Oct 26, 2021

Gujarati-Ramayan-Rahasya-111-ગુજરાતી-રામાયણ-રહસ્ય-111

શ્રીરામચંદ્રે સુવર્ણ પાદુકાઓ પર પોતાના ચરણ મુક્યા,ને પછી તે પાદુકાઓ ભરતજીને આપી.ભરતજીએ તે પોતાના બે હાથેથી લઈને પોતાના મસ્તક પર ચડાવીને,તેનો  સ્વીકાર કર્યો.તેમણે શાંત અને દૃઢ સ્વરે પ્રતિજ્ઞા કરતાં કહ્યું કે-હું ભરત,આજે અહીં પ્રતિજ્ઞા કરું છું કે,આ પાદુકાઓને રાજ-કારભાર સોંપી ,હું ચૌદ વર્ષ નગરની બહાર રહીશ,જટા-વલ્કલ ધારણ કરીશ,કંદમૂળ ખાઈશ,ભોંય પર પથારી કરીશ,અને પંદરમા વર્ષના પહેલા દિવસે જો મને રામજીનાં દર્શન નહિ થાય તો ચિતામાં પ્રવેશ કરીશ. 
આ સાંભળીને સૌની આંખો છલકાઈ આવી,બધા “ધન્ય હો,ધન્ય હો” બોલી રહ્યા.

ભરતજીની દૃઢ પ્રતિજ્ઞા સાંભળી,શ્રીરામે તેમને હૃદય-સરસા ચાંપી કહ્યું કે-હું સમયસર જરૂર પાછો આવીશ,
અને આ સાંભળી સઘળે આનંદ આનંદ થઇ રહ્યો.આમ રઘુકુલની ધર્મ-પરંપરા પુનઃ સ્થાપિત થઇ,
ભરતની ધર્મ-નિષ્ઠાએ રઘુકુલના માથે ઉતરેલી આપત્તિનું નિવારણ કર્યું.

ત્યાર પછી,સહુની ભારે હૈયે વિદાઈ થઇ.શ્રીરામની પાદુકાઓ હાથી પર પધરાવીને ભરતજી અયોધ્યા પાછા ફર્યા,અને અયોધ્યા આવી તે પાદુકાઓને રાજ-સિંહાસન પર સ્થાપિત કરી,અને પોતાની પ્રતિજ્ઞા મુજબ,
પોતે નગરની બહાર,નંદીગ્રામમાં પર્ણકુટી બનાવી ને રહ્યા.મસ્તક પર જટા ધારણ કરી,શરીર પર વલ્કલ ધારણ કર્યા,જમીન પર દર્ભનું આસન બિછાવ્યું.અને ઋષિ-મુનિની પેઠે વ્રત-નિયમનું પાલન કરી,રામ-ચિંતનમાં રહેવા માંડ્યું.તેઓ રોજ પાદુકા પૂજન કરતાં અને પાદુકાઓ પાસેથી આજ્ઞા માગીને રાજ-કાજ થતું અને રાજ-સત્તા ચાલતી.ભરતજીની જીભે સતત રામ-નામ રહેતું,અને નેત્રોમાં પ્રેમ જળ રહેતાં.

રામ-સીતાજી વનમાં વસ્યાં અને ભરતજી ઘેર રહીને તપથી શરીરને કૃશ કરી રહ્યા.
તેમનાં વ્રત-નિયમોની અતિ-તીવ્રતા જોઈ ને ઋષિ-મુનિઓ પણ પોતાને તુચ્છ સમજવા લાગ્યા.
ભરતજીએ રામજીની પાદુકાઓને મસ્તક પર ધારણ કરી હતી ,તેનું રહસ્ય એવું છે કે-
મસ્તક એટલે બુદ્ધિ.બુદ્ધિમાં ઈશ્વરને પધરાવવામાં આવે તો,પછી કોઈ વિકાર-વાસના સતાવી શકતી નથી.
પછી,ભરતજીએ કઠોર તપશ્ચર્યા કરી છે,ભરતજીની તપશ્ચર્યા રામજીની તપશ્ચર્યા કરતાં ઓછી નથી,
પરંતુ વધુ કઠિન છે.વનમાં રહીને તપશ્ચર્યા કરવી કદાચ સહેલી હશે પણ,ભોગ સમૃદ્ધિની વચ્ચે રહીને,
પણ અનાસક્ત થઈને તપશ્ચર્યા કરવી એ બહુ કઠિન છે.

રામજીની પાદુકા સાથે અનુસંધાન રાખીને,રાજ-વ્યવહાર કરતા રહી,પણ પાદુકામાં સ્થિર થયેલું ભરતજીનું મન,રામજીના લાંબા વિયોગમાં પણ એક પ્રકારનો આનંદ અનુભવે છે.જ્યાં અત્યંત પ્રેમ હોય ત્યાં પરમાત્માએ પ્રગટ થવું જ પડે છે.જેને તરસ લાગી હોય તેને પાણીની પાસે જવું પડે છે,પાણી તેની પાસે આવતું નથી,પણ,
રામ-નામનું પાણી એવું છે કે,તે તરસ્યાની પાસે જાય છે.ભક્તના હૃદયની આતુરતા,પરમાત્માને ભક્તની પાસે ખેંચી લાવે છે. ભરતજી એ પ્રેમ-લક્ષણા ભક્તિનું સ્વરૂપ છે.અને તે દિવ્ય આનંદનો અનુભવ કરે છે.

મનુષ્ય પૈસા માટે પ્રવૃત્તિ કરે છે,પણ પરમાત્મા માટે કોઈ પ્રવૃત્તિ કરતો નથી.એટલે પ્રભુને તેની પર દયા આવતી નથી,પ્રભુ તેની નજીક આવતા પણ નથી.ખરેખર તો,માનવીને પ્રભુની જરૂર છે,પણ કોણ જાણે કેમ પણ,માનવીને પૈસા જેટલી પ્રભુની જરૂર નથી લાગતી.એટલે જ મનુષ્યને પ્રભુ દૂર લાગે છે,પરંતુ પ્રભુ તો પાસે જ છે,બુદ્ધિમાં (પાદુકાને) ઈશ્વરને પધરાવવામાં આવે તો,પ્રભુ દૂર નથી,પ્રભુ તો ભક્તની આતુરતાની રાહ જોતાં આતુર થઈને ઉભા જ છે.

ભરતજી,ગો-મૂત્ર વાચક વ્રત કરે છે,ગાયને જવ ખવડાવે,તે છાણમાં બહાર નીકળ્યા પછી ગોમૂત્ર સાથે ઉકાળે,
અને તે પ્રમાણે ઉકાળેલા જવ દિવસમાં માત્ર એકવાર આરોગે.ભરતજીનો પ્રેમ એવો છે કે-પાદુકા ચેતન બની 
જાય છે.જેને પ્રભુનો વિયોગ હોય તેનું જીવન કેવું હોય? તેનો આદર્શ ભરતજીએ બતાવ્યો છે.
આપણને પણ પ્રભુનો વિયોગ છે,એટલે ભરતજીનું જીવન આપણા માટે અનુકરણીય છે.
તુલસીદાસજી કહે છે કે-ભરતજીનું સ્મરણ કરો તો તમારા હૃદયમાં શ્રીરામ માટેના પ્રેમનો ઉદય થશે.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE