Oct 29, 2021

Gujarati-Ramayan-Rahasya-114-ગુજરાતી-રામાયણ-રહસ્ય-114

રામરાજ્યની સ્થાપના પહેલાં બે યુદ્ધ લડાય છે.એક લંકામાં ને બીજું અયોધ્યામાં.
એક રામજી લડે છે અને બીજું ભરતજી લડે છે.રામજી નું યુદ્ધ બાહ્ય છે,ભરતજીનું યુદ્ધ આંતરિક છે.શ્રીરામ કામ-વાસના સામે લડીને વિજય મેળવે છે,ભરતજી લોભવાસના 
સામે લડી ને જીતે છે.અને આ બે જીત થયા પછી જ રામ-રાજ્ય થાય છે.
“કામ-વાસના” નું પ્રતિક,શૂર્પણખા અને રાવણ છે,
“લોભ-વાસના”નું પ્રતિક મંથરા અને કૈકેયી છે.

લોભ-વૃત્તિ પોતાના 'સ્વાર્થ'માં બીજાઓનો વિચાર કરતી નથી,કામ-વૃત્તિ પોતાના 'અહંકાર'માં મસ્ત છે,
અને પોતાના અહંકારની સામે જે આવે તેનો નાશ કરવા,તત્પર હોય છે.
લોભની સામે લોભ લડે તો કોઈ એક લોભ તો જીતે જ અને લોભ કાયમ રહે,
પણ જો,લોભની સામે ત્યાગ લડે તો તો જ લોભને હરાવી શકાય.

શ્રીરામે જો લોભ રાખી કહ્યું હોત કે હું વનમાં ના જાઉં,ગાદી પર મારો હક્ક છે,તે તેમને કોઈ કાઢનાર નહોતું,
પણ એ લડાઈ લોભની કહેવાત અને વિજય પણ લોભનો જ થાત અને રામ-રાજ્ય ના થાત.
એવી જ રીતે કામની વિરુદ્ધ વૈરાગ્ય લડે તો જ કામ હારે.અને એટલે જ રાવણનો પરાજય નિશ્ચિત છે.

શ્રીરામ પિતાની આજ્ઞા સત્ય છે કહી એનું પાલન કરવા રાજપાટ છોડીને વનમાં જાય છે,ત્યારે,
ભરત એ જ પિતાની આજ્ઞા પાળવાની ના કહે છે.
ભરત કહે છે કે-હું ગાદી પર બેસું તો સત્યનો નહિ પણ અસત્યનો વિજય થશે.
અસત્ય-વાદી મંથરાનો જ વિજય થશે,તેનો સંકલ્પ પુરો થશે અને પિતાજીનો સંકલ્પ અધુરો રહી જશે.
પિતાજીએ શ્રીરામને ગાદી પર બેસાડવાનું રાજસભાને અને આખી પ્રજાને “વચન” આપ્યું હતું,
શ્રીરામને પણ એ વાતની (વચન ની) ખબર હતી,
તો પછી, પિતાજીનું એ વચન સાચું? કે,બળાત્કારે લેવાયેલું વચન સાચું?

સત્ય ક્યાં છે ? શબ્દમાં કે ભાવમાં? પિતાજીનો અધુરો સંકલ્પ પુરો થાય એમાં જ ધર્મની રક્ષા છે.
બળાત્કારે લેવાયેલ વચનની રક્ષા એ તો ધર્મના નામે અધર્મની રક્ષા છે.
સત્યના નામે અસત્યની રક્ષા છે.ધર્મને એ રીતે અધર્મનું હથિયાર ન બનવા દેવાય.
ભરતજીને શ્રીરામ પર પરમ સ્નેહ છે,અને તે ધર્મની સાચી સમજ ધરાવતા ધર્મ-નિષ્ઠ પરમ પુરુષ છે.
ભરતજી ખૂબ વિનય-પૂર્વક પણ સ્પષ્ટ-પણે કહે છે કે-અંતકાળે મારા પિતા બુદ્ધિ ખોઈ બેઠા હતા.

શ્રીરામ કહે છે કે-પિતાજીના વચનનું પાલન કરી હું વનમાં જાઉં છું,એ ધર્મ છે.
ભરતજી કહે છે કે-પિતાજીનું વચન નહિ માની ને હું ગાદીએ ન બેસું એ ધર્મ છે.
આમાં સાચું શું? તો મહાપુરુષો કહે છે કે-સાચું એ છે કે-“સ્વાર્થ-ત્યાગ” એ જ “ધર્મ”.

શ્રીરામ એવો નિર્ણય કરે છે કે-જેમાં એમને ત્યાગ કરવો પડે છે,
અને ભરત જે નિર્ણય કરે છે તેમાં પણ તેમને ત્યાગ કરવો પડે છે.
ત્યાગ એટલે જ ધર્મ,ત્યાગ-નિષ્ઠા એટલે જ ધર્મ-નિષ્ઠા,એ જ સત્ય-નિષ્ઠા.
ધર્મ હંમેશા સ્વાર્થના ત્યાગની જ પ્રેરણા કરે છે.
અને આ સ્વાર્થ-ત્યાગ એ જ રામ-રાજ્યનો પાયો છે.મૂળ છે.
અને આ પાયા પર જ ચિત્રકૂટમાં ભરતે અને શ્રીરામે રામ-રાજ્યની સ્થાપના કરી છે.

અયોધ્યા-કાંડ-સમાપ્ત.
PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE