Oct 7, 2021

Gujarati-Ramayan-Rahasya-95-ગુજરાતી-રામાયણ-રહસ્ય-95

મંત્રી સુમંત્ર પર શોકની એટલી બધી અસર થઇ છે કે,તેમની દ્રષ્ટિ મંદ થઇ ગઈ,કાને સંભળાવાનું ઓછું થઇ ગયું,ને બુદ્ધિ જાણે બહેર મારી ગઈ,જીવતા છતાં જાણે મૂવા જેવા થઇ ગયા.જાત સાથે જ વાતો કરતા હોય તેમ બબડે છે-અયોધ્યાના લોકો પૂછશે તો તેમને હું શું જવાબ આપીશ? કૌશલ્યામા,વાછરડીને મળવા ગાય દોડી આવે તેમ દોડી આવશે તો તેમને હું શું જવાબ આપીશ? મહારાજાને હું કેવી રીતે આશ્વાસન આપીશ? રામજી વનમાં જ રહી ગયા તેવું હું કેવી રીતે બોલી શકીશ?

રથ તમસા નદીને કિનારે આવ્યો..સુમંત્રે જીવને કાઠો કરીને,સાથે આવેલા નિષાદોને વિદાય કર્યા.
પણ હજુ તેમને અયોધ્યામાં પ્રવેશ કરવાની હિંમત ચાલતી નથી.એટલે આખો દિવસ નગરની બહાર 
બેસી રહ્યા અને સાંજ થઇને અંધારું થયું ત્યારે ગૂપચૂપ નગરમાં પેઠા ને રાજમહેલ બાજુ ગયા.

એવું બનેલું કે,રામજીએ વનમાં પ્રયાણ કર્યું તે પછી દશરથજીએ કહ્યું કે-મારે કૈકેયીના ભવનમાં રહેવું નથી 
મને કૌશલ્યાના ભવનમાં લઇ જાઓ.એટલે તેમને કૌશલ્યાના ભવનમાં રાખવામાં આવ્યા હતા.
સુમંત્રને જોઈને દાસદાસીઓ ભેગાં થઇ ગયા અને તેમને ખબર આપી કે મહારાજા કૌશલ્યાના ભવનમાં છે. 
સુમંત્ર જાણે બેભાન અવસ્થામાં જ ચાલે છે. તેમણે દશરથ રાજાને “રામ-રામ-સીતા સીતા” એમ બોલતાં-
વિલાપ કરતા જોયા.સુમંત્રને જોતાં રાજાના જીવમાં જીવ આવ્યો,એકદમ ઉભા થઇ ને સુમંત્રને ભેટી પડ્યા 
અને પૂછે છે કે-સુમંત્ર મારો રામ ક્યાં? સુમંત્રની આંખોમાંથી પણ દડદડ આંસુ પડવા માંડ્યા.

રાજાનું હૈયું બેસી ગયું.તે બોલી ઉઠયા કે-સુમંત્ર મારા રામ-સીતા પાછા ના આવ્યા? અરે,સુમંત્ર,હું રામ 
જેવા દીકરાનો બાપ થવા માટે લાયક નથી..તું મારું હિત ઈચ્છતો હોય તો,મને અત્યારે ને અત્યારે 
રામની પાસે લઇ જા.નહિ તો હું તને સત્ય કહું છું,મને જીવવાનું મન નથી,હું જીવી શકીશ નહિ.
સુમંત્ર રાજાને આશ્વાસનના બોલ કહે છે-મહારાજા,આપ તો જ્ઞાની છો,તમે ધીર છો,વીર છો.તમે ક્યાં નથી જાણતા કે,જન્મ-મરણ,સુખ-દુઃખ,લાભ-હાનિ,મેળાપ અને વિયોગ એ બધું યે કાળને વશ છે,બધું,
રાત-દિવસની ઘટમાળની જેમ આવે છે ને જાય છે.પણ મહાપુરુષ એ ઘટમાળથી લેપાતો નથી.

પછી સુમંત્રે રામજીની યાત્રાનું વર્ણન કર્યું,નિષાદરાજજી સેવાની વાત કરી.ને છેલ્લે તેમણે પોતે રાજાનો 
સંદેશો રામ-સીતાને કહ્યો હતો તે પણ કહ્યું.અને તેના જવાબમાં રામજીએ કહ્યું હતું કે-
મારા પિતાજીને મારા પ્રણામ કહેશો,અને કહેજો કે આપના પ્રતાપથી અમે સર્વ કુશળ છીએ.
સીતાજીએ સંદેશો આપ્યો હતો કે-હું અયોધ્યા નહિ આવી શકું,મારા પતિ વગર હું જીવી નહિ શકું.
મારા સાસુ અને સસરાના ચરણ માં મારા પ્રણામ કહેજો.

બોલતાં બોલતાં સુમંત્રની વાણી અટકી ગઈ,અત્યંત શોકથી એ વિહ્વળ બની ગયા.
સુમંત્રનાં વચન સાંભળતાં જ રાજા,હે,રામ-હે,રામ બોલતાં પૃથ્વી પર પડ્યા.અને જળની બહાર માછલું તરફડે 
તેમ તરફડવા લાગ્યા.આસપાસનાં બધાં પણ વિલાપ કરવા માંડ્યાં.
કૌશલ્યા મા પણ રડતાં હતાં પણ હૈયું કાઠું કરીને રાજાને આશ્વાસન આપવાનો પ્રયાસ કરવા લાગ્યા.
“મહારાજ,રામ-વિરહનો મોટો સાગર પાર કરવાનો છે,હિંમત રાખો,ધૈર્ય ધારણ કરો,નહિ તો બધું ડૂબી જશે.
વનવાસની મુદત પુરી થતાં રામ જરૂર પાછા આવશે.

રાજાને જાણે છેલ્લું વાક્ય “રામ જરૂર પાછા આવશે” એટલું સંભળાણું.એમને આંખ ઉઘાડી ચારે-કોર જોયું,
ને ફરીથી બોલવા માંડ્યું કે-સુમંત્ર,મને લઇ જા,મને રામની પાસે લઇ જા,રામ વગર મારું જીવવું નકામું છે.
અને આટલું બોલતાં બોલતાં તો રાજા ફરીથી બેભાન થઇ ગયા.મધરાતે તે એકાએક ભાનમાં આવ્યા,
ને નિસાસો નાંખી કૌશલ્યાને કહેવા લાગ્યા કે-માનવી જેવાં કર્મ કરે છે તેવાં જ ફળ તે આ જન્મમાં જ પામે છે.
કૌશલ્યાજી સાંભળી રહ્યાં,તેમને થયું કે-આ રીતે પણ રાજા પોતાના મનને આશ્વાસન આપે તે સારું છે.

દશરથરાજા કહે છે કે-હે,કૌશલ્યા,અત્યારે હું સ્પષ્ટ પણે જોઈ શકું છું કે-મારાં કર્મનું જ ફળ હું ભોગવી રહ્યો છું.
મને અત્યારે યાદ આવે છે કે-અજાણે મારાથી એક ઘોર પાપ થઇ ગયું હતું,તે પાપનું ફળ અત્યારે હું ભોગવું છું. પાપ જાણીને થાય કે અજાણે થાય તેનું ફળ ભોગવવું જ પડે છે,
મનુષ્ય અજાણ્યે પણ જો ઝેર ખાઈ જાય તો તે મરે જ છે.
કૌશલ્યાજી શાંતિથી સાંભળી રહ્યાં છે ને દશરથરાજા પોતાના પાપનો પ્રસંગ કહી સંભળાવે છે.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE