More Labels

Apr 18, 2014

Gujarati-Ramayan-Rahasya-107-ગુજરાતી-રામાયણ-રહસ્ય-107

પર્ણકુટીમાં રામજી ઉભા છે ને લક્ષ્મણ જોડે વાત કરે છે,તેમની પીઠ રસ્તા તરફ છે,જયારે લક્ષ્મણજી ની નજર પર્ણકુટી ની બહારના રસ્તા પર છે.આ બાજુ, ભરતજી એ રામજી ને દુરથી જોયા ને રસ્તા પર જ દંડવત પ્રણામ કરતાં કહે છે કે-હે પ્રભુ રક્ષા કરો-હે પ્રભુ રક્ષા કરો.

લક્ષ્મણજી ની નજર ભરત પર પડી અને તે બોલી ઉઠયા કે-અરે,અરે આ દંડવત પ્રણામ કરતો કરતો,આવતો દેખાય તે તો ભરત.છે,એટલે તેમણે રામજી ને કહ્યું કે-ભરત તમને પ્રણામ કરતો કરતો આવે છે.
આ સાંભળતાં જ શ્રીરામ એવા અધીર બની ગયા કે –તે બોલી ઉઠયા કે “ક્યાં છે મારો ભરત?” ને તરત જ તે ભરત સામે દોડ્યા.

“મને માફ કરો પ્રભુ” કહી ભરત,શ્રીરામના પગમાં આળોટી પડ્યો.શ્રીરામે તેને ઉઠાડી અને “મારો ભાઈ”
કહી ને તેને ભેટી પડ્યા.જીવ અને શિવ નું મિલન થયું છે,પરમાનંદ થયો છે.
તુલસીદાસજી કહે છે કે-આ રામ-ભરત ના મિલન નું વર્ણન કરવાની મારામાં શક્તિ નથી,
એ બે પ્રેમ નું મિલન,એ મન,બુદ્ધિ,ચિત્ત અને અહંકાર થી પર છે.મહાદેવ નું મન પણ ત્યાં પહોંચી શકતું નથી તો હું તેનું વર્ણન કેવી રીતે કરી શકું?

પરમાત્મા શ્રીરામ સાથે સંબંધ રાખવાથી જ તેમનું સ્મરણ થાય છે,અને જીવન મંગલમય બને છે.
શ્રીરામ ના ચરણ માં જ શાંતિ છે.પરમાત્મા થી વિખુટો પડેલો જીવ પરમાત્મા ના ચરણમાં જ શાંતિ પામે છે.નારાયણ સિવાય બીજે કોઈ ઠેકાણે સુખ નથી.સંસારમાં સુખ અલ્પ (થોડું) છે ને દુઃખ વધારે છે.
જીવ ઈશ્વર નો અંશ છે પણ તે ઈશ્વર થી છુટો પડેલો છે,તેથી તેને સુખ-શાંતિ નથી,જીવ જયારે સંસારથી છૂટી પ્રભુ ના ચરણમાં જાય ત્યારે જ તે કૃતાર્થ થાય છે.ત્યારે તેને કાળ ની ભીતિ દૂર થાય છે.

જગત નાશવંત છે,જગત સાથે નો સંબંધ સાચો નથી,જન્મથી જ કોઈ પતિ કે પત્ની નથી હોતાં.
પતિ-પત્ની નો સંબંધ પછી થી ઉભો થયેલો છે.ને તે જીવનના અંત સુધી જ હોય છે.
પતિ જીવતો હોય ત્યાં સુધી જ પત્ની એ પત્ની છે,પુત્ર હોય ત્યાં સુધી જ પિતા એ પિતા છે.
પુત્ર ના હોય ત્યારે કોઈ પિતા –રહેતો નથી.
માટે મહાત્મા ઓ કહે છે કે-સંસારી સંબંધો પ્રત્યે અનુસંધાન રાખવાને બદલે પ્રભુ માં જ અનુસંધાન રાખવું જોઈએ.તે એક જ સંબંધ એવો સાચો છે કે- જે જન્મ પહેલા,જન્મ માં અને જન્મ પછી પણ રહે છે.

તે પછી શ્રીરામ અને ભરત,શત્રુઘ્ન ને નિષાદરાજ ને ભેટ્યા.ભરત અને શત્રુઘ્ને,સીતાજી ને પ્રણામ કર્યા ને તેમની ચરણ રજ માથે ચડાવી. કોઈ કંઈ પૂછતું નથી કે કોઈ  કંઈ કહેતું નથી,સૌ ભાવ વિભોર થયા છે.
પાછળ ગુરૂ વશિષ્ટ અને તેમની મંડળી આવે છે તે જાણી,શ્રીરામ સામે મળવા ગયા,
ગુરૂ વશિષ્ઠ અને ગુરૂ પત્નિને વંદન કર્યા,વશિષ્ઠજી તેમને ભેટી પડ્યા.
સહુથી પહેલા રામજી કૈકેયી ને મળ્યાને વંદન કરી ને કહે છે કે-તમે કોઈ વાતે રંજ કરશો નહિ,આમાં તમારો દોષ નથી,આ બધી વિધિ ની લીલા છે. પછી કૌશલ્યા અને સુમિત્રાને વંદન કરી ને તેમને સમજાવે છે કે-જગત ઈશ્વર ને આધીન છે,માટે કોઈ ને પણ દોષ ના દેવો.

ત્યાર બાદ રામજી સંઘ માં આવેલા સર્વે ને એક સાથે મળે છે,ને સૌનો પ્રેમથી સત્કાર કરે છે.
સીતાજી અને લક્ષ્મણ પણ આ જ પ્રમાણે સર્વે ને મળ્યા.
બધાએ આસન ગ્રહણ કર્યું,અને વશિષ્ઠજીએ દશરથરાજા ના સ્વર્ગવાસની ઘટના કહી સંભળાવી.
રામજી શોક થી વ્યાકુળ બની ગયા, “આહ.મારા પિતા નો મારા પર કેવો પ્રેમ હતો!”
એમનો શોક જોઈ ને બધા શોકમાં ડૂબી ગયા.હોય- જાણે આજે જ દશરથરાજા સ્વર્ગવાસી થયા ના હોય!

શ્રીરામે તે દિવસે નિર્જળ વ્રત કર્યું ને વગડાઉ ફળ થી પિતાજી નું પિંડદાન (શ્રાદ્ધ) કર્યું.
દશરથ રાજાની એવી ઈચ્છા હતી કે શ્રીરામ મારું પિંડદાન કરે,રામજી એ તેમની ઈચ્છા પુરી કરી.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE