છે,પણ જેમ મુઠ્ઠીમાં પાણી રહી શકે નહિ,તેમ સંસારનું સુખ હાથમાં રહી શકે નહિ.દશરથ રાજા જેવા સુખને સતત રાખી શક્યા નહિ તો સાધારણ માણસનું શું ગજું?
શાસ્ત્રો કહે છે કે-સંસારમાં સુખ-દુઃખ દેખાય છે તે અજ્ઞાનનું પરિણામ છે.સુખ સાચું નથી તેમ દુઃખ પણ સાચું નથી.બેય સરખાં છે,બેય એક છે,અને બેય ખોટાં છે.સુખ –દુઃખ એ કેવળ મનની કલ્પના છે,આત્માને એ સ્પર્શ કરી શકતાં નથી.
આત્મા નિર્લેપ છે,પર છે.એ આત્માને કોઈ આકાર નથી,,તે અમૂર્ત (નિરાકાર) અને પૂર્ણ છે.દ્રષ્ટા છે.
પણ જીવ પોતાનું સ્વ-રૂપ ભૂલ્યો છે,એની જ બધી રામાયણ છે.

મન સુખ-દુઃખ ઉભાં કરે છે,મનને એના વગર ચેન પડતું નથી.સંકલ્પ-વિકલ્પ કર્યા વગર તે રહી શકતું નથી.
મન જો સંકલ્પ-વિકલ્પ છોડે તો સુખ-દુઃખ હટી જાય. ને સમતા પ્રાપ્ત થાય.
જ્યાં સુધી સમતા પ્રાપ્ત થઇ નથી ત્યાં સુધી આનંદ-શાંતિ એ તો દૂરની વાત છે.
મનમાં સંસાર છે,સંસારના વિષયો છે ત્યાં સુધી મન જીવે છે.ત્યાં સુધી મનની માયા પણ જીવતી છે.
જેમ દીવામાં તેલ હોય ત્યાં સુધી દીવો બળતો રહેવાનો,પણ તેલ ખૂટી જાય ત્યારે દીવો હોલવાઈ જાય છે,
તેમ મન એ વિષયોના તેલ પર જીવે છે,અને જેવું તે વિષયોનું તેલ પૂરવાનું બંધ થાય 
એટલે મન હોલવાઈ જાય છે,શાંત થઇ જાય છે.

આ વસ્તુ,કોઈ આજે સમજે કે કોઈ કાલે સમજે.પણ સમજવું તો પડે જ છે કે-સુખ-દુઃખ સાચાં નથી.
કોઈ થપ્પડ વાગે એટલે શીખે કે કોઈ સમજીને શીખે,પણ શીખવું તો પડશે જ.માનવ જીવન તેના માટે જ છે,
અને જો આ જન્મમાં નહિ શીખે તો ફરીફરી આ દુનિયામાં આવવાનું નક્કી જ છે,
ફરી ફરી એ જ સુખ-દુઃખનાં ચકકરમાં પડ્યે જ જવું પડે છે.

આ સંસાર એક પાઠશાળા (સ્કુલ) છે,અને સત્યના આ પાઠ શીખવા માટે જ મનુષ્ય જન્મ છે.
આ સંસાર એ નાટકનો મંચ છે.આપણે બધા તેમાં જુદા જુદા પાઠ (રોલ) ભજવીએ છીએ.
કોઈ રાજાનો,કોઈ નોકરનો,કોઈ પિતાનો કોઈ પુત્રનો પાઠ-એવા અનેક પ્રકારના પાઠ (રોલ) કરીને
કોઈ હસે,કોઈ રુવે,કોઈ કમાય તો કોઈ ખોવે-આવા વિધવિધ પાત્રો પાસે વિધવિધ ચેષ્ટાઓ,
ઉપરવાળો સૂત્રધાર,પોતાનું ધાર્યું કરીને કરાવડાવે છે.

મહાત્માઓ કહે છે કે-પાત્રોએ સૂત્રધારને વશ રહેવાનું,એ કહે તે પાઠ ભજવવાનો.પણ તે પાઠમાં મમતા નહિ રાખવાની.પાત્રનો વેશ એ માત્ર વેશ જ છે.સાચાં સ્વ-રૂપનું (આત્માનું) જ્ઞાન થાય તો તે વેશ ઉતરી જાય છે. વેશમાંથી મનને કાઢી નાખે તે જ સાચો નટ.સંસારમાં પોતાને મળેલા પાત્રને નિષ્ઠાથી ભજવે પણ સાથે સાથે એ પણ સમજે કે આ મારું સાચું સ્વ-રૂપ નથી, “હું” પાત્રથી જુદો (ભિન્ન) એક દ્રષ્ટા માત્ર છું,તે પાત્ર ભજવશે પણ પાત્ર માં લેપાશે નહિ.જે આ સાચી રીતે સમજી જાય છે તે સંસારની માયા માં રહેવા છતાં અલિપ્ત રહે છે.મુક્ત રહે છે.

પ્રભુએ સંસારની રચના, માયાની મદદથી એવી કરી છે કે-મનુષ્ય એમાં ફસાયેલો જ રહે છે,મનુષ્ય વિષયોમાં ડૂબેલો રહે તો તે ભગવાન પાસે જાય નહિ,ભગવાનની આ ચાલાકી છે,રમત છે.પણ સંતોએ તેમની આ ચાલાકી પકડી પાડી છે.બાકી પ્રભુની આ માયા એવી પ્રબળ છે કે-ભલભલા જ્ઞાનીઓ પણ ભુલા પડ્યા છે.વિશ્વામિત્ર જેવા પ્રબળ પુરુષાર્થી પણ ગોથાં ખાઈ ગયા છે.કોઈ વાર કામમાં ,ક્રોધમાં તો કોઈ વાર લોભમાં સંસાર સુંદર લાગે છે,સંસાર સુંદર નથી પણ સંસારને બનાવનાર તે સંસારથી કેટલો યે સુંદર છે.

સંસારના ચિંતનથી સંસાર સુંદર લાગે છે.મનને વહાલું લાગ્યું,તે તે મનને સુંદર લાગે છે.
ભુંડ ને વિષ્ટામા રહેવાનું સુંદર લાગે છે.તેને તેની ભુંડણી સુંદર લાગે છે.
એટલે સૌન્દર્યની કલ્પના એ પોતપોતાના મનની પેદાશ છે.
મન જો ચાળે ચડ્યું હોય તો તેને મિષ્ટાન્નની કામના જાગે ને સુકો રોટલો એણે સુંદર ના દેખાય.
પણ જો શરીર ભૂખથી પીડાતું હોય ને સુકો રોટલો સામે આવે તો તે સુકો રોટલો સુંદર બની જાય છે.

આમ સુખ-સૌન્દર્ય એ મનની કલ્પના છે,કેવળ મનનો વિલાસ છે.મનને વિષયો ગમે છે,
તે ઇન્દ્રિયોની તૃપ્તિમાં સુખ શોધે છે,પણ ઇન્દ્રિયો તૃપ્ત થતી નથી,તેને સુખની પ્રાપ્તિ થતી નથી.
પ્રાપ્તિ થાય છે માત્ર તૃષ્ણાની .અને તે તૃષ્ણાનો અંત આવતો નથી.
મારીચ-રૂપી માયા મૃગે રામજીને ફસાવ્યા,તેમ આ તૃષ્ણાનો માયા-મૃગ આપણને પણ ફસાવે છે.
રામજી તો સમર્થ હતા,જીતી ગયા પણ આપણે માયાનો માર ખાધા કરીએ છીએ.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE