More Labels

Mar 21, 2014

Gujarati-Ramayan-Rahasya-79-ગુજરાતી-રામાયણ-રહસ્ય-79

જગતમાં સત્સંગ ની ઘણી તકો છે,પણ તેને છોડી ને જે કુસંગ માં પડે છે તે આંબો કાપી ને એની જગ્યાએ લીમડો રોપે છે,ને પછી કેરી ની આશા રાખે છે.લીમડા ના મૂળ માં દૂધ સિંચવામાં આવે તો પણ તે મીઠો થવાનો નથી.એક વાર જીવ કુસંગ માં ફસાયો પછી એ લીમડા જેવો કડવો બની જાય છે.

બાળક જન્મે છે ત્યારે આમ્રવૃક્ષ (આંબા) જેવો હોય છે.એને પહેલો સંગ માતાનો અને પછી પિતાનો થાય છે.માતા બાળક ને ઉછેરે છે ત્યારે તે જગત-જનની જગદંબા સ્વરૂપ હોય છે.પણ બાળક જયારે માતાનો ખોળો છોડી ને શેરીમાં મિત્રો સાથે રમવા જાય ત્યારે,પિતા અને ગુરુજનો ની જવાબદારી વધે છે.તેમણે બાળક કોના અને કેવાં સંગમાં ફરે છે તે ધ્યાન રાખવાનું હોય છે.બાળક ના નિર્મળ સંસ્કારો ના આંબા ની જગ્યાએ કુસંગ નો લીમડો તો રોપાતો નથી ને?તે જોવાનું છે.

કૈકેયી મૂળે તો સ્વભાવની શાણી અને ઉદાર છે.તે રામ અને ભરતમાં કોઈ ભેદ જોતી નહોતી.કે નહોતો
એણે કૌશલ્યા તરફ કોઈ દ્વેષ. એ પોતે જ કહેતી કે-રામ મને કૌશલ્યા કરતાં પણ વધારે ચાહે છે.અને
મારી સેવા કરે છે.રામ ને રાજા બનાવવાનું પણ એ પોતે જ વારેવારે રાજાને કહેતી હતી.
પણ થોડી વારના મંથરા ના દુષ્ટ સંસર્ગ થી તેની બુદ્ધિ બગડી અને મહા અનર્થ ઉભો થયો છે.

ભગવાન કૃપા કરે ત્યારે સંપત્તિ આપતા નથી પણ સત્સંગ આપે છે.
સાચા સંત નો સત્સંગ ઈશ્વર-કૃપા થી મળે છે,પણ કુસંગ થી દૂર રહેવાની વાત આપણા હાથમાં છે.
કુસંગ એટલે નાસ્તિક નો સંગ,કામ,ક્રોધ,લોભ-વગેરે વાસનાઓમાં ચકચૂર રહેનારાઓ નો સંગ.
સંગ નો રંગ તો લાગે જ છે.માટે મહાત્માઓ કહે છે-કે-પાપીઓ ના સંગ થી દૂર રહેવું.

ભગવાને દૂર્યોધનના ઘરના મેવા આરોગવાની ના પાડી છે ને વિદૂર ના ઘરની ભાજી ખાવા જાય છે.
દૂર્યોધન એ દુર્વાસના નું પ્રતિક છે,અને જ્યાં દુર્વાસના હોય તેની નજીક પણ ભગવાન જતા નથી.
ભગવાન તેનાથી આઘા રહે છે.ભગવાન પણ જેનો સંગ કરતાં નથી તેનો સંગ જો મનુષ્ય કરે તો તેની શું દશા થાય? સંગ નો રંગ મનુષ્ય ને લાગે જ છે.
માણસ કંઈ જન્મ થી બગડેલો નથી હોતો,જન્મ થી તે શુદ્ધ જ હોય છે,પણ જેમ જેમ એ મોટો થતો જાય અને જેના સંગ માં આવે છે તેના જેવો તે બને છે.કુસંગ થી જીવન બગડે છે,સત્સંગ થી જીવન સુધરે છે.

સંતો કહે છે કે-બીજું બધું બગડે તો બગડવા દેજો,પણ મન અને બુદ્ધિ ને બગડવા ન દેશો.
કૈકેયી એ મંથરા ને મન આપ્યું ને પરિણામ કેવું ભયંકર આવ્યું?કૈકેયી ના નિર્મળ ચરિત્ર ને જે ડાઘો પાડ્યો તે આજે ય ભૂસાયો નથી.બીજા ડાઘ ધોવાશે પણ ચારિત્ર્ય ના ડાઘ ધોવાશે નહિ.

વિદુરજી ધ્રુતરાષ્ટ્રની સભામાં બેસે છે,પણ ત્યાંના રંગઢંગ જોઈ તેમણે લાગ્યું કે,ધ્રુતરાષ્ટ્ર ના સંગ માં રહીશ તો મારું જીવન બગડશે.તેથી તેઓ ઘરનો ત્યાગ કરી ગંગા કિનારે ભગવાનની ભક્તિ કરવા ચાલી ગયા.
સંગ નો રંગ મન ને લાગે જ છે,કાજળ ની કોટડીમાં રહીએ તો કાજળનો ડાઘ લાગ્યા વગર રહે નહિ.
સંસારમાં રહીએ તો સંસારનો ડાઘ લાગ્યા વગર રહે નહિ.અને મહાપુરુષ ના આશ્રમ માં રહીએ તો તેમના
સત્સંગ નો રંગ પણ લાગ્યા વગર રહે નહિ.

મહાત્માઓ કહે છે કે-પ્રભુ ને રોજ એવી પ્રાર્થના કરો કે-મને શંકરાચાર્ય જેવું જ્ઞાન,મહાપ્રભુજી જેવી ભક્તિ,.શુકદેવજી જેવો વૈરાગ્ય અને હનુમાનજી જેવી સ્વામી-નિષ્ઠા મળે.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE