Sep 21, 2021

Gujarati-Ramayan-Rahasya-80-ગુજરાતી-રામાયણ-રહસ્ય-80

તુલસીદાસજી કહે છે કે-કૈકેયી મંથરાના સ્વભાવને ઓળખતી હતી.સાચું-જુઠું કરવું,પારકાની બદબોઈ કરવી, કોઈની પીઠ પાછળ વાંકુ બોલવાની મંથરાને આદત હતી.એટલે તેનું નામ તેણે ”ઘરફોડી” રાખ્યું હતું.આવું જાણવા છતાં કૈકેયીએ,તે મંથરાને પોતાના ઘરમાંથી રવાના ના કરતાં,ઘરમાં રહેવા દીધી,અને એ “ઘરફોડી” એ તેનું જ ઘર ફોડ્યું.અને કૈકેયીને દુનિયામાં પારાવાર અપજશ મળ્યો.કૈકેયી સાધારણ સ્ત્રી નહોતી.દશરથ તેના રૂપ પર જ મુગ્ધ હતા તેવું નહોતું,યુદ્ધવિદ્યામાં તે પ્રવીણ હતી.પતિની સાથે યુદ્ધ-મોરચે પણ તે જતી. એની બુદ્ધિ તીક્ષ્ણ હતી.પણ કુસંગ કોનું નામ? પાણીમાં આગ લગાડે તે કુસંગ.

'એક ઘડી આધી ઘડી,આધી સે ભી આધ,તુલસી સંગત સંત કી કટે કોટિ અપરાધ'
એક નહિ,અડધી યે પુરી નહિ,અરે ફક્ત પા ઘડીનો સત્સંગ કોટિ અપરાધ નાશ કરવા ને સમર્થ છે.
સુંદરકાંડમાં આવશે કે-હનુમાનજીના બે પળના સત્સંગથી લંકિની જેવી રાક્ષસી પણ હરિભક્ત બની ગઈ હતી.ગૃહસ્થ સંસારમાં રહે છે,એટલે પતિએ પત્ની પર ને અને પત્નીએ પતિ પર પ્રેમ ના રાખવો જોઈએ,
એવું કહેવાનો કોઈ આશય નથી,પણ કહેવા એ માગે છે એ કે કોઈ એક બીજાને અતિ આધીન ના બનો.

સંતો વારંવાર કહે છે-સંસારને છોડવાનો નથી,પણ મનમાંથી સંસારને કાઢી નાખવાનો છે.
મન આપવા લાયક એક પરમાત્મા છે.પણ અહીં દશરથે મન કૈકેયીને દઈ દીધું, અને તે એવું દઈ દીધું કે,
પછી તેમનું કંઈ રહ્યું નહિ,અને લમણે હાથ દઈ રડવાનો વારો આવ્યો.

ગૃહસ્થાશ્રમ એ કિલ્લો છે.અને કિલ્લામાં રહીને લડવું,સહેલું છે.
કામ,ક્રોધ,લોભ,મદ,મત્સર –વગેરે શત્રુઓ છે.આ શત્રુઓને જેણે જીત્યા એ ગૃહસ્થાશ્રમમાં રહે તો પણ
વનમાં રહ્યા જેવું જ છે.વનમાં જવાથી જ આ શત્રુઓ જીતાઈ જાય એવું નથી,આ શત્રુઓ એવા કંઈ ભોળા નથી,ઉપરથી વનમાં તો તે શત્રુઓ સામે હાથોહાથની લડાઈ કરવી પડે છે.એકલે હાથે લડવું પડે છે.
ગૃહસ્થાશ્રમના કિલ્લામાં રહી લડવામાં જીતવાની વિશેષ તક છે,અને જે તેમ કરે તે વીર છે.

ગૃહસ્થાશ્રમીઓ ને મહાત્માઓએ આજ્ઞા કરી છે કે-તે બહુ કડક ન થાય અને બહુ સરળ પણ ના થાય,
પતિ-પત્ની વચ્ચે પ્રેમ હોય પણ બંને એ એકબીજા પર અતિશય મમતા ના રાખવી.આધીન ના થવું.
અહીં દશરથ રાજા કૈકેયીની પર અતિશય મમતા ને કારણે તેને આધીન થયા,અને દુઃખમાં પડ્યા.

તુલસીદાસજી કહે છે કે-'સુરનર મુનિ સબકી યહ રીતિ,સ્વારથ લાગિ કરિહી સબ પ્રીતિ'
બધાં સ્વાર્થનાં સગા છે.પત્ની સુખ આપે ત્યાં સુધી પતિ પ્રેમ કરે છે,પત્ની ત્રાસ આપે કે માંદી-સાજી રહ્યા કરે,
તો પતિ કહેશે કે-આને કાંઇક થઇ જાય તો સારું (મરી જાય તો સારું!!) નવી લઇ આવું!!
અને પતિ દુઃખ આપે તો પત્ની કહેશે કે-આ ક્યાં માથે પડ્યો!! પતિ, પતિ છે, એટલે પત્ની એને ચાહતી નથી,તેમ,પત્ની,પત્ની છે,એટલે માટે જ પતિ એને ચાહતો નથી.જગતમાં સ્વાર્થ અને કપટ સિવાય કશું નથી.

આ વિષે મૈત્રેયી અને ઋષિ યાજ્ઞવલ્કય વચ્ચે સુંદર સંવાદ થયેલો.
યાજ્ઞવલ્કય ઋષિએ સંન્યાસ ગ્રહણ કરવા નિશ્ચય કર્યો.તેમણે પોતાની બંને પત્નીઓ મૈત્રેયી અને 
કાત્યાયનીને બોલાવી ને કહ્યું કે- હવે મારે સંન્યાસ ગ્રહણ કરવો છે,પણ મારા ગયા પછી 
તમારા બંને વચ્ચે ઝગડો ના થાય તે માટે સર્વ સંપત્તિ હું તમારી બને વચ્ચે વહેંચી આપું છું.
કાત્યાયની કંઈ બોલી નહિ પણ મૈત્રેયી બ્રહ્મવાદિની હતી,
તે બોલી-આ ધન થી મને મોક્ષ મળી શકશે? હું અમર થઇ શકીશ?

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE