More Labels

Feb 26, 2019

Gujarati-Ramayan-Rahasya-113-ગુજરાતી-રામાયણ-રહસ્ય-113

એવું શાસ્ત્ર વચન જરૂર છે કે-પિતાની આજ્ઞા ઉચિત-અનુચિતનો વિચાર કર્યા વગર પાળવી.પણ આના શબ્દાર્થ લેતાં પહેલા તેનો ભાવાર્થ સમજવાની જરૂર છે.
આ શાસ્ત્ર વચનની પાછળ એ “અપેક્ષિત” છે કે-પિતા,અનુચિત-ઉચિતનો વિચાર કરીને જ આજ્ઞા કરશે.અનુચિત આજ્ઞા પિતા કદી કરશે જ નહિ.(પોતાનું પિતૃત્વ સાચવીને બોલે-આજ્ઞા આપે તે જ સાચો પિતા) અનુચિતનો વિચાર કરે નહિ તો તે પિતા નથી.પુત્રના હિત નો ચારે બાજુથી વિચાર કરવાની જવાબદારી પિતાને શિરે છે.અને એ જવાબદારીનું સમજ-પૂર્વક પાલન કરી,ને પિતા આજ્ઞા કરે છે.ફાવે તેમ નહિ.તેણે પણ,શાસ્ત્ર,નીતિ,ધર્મના નિયમોને વશ થઈને ચાલવાનું હોય છે.

એટલે ઉપરના શાસ્ત્ર વચન નો મર્મ એ છે કે-પિતા કદી પણ અનુચિત આજ્ઞા નહિ કરવાનો સંકલ્પ કરે અને પુત્ર પિતાની આજ્ઞાને પાળવાનો સંકલ્પ કરે.બેમાંથી કોઈ એક પણ (પિતા કે પુત્ર) જો શબ્દોનો મનગમતો અર્થ કરવા પ્રયત્ન કરે તો ગંભીર પરિસ્થિતિ ઉભી થવાનો સંભવ થાય છે.એક અહંકારનો ભોગ બનશે તો બીજો સ્વાર્થનો ભોગ બનશે,અને પછી એ પિતા-પુત્ર નહિ રહે.

અયોધ્યામાં રામ-રાજ્યની સ્થાપના કેમ ના થઇ શકી તેનો જરા વધુ વિચાર કરીએ તો,સમજાશે કે-
અયોધ્યા માં “દશ”રથ છે અને લંકામાં “દશ”મુખ (રાવણ) છે.
દશે ઇન્દ્રિયોને રથમાં જોતરીને લક્ષ્ય-સ્થાને (ઈશ્વર તરફ) જવા દોડાવે તે દશરથ.અને 
દશે ઇન્દ્રિયો દ્વારા ભોગ ભોગવે તે દશમુખ.

જનકની “વિદેહ”-નગરીમાં સીતાજીનો જન્મ થાય છે,સીતાજી પરા-ભક્તિનું સ્વરૂપ છે.
રાવણની લંકા નગરી એ “દેહ”-નગરી છે,કારણકે,રાવણ એ ભોગનું સ્વરૂપ છે.ભોગમાં દેહને મહત્વ છે એટલે લંકા એ દેહ નગરી છે.આ બંને નગરીઓ વચ્ચેની અયોધ્યા નગરી છે તે “દેહાધિકાર” નગરી છે.
દેહ-નગરી (લંકા)માં પાપને પ્રધાનતા છે,દેહાધિકાર-નગરી (અયોધ્યા) માં સત્કર્મની પ્રધાનતા છે.
અને વિદેહ-નગરી (જનક-પુરી) માં વિચારની પ્રધાનતા છે. 
જ્યાં સુધી જીવનમાં આવી ત્રિવિધતા છે ત્યાં સુધીરામ-રાજ્ય થાય નહિ.
શ્રીરામ જયારે આ ત્રણેને સમાનતાની સ્થિતિએ લઇ આવે ત્યારે રામ-રાજ્યની સ્થાપના થાય છે.

દશરથરાજા રામ-રાજ્ય સ્થાપી શક્યા નહિ કારણકે-માત્ર પરંપરાને અનુસરીને રામને ગાદીએ બેસાડવાથી રામ-રાજ્ય થઇ જતું નથી.આખો સમજ બદલાય નહી,અંતઃકરણનું આમૂલ પરિવર્તન ના થાય ત્યાં સુધી,રામ-રાજ્ય સાકાર થતું નથી.અયોધ્યામાંથી હજુ “કામ-ક્રોધ-લોભ” નું નિવારણ થયું નથી,
મંથરા –એ “લોભ-વૃત્તિ” છે,ને લોભનું સ્વરૂપ છે.અને લોભનો ભોગ બની દાસીની યે દાસી બની,ક્રોધ કરી,કૈકેયી કોપ-ભવનમાં જાય છે,આમ કૈકેયીએ “ક્રોધ-વૃત્તિ”નું સ્વરૂપ છે.

ત્યાં રાજા દશરથ પધારે છે અને માગ, માગે તે આપું કહી રામના સોગંધ ખાય છે.
અહીં, દશરથ રાજા એ “કામ-વૃત્તિ” નું સ્વરૂપ બન્યા છે.
આમ લોભ (મંથરા) ક્રોધ (કૈકેયી) અને કામ (દશરથ) –એ ત્રણે અહીં અયોધ્યામાં ભેગા થયા.
ગીતાજીમાં કહ્યું છે કે-કામ,ક્રોધ અને લોભ એ નરકનાં પ્રવેશદ્વાર છે.
અને આ ત્રણે જો હાજર હોય તો રામ-રાજ્ય કેવી રીતે થાય?

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE